આજના આધુનિક શિક્ષણને ખેડૂત, માલધારી કે
મજુર સાથે કેમ નિસ્બત નથી?
લોકભારતી સણોસરા ખાતે શ્રી ચારૂલ અને શ્રી વિનય દ્વારા વ્યાખ્યાન અપાયું
ઇશ્વરિયા શનિવાર તા.૧૬ - ૧૨ - ૨૦૧૭
આજના આધુનિક શિક્ષણને ખેડૂત,માલધારી કે મજુર સાથે કેમ નિસ્બત નથી? લોકભારતી સણોસરા ખાતે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં ગીત સંગીત ગાન સાથે જાણિતા સમાજસેવક શ્રી ચારૂલ અને શ્રી વિનય દ્વારા ‘અંતરનાદથી લોકનાદના સથવારે જીવનમૂલ્યો’ પર વ્યાખ્યાનમાં પ્રશ્ન થયો.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ- સણોસરા ખાતે શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાના ૫૬માં મણકાનું વ્યાખ્યાન જાણિતા સમાજ સેવક શ્રી ચારુલ અને શ્રી વિનય દ્વારા આપવામાં આવ્યું. અહી સૃષ્ટિના સંચાલન, સંસારની સ્થિતિ સાથે માનવ જીવન મૂલ્યો અને કેળવણીના ગાન સંવાદ રજુ થયા. આજના આધુનિક શિક્ષણને ખેડૂત,માલધારી કે મજુર સાથે કેમ નિસ્બત નથી? આ પ્રશ્ન રજુ થયો. શિક્ષણ માણસાઈ જાગૃત કરવા માટે હોય છે, જ્યારે આજના શિક્ષણને દેશની સાંપ્રત પરિસ્થિતિ સંદર્ભે ખ્યાલ કે ભાન નથી તેવું લાગે છે. ભાર વગરના ભણતરના આવકાર્ય અભિગમમાં, ભણતર કે ગણતર ગયું અને ભાર રહી ગયો તેવું થયાનો વસવસો શ્રી વિનય દ્વારા કરાયો.
શ્રી ચારુલ દ્વારા તેમની પ્રવૃત્તિનો પ્રારંભ અને શ્રી વિનય સાથેના સંપર્ક સાથેની વાતોનો સિલસીલો રોમાંચક રીતે વર્ણવ્યો.
બીજી બેઠકમાં શ્રી વિનયે કહ્યું કે માણસના હાથ સર્જનશીલ છે તેનાથી કૌશલ્ય નિર્માણ થતું રહ્યું છે. પ્રેમ વિષે પણ તેઓએ કહ્યું કે પ્રેમ એ મૂક્ત તત્વ છે. શ્રી વિનયે શ્રી ચારૂલ સાથે ભાવુક થઈને ઉમેર્યું કે સામાજિક એકતા માટે સહિયારા સપના જોવાનો સમય થઇ ગયો છે, તે માટે પાછળ રહી ગયાની પિડા વ્યક્ત કરી.
લોકભારતીના વડા શ્રી અરૂણભાઈ દવેએ આવકાર પરિચય આપતા આ જોડીને બિરદાવી અને આર્થિક સંકડામણમાં નઈ તાલીમ સાથે મૂલ્ય નિષ્ઠ શિક્ષણ સંચાલનમાં થયેલી મીઠી મૂંઝવણોનો ખ્યાલ આપ્યો. તેઓએ શ્રી ચારૂલ શ્રી વિનયના આ કાર્યને શિક્ષણ સાથે અધ્યાત્મ સંસ્કારનું કાર્ય ગણાવ્યું. લોકશિક્ષણ માટે તેમની સંસ્થા લોકનાદને બિરદાવી.
આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિએ વાર્ષિક અહેવાલ નિવેદન દ્વારા વિવિધ પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો.
વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાનમાળા સંદર્ભે મળેલા સંદેશાઓનું વાંચન શ્રી કાંતિભાઈ ભાઈ ગોઠીએ કર્યું હતું.
વ્યાખ્યાન કાર્યક્રમના સંચાલન માં શ્રી દિગંત મહેતા તથા શ્રી કવિતાબેન વ્યાસ રહ્યા હતા.
સારસ્વત ભવન ખાતેના આ કાર્યક્રમમાં વક્તાઓનું ચાદર વડે શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી રામચંદ્રભાઈ પંચોળી તથા શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા અભિવાદન કરાયું હતું. લોકભારતી સંગીત વૃંદ દ્વારા સુંદર ગીત ગાન પ્રાર્થના રજુ થયેલ.
રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર દ્વારા નાટક ‘યુગપુરૂષ : મહાત્માના મહાત્મા’ નું આયોજન થયું હતું.