ગોહિલવાડની ધરા પર ઉનાળાના પ્રારંભે
શેત્રુંજી ડેમમાં નર્મદામૈયાના જળના વધામણાં
કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
સૌની યોજના ભાવેણા માટે સોનું બનીને આવી
પાલિતાણા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શેત્રુંજી ડેમમાં નર્મદા જળના વધામણાં કરતાં ગુજરાત વિરોધીઓને સ્પષ્ટ કહ્યું હતું કે સૌરાષ્ટ્રની પ્રજાને તરસી રાખી ખેડૂતોને બરબાદી તરફ ધકેલવાનું જે પાપ તેમણે કર્યું છે તેને પ્રજા માફ નહીં કરે.
ગુજરાતની જનતામાં પાણીમાંથી પારસમણી પેદા કરવાની અને ખેડૂતોને વીજળી અને પાણી મળે, તો સોનું ઉગાડવાની તાકાત છે, એમ કહીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ રૂ. ૧૮,૦૦૦ કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વારા શેત્રુંજી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કર્યુ હતું. ગોહિલવાડની ધરતી પર આજે મા નર્મદાનો જળાભિષેક થતાં ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.
ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ રૂ. ૨૩.૭૩ કરોડના ખર્ચે નવનિર્મિત બહુમાળી પોલીસ આવાસોનું લોકાર્પણ, શેત્રુંજીથી રાયડી જળાશય સુધીની પાઇપલાઇનની કામગીરીનું તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણાધીન તરસમિયા, ભાવનગર ખાતેના EWS-1 અને EWS-2ના કુલ ૨૪૯૬ આવાસોનું પણ શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉત્તર ગુજરાત ધૂળિયું ન બને, સૌરાષ્ટ્ર લીલુંછમ થાય, તે માટે અમારી સરકારે ભગીરથ કાર્ય કર્યું છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રને પાણીના સંકટમાંથી કાયમી મુક્ત કરવાનું સપનું સેવ્યું હતું. તે સમયે ગુજરાત વિરોધીઓ આ યોજનાની મજાક ઉડાવતાં હતા. અત્યારે ઉનાળાના પ્રારંભે ડેમોમાં નર્મદાના નીર પહોંચ્યા છે, ત્યારે આવા વિરોધીઓને પાણી મુદ્દે બોલવાનો કોઇ જ અધિકાર નથી.
`અયોધ્યામાં રામ, યુવાનોને કામ, કિસાનોને સહિ દામ અને મોંઘવારી પર લગામ’- આ મંત્ર સાથે સરકાર કાર્યરત છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે `અમે જે કહીએ છીએ, તે કરીએ જ છીએ’ તેની પ્રજા સાક્ષી પણ છે. આતંકવાદીઓને વીણીવીણીને ખતમ કરવાનું કામ પણ આપણી સેનાએ શૌર્યતાથી કર્યું છે.
દરિયાના ખારા પાણીને શુદ્ધ પાણીમાં ફેરવી પીવાલાયક મીઠા બનાવવાનો ડિસેલિનેશન પ્રોજેક્ટનો આપણે પ્રારંભ કર્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ભાવનગરમાં પણ આવો એક ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરાશે તેની વિગતો તેમણે આપી હતી. સૌની યોજનાથી ભાવનગર જિલ્લાને મળનારા લાભની તલસ્પર્શી માહિતી પણ તેમણે આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું જિલ્લાના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂતો અને સંગઠનના પદાધિકારીઓએ ગોહિલવાડની પરંપરા મુજબ કળશથી અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સૌની યોજનાની બ્લૂપ્રિન્ટનું નિરીક્ષણ કર્યું હતું.
અલંગ ખાતે મેરિટાઇમ બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવેલી હોસ્પિટલનું લોકાર્પણ તકતી અનાવરણ કરીને ચાવી અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. જિલ્લાના મહેસૂલી અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેમના એક દિવસના પગારમાંથી એકઠા કરેલા રૂ. ૧૯ લાખનો ચેક તેમજ કૃણાલ ગ્રૂપે રૂ. ૨.૫૧ લાખ શહીદ પરિવારોના ફંડ માટે અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી પરબતભાઈ પટેલ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી અને ખેતી માટે સિંચાઈના પાણી પૂરું પાડતી સૌની યોજના સાકાર થઈ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાતે રિવ્યૂ કરીને સૌની યોજનાને તેજ ગતિએ આગળ ધપાવી છે. આ યોજના વર્તમાન વડાપ્રધાનશ્રીની જે-તે સમયની મુખ્યમંત્રી તરીકેની આગવી દૃષ્ટિથી સાકાર થઈ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ અને મહિલા બાળકલ્યાણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર મહાપાલિકાના મેયરશ્રી મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વક્તુબેન મકવાણા, સંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી તેમજ શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી આત્મારામભાઈ પરમાર, ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો તેમજ જળસંપત્તિ વિભાગના સચિવશ્રી એમ.કે. જાદવ, જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલ, મ્યુ. એમ.એ. ગાંધી, ભાવનગર, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ તથા એસપીશ્રી જયપાલસિંહ રાઠોર તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.