મંત્રી શ્રીબાવળીયા મુલાકાત

છેવાડાના ગામ સુધી સમયસર શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ - મંત્રી શ્રીબાવળીયા
સિહોર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, મહુવા અને તળાજા તાલુકાના પમ્પિંગ સ્ટેશનો તેમજ હેડ વર્કર્સની મુલાકાત 

ભાવનગર

ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આગામી સમયમાં ભાવનગરવાસીઓને પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે ભાવનગર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જઇને જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે  છેવાડાના ગામ સુધી સમયસર શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા, ગારીયાધાર તાલુકાના પરવડી તેમજ નાની માળ, પાલીતાણાના રોહિશાળા,જેસર, મહુવા તાલુકાના બગદાણા,રોજકી તેમજ કૃષ્ણપરા,તળાજા તાલુકાના પસવી,સોસિયા તેમજ બેલા ખાતે આવેલા પાણી પુરવઠા વિભાગના હેડવર્કસની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓ તેમજ આગેવાનો પાસેથી માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતા. ભાવનગરની બે દિવસની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રીએ ઉનાળાના સમયમાં ભાવનગર જિલ્લાને કોઇપણ રીતે પાણીની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી સુચનો કરી આગામી સમયમાં પાણીની ઘટ ઉભી ન થાય અને ઉનાળાના સમયમાં ભાવનગરના વિશાળ ભૂભાગને ધ્યાને લઇ માંગ પ્રમાણે પાણી પૂરુ પાડવાની તાકીદ કરી હતી.

તાલુકાઓના પુરવઠાના સમ્પ સ્ટેશનની મુલાકાત લઇ અહીં થતી કામગીરીને મંત્રીશ્રીએ નિહાળી હતી તેમજ પાણી વિતરણની કામગીરીથી વાકેફ થયા હતા અને જણાવ્યું હતું કે હાલ સુરત વગેરે જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે ત્યારે પાણીની માંગમાં વધારો થશે તે સ્વાભાવિક છે.પરંતુ છેવાડાનાં ગામ સુધી પણ સમયસર શુદ્ધ પૂરતું પાણી મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે.

પાણી પુરવઠા મંત્રીશ્રીની ભાવનગરની મુલાકાત વેળાએ ધારાસભ્ય સર્વે શ્રી કેશુભાઈ નાકરાણી, શ્રી આર.સી.મકવાણા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર શ્રી મોદી, તેમજ અધિકારીશ્રીઓ કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી ઉપસ્થિત રહયા હતા.