અમરગઢ શાળાના બાળકો

અમરગઢ શાળાના બાળકો પ્રકાશિત

કરી રહ્યા છે ‘બાલ કલરવ સમાચાર’

શિક્ષિકા શ્રી ભારતીબેન વોરાનું માર્ગદર્શન

ઇશ્વરિયા શનિવાર તા,૦૪/૧૧/૨૦૧૭

  અમરગઢ ગામની શાળાના બાળકો ‘બાલ કલરવ સમાચાર’ પ્રકાશિત કરી રહ્યા છે. શાળાના શિક્ષિકા શ્રી ભારતીબેન વોરાનું આ બાળકોને માર્ગદર્શન મળી રહ્યું છે.

    અમરગઢ (જિંથરી) પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓનું આ પ્રકાશન વાંચવા અને જાણવા જેવું રહે છે. શાળા અને ગામની વિવિધ પ્રવૃત્તિઓ સાથેની સમાચાર નોંધ આ પ્રકાશન દ્વારા રજુ કરવામાં આવે છે.

    સામાન્ય રીતે શાળાના અભ્યાસ પ્રારંભે પ્રાર્થના સભામાં સમાચાર પત્રોમાંથી સમાચાર વાંચન થતું હોય છે, ત્યારે આ નાનકડા બાળ પત્રકારો પોતે જ સમાચાર શોધી ‘બાલ કલરવ સમાચાર’ પ્રકાશિત કરે છે, જે માધ્યમિક શાળા અને મહાવિદ્યાલયો માટે પણ સૂચક બાબત રહી છે.

    શિક્ષિકા શ્રી ભારતીબેન વોરાના માર્ગદર્શન સાથે આ શાળાના બાળકો પત્રકાર અને પ્રકાશક બન્યા છે. અમરગઢ ગામની શાળાના બાળકોના આ પ્રકાશન માટે આચાર્ય શ્રી કેતનભાઈ વાઘેલા તથા શાળા પરિવાર દ્વારા નાનકડા પત્રકારોની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન મળે છે.

    ‘બાલ કલરવ સમાચાર’ માત્ર શાળા કે ગામની પ્રશંસા કરતી નોંધ જ પ્રકાશિત કરે છે તેવું નથી, કોઈ ફરિયાદ કે સમસ્યા હોય તો તે પણ નોંધ લે જ છે.