ભાવનગરમાં નીકળશે જગન્નાથજીની રથયાત્રા

રાષ્ટ્રની ત્રીજા ક્રમની રથયાત્રા 
ભાવનગરમાં અષાઢી બીજના પર્વે ભારે ઉત્સાહ અને આસ્થા સાથે નીકળશે જગન્નાથજીની રથયાત્રા

ઈશ્વરિયા 

સ્વર્ગીય શ્રી ભિખુભાઇ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના આયોજન સાથે અષાઢી બીજના પર્વે ભાવનગરમાં ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રાષ્ટ્રની આ ત્રીજા ક્રમની રથયાત્રા રહેલી છે. 

ભાવનગરમાં છેલ્લા 33 વર્ષથી અષાઢી બીજ પર્વે સ્વર્ગીય શ્રી ભિખુભાઇ ભટ્ટ પ્રેરિત આ રથયાત્રા સંદર્ભે પત્રકાર પરિષદમાં આપાયેલ વિગત મુજબ સુભાષનગર ખાતે જગન્નાથ મંદિર ભગવાનેશ્વર મંદિરથી સવારે 8 કલાકે સંતો, મહંતો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિ સાથે ભાવનગર રાજવી પરિવારના શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજ શ્રી જયવીરસિંહજીના હસ્તે સોનાના ઝાડુ દ્વારા વિધિ બાદ રથયાત્રા નગરમાં પ્રસ્થાન થશે.

સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયાના નેતૃત્વમાં આ રથયાત્રામાં સ્થાનિક રાજકીય મહાનુંવો પદાધિકારીઓને નિમંત્રિત કરાયા છે. 

સમગ્ર ભાવનગરમાં રથયાત્રા માર્ગ પર ધજા, પતાકા, તોરણ અને સ્વાગતના સંદેશ સાથે પડદાઓ જોવામળી રહ્યા છે. 

રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તો અને સેવકો માટે નગરમાં ઠેરઠેર સરબત, નાસ્તો, પ્રસાદ ગોઠવાયા છે. જેમાં અલગ અલગ મંડળ સંસ્થા તેમજ દાતાઓનો સહયોગ રહ્યો છે. 3 ટન ચણા પ્રસાદ માટે વ્યવસ્થા થઈ છે. 

શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના આયોજન સાથે આ રથયાત્રા ભાવનગરના સાંસ્કૃતિક પ્રતીક સમા ઉત્સવ જેમ બનેલ છે. અહીં સાથે ખુબ મોટા પ્રમાણમાં વાહનો રંગદર્શી રીતે જોડાનાર છે. વિવિધ સામાજિક જાગૃતિ અને ધાર્મિક સંદેશ સાથે નિદર્શનો ગોઠવાયા છે. રથયાત્રા આગળ આગળ રંગોળી સજ્જ, અંગકસરત દાવ વગેરે આકર્ષણ રહેશે.   

સુભાષનગરથી નીકળી  આંબાવાડી, સરદારનગર, ઘોઘા જકાતનાકા, શિવાજી ચોક, ગાયત્રીનગર, શિક્ષકનગર, સંસ્કાર મંડળ, તખ્તેશ્વર મંદિર, સંત કંવરરામ ચોક , કાળાનાળા, અનંતવાળી, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, નિર્મળનગર, મોરલીધર મંદિર, ચાવડી દરવાજા, પાનવાડી થઈ જશોનાથ મંદિર પહોંચશે. બપોરે આ રથયાત્રા અહીંથી ગંગાદેરી, ઘોઘા દરવાજા, ખાર દરવાજા, મામાકોઠા, રૂવાપરી દરવાજા, ડોન, થઈને આગળ સુભાષનગર મંદિર ખાતે સમાપન પામશે.

રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલીયા સાથે મહામંત્રી શ્રી મનસુખભાઇ પંજવાની, મંત્રી શ્રી કરશનભાઇ વસાણી, અગ્રણીઓ શ્રી અનિરૂધ્ધસિંહ ગોહિલ, પાર્થભાઈ ગોંડલિયા, શ્રી ક્રાંતિબેન ભટ્ટ, શ્રી યોગેશભાઈ જોશી વગેરે અને નગરની અનેક સંસ્થાના આગેવાનો સંકલનમાં રહ્યા છે.   

આ રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્વક સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતું આયોજન રહેલું છે.