સાદા તાવના તેમજ મેલેરિયામાં નોંધપાત્ર ઘટાડો

છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર જિલ્લામાં સાદા તાવના તેમજ મેલેરિયામાં નોંધપાત્ર ઘટાડો

જિલ્લા વિકાસ અધિકારીશ્રી બરનવાલના અધ્યક્ષ સ્થાને બેઠક 

ભાવનગર

     જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને આરોગ્યના જુદા જુદા પ્રોગ્રામની બેઠક કલેક્ટર કચેરી ભાવનગર ખાતે યોજવામાં આવી હતી જે પૈકી વાહકજન્ય રોગો અન્વયે ભાવનગર જિલ્લાના જુદા જુદા વિભાગોની ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મીટિંગ પણ કરવામાં આવેલ. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં સાદા તાવના તેમજ મેલેરિયા/ઝેરી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. સરકારશ્રીના વિભાગો જેવા કે શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, વગેરેએ કરવાની થતી કામગીરી બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

     આરોગ્ય વિભાગની કામગીરી જોતાં છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં સાદા તાવના તેમજ મેલેરિયા/ઝેરી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે. સાદા તાવના કેસો 2017મા 4,22,111, 2018માં 4,20,507 નોંધાયા હતા. જે ચાલુ વર્ષે જૂન 2019 સુધી 1,96,658 કેસો નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 2017માં 346, 2018માં 99 જ્યારે ચાલુ વર્ષે જુન 2019 સુધીમાં માત્ર 14 કેસો સમગ્ર જિલ્લામાં નોંધાયા છે.જ્યારે ઝેરી મેલેરિયાનો આ વર્ષમાં ફક્ત એક કેસ નોંધાયો છે. આમ આરોગ્ય વિભાગની સખત મહેનતના કારણે મેલેરીયા તેમજ ઝેરી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જે બાબતની જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ નોંધ લઇ કામગીરીની પ્રશંસા કરી હતી.

     લોકોમાં મેલેરિયા/ઝેરી મેલેરિયા ન ફેલાય તે અંગે તકેદારીના પગલારૂપે આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાવિયાડ દ્વારા જરૂરી સુચનાઓ તેમજ માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે જો તાવ આવે તો તરત ટોલ ફ્રી 104 હેલ્પલાઇનનો ઉપયોગ કરવો જેથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/અર્બન હેલ્થ સેન્ટર ના હેલ્થ વર્કર આપના ઘરની રૂબરૂ મુલાકાત લઇ તુરત જ લોહીની તપાસ કરશે. આપના ઘરની અંદરના ટાંકાના ભાગને હવાચુસ્ત ઢાકણથી બંધ રાખવા, ઘરની ઉપર કે આસપાસ જો ટાયર, ભંગાર રહેલો હોય તો તેનો નિકાલ કરવો, સવારે તેમજ સાંજે બારી-બારણા અવશ્ય બંધ રાખવા, આપના ઘરની આસપાસ ખાડા ખાબોચિયામાં પાણી ભરાયેલ હોય તો માટીથી તેનું પુરાણ કરવું, આરોગ્ય કાર્યકર અથવા આશા બહેનો જ્યારે એબેટ નામની દવા આપના ટાંકામાં નાખવા આવે ત્યારે તેમને સહકાર આપવો, પ્રાઈવેટ ડોક્ટરશ્રીઓ અને લેબોરેટરી ધરાવતાં મિત્રોએ જો આપના ક્લિનિક અથવા લેબોરેટરીમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યૂ અથવા ચિકનગુનિયાના કોઈપણ દર્દી દાખલ થાય તો તરત જ સરકારશ્રીના નોટિફિકેશન મુજબ સરકારશ્રીના જવાબદાર કર્મચારીને ફરજિયાતપણે તેની જાણ કરવી, જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી બોરીચા દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરી વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સદરહુ મિટિંગમાં વાહકજન્ય રોગોની જેમ મીઝલ્સના કેસોમાં પણ આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરીના કારણે કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેમ સર ટી. હોસ્પિટલ ભાવનગરના શ્રી જીયેન્દ્ર ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું. મિઝલ્સના કેસો એક નજરે જોતા વર્ષ 2015માં 562 કેસો, વર્ષ 2016માં 241 કેસો, વર્ષ 2017માં 176 કેસો વર્ષ 2018માં 58 કેસો ચાલુ વર્ષમાં સુધીમાં માત્ર 11 કેસો નોંધાયા છે.