શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ શિક્ષકો જીવનમાં નૈતિકતા લાવે તે સમયની માંગ - શિક્ષણાધિકારીશ્રી કણસાગરા
જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ ભાવનગરના સીદસર સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો
ભાવનગર
સોમવાર તા. ૧૭ના જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા જિલ્લા કક્ષાનો ચોથો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૮-૧૯ ભાવનગરના સીદસર ગામ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કણસાગરાએ જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ શિક્ષકો જીવનમાં નૈતિકતા લાવે તે સમયની માંગ છે
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કણસાગરાએ જણાવ્યું હતું કે મેં ૧૭ વર્ષ સુધી માધ્યમિક વિભાગમાં કામગીરી કરી છે બાળકમાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓને બહાર કાઢવી અને જગતમાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓ બાળકને બતાવી તેને વિકાસના રસ્તે લઈ જવું તે શિક્ષકનું કામ છે શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાયેલાં તમામ શિક્ષકો જીવનમાં નૈતિકતા લાવે તે સમયની માંગ છે. બાળકને ભાર વિનાનું ભણતર આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
જી. સી. ઈ. આર. ટી. ગાંધીનગરના ભુતપુર્વ નિયામકશ્રી નલીન પંડિતે જણાવ્યું હતું કે શિક્ષણ ને સમજવા માટે ભાવનગરને સમજવું જરૂરી છે. નાનાભાઈ ભટ્ટ જેવાં મોટા ગજાના માનવી થકી જ શિક્ષણ કાર્ય શોભે છે. મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી મનુભાઈ પંચોલી જેવાં પવિત્ર લોકો ની પવિત્ર સુગંધથી આજે પણ ભાવનગરની માટી મહેંકી રહી છે.
સ્ટેટ ઈનોવેટીવ સેલનાપાર્થેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અહીં જિલ્લાનાં ૪૩ શિક્ષકો એ ઈનોવેટીવ આઈડિયા થકી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે તેનું પ્રદર્શન આજે અહીં યોજાયુ છે તેના દ્વારા અન્ય શિક્ષકોને પ્રેરણા મળશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી મીંયાણી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મીતાબેન દુધરેજીયા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નીલેશ રાવલ, જિલ્લાના તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી. આર. સી. કો-ઓર્ડિનેટરો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી હિરેન ભટ્ટ, શ્રી તલસાણીયા, શ્રી શરદભાઈ બારૈયા, શ્રી મધુકર ઓઝા, શ્રી વિપુલ ઓઝા, શ્રી યોગેશભાઈ સહિત શિક્ષકો, તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.