આરોગ્ય, પોષણ, અને સ્વચ્છતા શિક્ષણ
બોટાદ ખાતે યુવા સ્વાસ્થ્ય સંસદ કાર્યક્રમ યોજાયો
બોટાદ :
બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, પોષણ, અને સ્વચ્છતા શિક્ષણના પ્રચાર – પ્રસાર હેતુસર બોટાદ નગરપાલિકાના હોલ ખાતે યુવા સ્વાસ્થ્ય સંસદ - “યંગ પાર્લામેન્ટ” કાર્યક્રમ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રીએ આરોગ્ય વિભાગના કર્મયોગીઓને આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમ થકી બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. તેમણે ઉમેર્યું હતુ કે, આપણે સૌ સ્વસ્થ હોઈએ ત્યારે આપણા આરોગ્યની ચિંતા કરતા નથી, પરંતુ જ્યારે બીમાર પડીએ ત્યારે જ આપણે આરોગ્યની ચિંતા કરીએ છીએ. આપણે જો સ્વસ્થ હોઈ ત્યારે આરોગ્યની ચિંતા કરીએ તો કોઈ દિવસ આપણે બિમાર પડીશુ નહિ.તેમણે આરોગ્ય માટે સૌથી વધુ મહત્વની બાબત એવી સ્વચ્છતા ઉપર ભાર મૂકતા કહ્યું હતુ કે, આપણે સૌએ સ્વચ્છતાને લગતી નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કરી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે. તેમણે વ્યસનથી મૂક્ત બની બાળકોમાં પણ સુટેવ વિકસે તે માટે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
યુવા સ્વાસ્થ્ય સંસદ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાએ પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધુમ્રપાન નિષેધ એક પાત્રીય અભિનય, પાંડુરોગ, કુપોષણ અને સ્વાસ્થ્ય, તમાકુ અને વ્યસનો ઉપર વિવિધ મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ તકે પ્રશ્નોતરી અને પોષણ રાજા - એક પાત્રીય અભિનય દ્વારા આરોગ્યને લગતી વિવિધ માહિતી આપવામાં આવી હતી.
બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, પોષણ, અને સ્વચ્છતા શિક્ષણના પ્રચાર – પ્રસાર હેતુસર આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. માઢક તથા આરોગ્ય વિભાગના કર્મયોગી અધિકારી – કર્મચારીશ્રીઓ, ટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.