ભાવનગરમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા

 

ભાવનગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા

વહીવટી તંત્ર - પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી 

ભાવનગર

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળવાનો દિવસ. ભાવનગરમાં છેલ્લાં 34 વર્ષથી પારંપરિક રીતે ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જે રાજ્યમાં અમદાવાદ બાદ બીજા ક્રમની રથયાત્રા ગણવામાં આવે છે. ત્યારે આજે સવારે 8 કલાકે શહેરના સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતેથી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે સોનાના સાવરણાથી ‘છેડાપોરા’ અને ‘પહિંદ’ વિધિ કરાવી ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

  સ્વર્ગીય શ્રી ભિખુભાઇ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના આયોજન સાથે અષાઢી બીજના પર્વે ભાવનગરમાં ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ‘જય જય જગન્નાથ’ અને ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી’જયઘોષ સાથે પ્રસ્થાન સમયે બહોળી સંખ્યામાં સંતો-મહંતો, મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ જાડેજા, માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના રાજકીય આગેવાનો, નિવૃત્ત સૈનિકો તેમજ હજારોની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં આશરે 100થી વધુ ટ્રક, જીપ, ટ્રેક્ટર, રિક્ષા પર વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના ફ્લોટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત, 2 હાથી, 6 ઘોડા, 4 અખાડા, વિવિધ રાસ મંડળીઓ, સત્સંગ મંડળો પણ પ્રારંભથી જ ઢોલ, ત્રાસા, નગારા તેમજ ડીજેના તાલ સાથે ભગવાનના ગુણગાન ગાતા જોડાયા હતા.સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયાના નેતૃત્વમાં આ રથયાત્રામાં સ્થાનિક રાજકીય મહાનુંભાવો પદાધિકારીઓ જોડાયા હતા.

અમર જવાન જ્યોતિ, એરસ્ટ્રાઇક જેવા દેશભક્તિથી ભરપૂર ફ્લોટ્સ, વિવિધ ધાર્મિક ફ્લોટ્સ, આરોગ્ય અને વૃક્ષારોપણની પ્રવૃત્તિને ઉત્તેજન આપતાં ફ્લોટ્સ, વેશભૂષાઓ, મંડળીઓ લોકોનું ધ્યાન ખેચ્યું હતું. આ ઉપરાંત, રામ-લક્ષ્મણને ખભે બેસાડીને લઈ જતાં હનુમાનજીની વિરાટ પ્રતિમાવાળો મૂવિંગ ફ્લોટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રથયાત્રામાં જોડાનારા ભાવિકો અને દર્શનાર્થીઓને વિતરણ કરવા માટે 3 ટન જેટલી ચણાની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય રથયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ અને ખાનગી આયોજકો દ્વારા પણ પ્રસાદીની વ્યવસ્થા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આશરે 18 કિલોમીટર લાંબી આ રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાની જવાબદારી પ્રાતિવર્ષાનુસાર ભોઈ સમાજના 150થી વધુ ભાવિકો દ્વારા ઉઠાવી લેવામાં આવી હતી. જ્યારે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર દ્વારા રથયાત્રા સાથે સંકલન સાધી સુંદર સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.