મુખ્યમંત્રીશ્રી પાલીતાણા ખાતે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાલીતાણા ખાતેના

ભૈરવનાથ મંદિરે સજોડે દર્શન કરી યજ્ઞમાં ભાગ લીધો 

તળેટી ખાતે પણ દર્શન કર્યા.

ભાવનગર;બુધવાર;

  આજે તા. ૧૮ ઓકટોબરે કાળી ચૌદશના દિવસે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેના ભૈરવનાથ મંદિરે સજોડે દર્શન કરી યજ્ઞમાં ભાગ લીધો હતો તેમજ તળેટી ખાતે પણ દર્શન કર્યા હતા. તેમની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, શિવાભાઈ ગોહિલ, જિલ્લાના અગ્રણીશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા,રાજકોટના અગ્રણીશ્રી નિતીનભાઈ ભારદ્વાજ, પાલીતાણા શહેરના પદાધિકારીઓ પણ દર્શન અને યજ્ઞમાં જોડાયા હતા.

  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે તેઓ વર્ષોથી કાળભૈરવ દાદાના દર્શને કાળી ચૌદશના દિવસે આવે છે. અહીં દર વર્ષે કાળી ચૌદશના દિવસે રાજ્ય તેમજ રાષ્ટ્રની સુખાકારી માટે યજ્ઞ થાય છે. દેશના માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રની  સરહદોનું રક્ષણ કરતા રહેલા જવાનોને છુટો દોર આપી અને સર્જીકલ સ્ટ્રાઈક રૂપી અભિયાન થકી નાપાક ઈરાદો ધરાવતા અન્ય દેશને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન ન આપવાનો સંદેશ આપ્યો હતો. કાળભૈરવ દાદાના મંદિરે યજ્ઞ થકી દેશના જવાનોને બળ મળે તેવી કાળભૈરવ દાદાને તેમણે પ્રાર્થના કરી હતી.  

  આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હોદ્દેદારો તથા લોકો હાજર રહ્યા હતા.