બોટાદ ખાતે કૃષિ મહોત્સવ યોજાયો
કૃષિ મહોત્સવનો ઉદ્દેશ ખેડૂતો આવકમાં વધારો કરવા તેમજ પ્રેરણા મેળવે તે છે - જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમાર
બોટાદ
બોટાદ ખાતે કૃષિ મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પોતાની આવકમાં વધારો કરવાનો તેમજ પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો આદાન પ્રદાન કરે અને તેમાંથી પ્રેરણા મેળવે તે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં જુદાં જુદાં વૈજ્ઞાનિકો દ્વ્રારા આધુનિક તેમજ ઓર્ગેનિક ખેત પદ્ધતિ, જમીન ચકાસણી, જંતુનાશક દવાઓ, બિયારણો, જૈવિક ખાતર તેમજ પશુપાલન વિશે માહિતી આપવામાં આવે છે જેથી આ માહિતી દ્વ્રારા ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી પોતાની આવકમાં બમણો વધારી કરી શકે છે. રાજ્ય સરકાર દ્વ્રારા ઉજવવામાં આવતા આ કૃષિમહોત્સવમાં તમામ ખેડૂતોને ખેતીને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી પ્રાપ્ત થાય છે.
આજ રોજ કૃષિ મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષ કુમારે જણાવ્યુંકે, આપણા જિલ્લામાં લગભગ ૮૦ ટકા કપાસનું વાવેતર થાય છે. ત્યારે તેના ઉત્પાદનના વધારા માટે ઘણાં બધા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જેમાં પાણીનો પ્રશ્ન મહત્વનો રહે છે ત્યારે રાજ્ય સરકારે આ પાણીની ચિંતા કરી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેક ડેમો ઉંડા કરવા અને નવા ચેકડેમો બનાવવા જેવા કાર્યો કર્યા છે અને વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કઈ રીતે થાય તેનો વિચાર કર્યો છે. તેમજ જરૂર પુરતો પાણીનો ઉપયોગ થાય તે માટે ટપક પધ્ધતિથી ખેતી કરવા જણાવ્યું હતું. સરકારી સહાય માટે તંત્ર સદા આપની સાથે છે તેમજ સરકારશ્રીની વિવિધ ખેતીને લગતી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
બોટાદ જિલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાંઆ કૃષિ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં વૈજ્ઞાનિક તજજ્ઞો દ્વારા કૃષિ, જમીન ચકાસણી તેમજ પશુપાલન વિશે માહિતી આપી હતી. બ્રહ્મકુમારીમાં પધારેલ શ્રી નીતાબેને પ્રસંગને અનુરૂપ ઉદ્દ્બોધન કર્યું હતું. તેમજ પ્રગતિશીલ ખેડુતશ્રી મેઘજીભાઈ અને શ્રી રાવતભાઈએ પોતાના અનુભવો ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યા હતા.
બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગઢીયાએ ખેતી વિષયક પી.એમ કિશાન યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી, ખેડુત આઈ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અધિકારીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડુતખેડૂતોને ચેક તેમજ આત્મા બેસ્ટા ફાર્મર એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શાબ્દિક વિધિ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગઢીયાએ તેમજ આભાર વિધિ મદદનીશ ખેતી નિયામકશ્રી ધાંધલીયાએ કરી હતી.
આ મહોત્સવમાં કૃષિ મહોત્સવ જિલ્લા અધિકારી શ્રીમતી કલ્પના પંચાલ, શ્રી મનહરભાઈ માતરીયા, શ્રી ભીખુભાઈ વાઘેલા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ પીપાવત, શ્રી પોપટભાઈ અવૈયા સહિતના અગ્રણીઓ, બોટાદ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેતવિભાગના અધિકારી – કર્મચારીશ્રી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.