સણોસરા પંથક તળાવોમાં મહી - નર્મદા નીર આવશ્યકતા
સણોસરા પંથકના તળાવોમાં મહી - નર્મદા
આધારિત નીર ઠાલવવાની આવશ્યકતા
ઈશ્વરિયાના પૂર્વ સરપંચે કરેલી માંગ
ઈશ્વરિયા
સરકાર દ્વારા મહી - નર્મદા યોજના આધારિત 'સૌની યોજના' અંતર્ગત છેવાડા ગામો સુધી પાણી પહોંચાડવાની સારી કામગીરી થઈ છે, ત્યારે સણોસરા પંથકના તળાવોમાં મહીં - નર્મદાના નીર ઠાલવવા ઈશ્વરિયાના પૂર્વ સરપંચે માંગ કરી છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા પંથકના ગામો આસપાસ આવેલા નાના તળાવોમાં ઉપરવાસ નદી કે વોંકળા ટૂંકા હોઈ, પાણીનો જથ્થો મોટા પ્રમાણમાં એકત્ર થઈ શકતો નથી, આથી આસપાસના વિસ્તારનું જ પાણી તળાવમાં એકત્ર થઈ શકે છે.
આ વિસ્તારમાં રામધરી તથા ચોરવડલા જળસિંચન યોજના તળાવો, સાંઢિડા તળાવ, આંબલા તળાવ ઉપરાંત મોટા આડબંધોમાં 'સૌની યોજના' અંતર્ગત મહીં - નર્મદા નીર ઠાલવવા કાર્યવાહી થાય તેમ ઈશ્વરિયાના પૂર્વ સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિતે માંગ કરી છે.
સરકાર દ્વારા આ યોજના અંતર્ગત છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાની સારી કામગીરી થઈ છે, ત્યારે રંઘોળા તેમજ વિકળિયા પાસે 'સૌની યોજના' જળરાશિ માટે વ્યવસ્થા થઈ છે, ત્યાંથી ભૂંગળા વાટે સણોસરા તરફ પાણી પહોંચાડવામાં આવે તો સણોસરા, સાંઢિડા, વાવડી, કૃષ્ણપરા, ઈશ્વરિયા, રામધરી, બજુડ, ગોલરામાં, આંબલા વગેરે ગામોના પાણી - સિંચાઈ ના પ્રશ્નો હળવા થઈ શકે તેમ છે.