ભાવનગરમાં ફળ શાકભાજી તાલીમ

ભાવનગરમાં મહિલાઓ માટે ફળ શાકભાજી પરિરક્ષણ તાલીમ યોજાશે 

ઘર આંગણે ઉગાડી શકાતાં ફળ શાકભાજી અંગે માર્ગદર્શન 

ભાવનગર

     બાગાયત ખાતું, ગાંધીનગરની ભાવનગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અંતર્ગત  ભાવનગરમાં મહિલાઓ માટે ફળ તથા શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે ઘર આંગણે ઉગાડી શકાતાં ફળ શાકભાજી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

     કેનીંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષીત કરી તેમાંથી મળતાં ઉપયોગી પોષક્તત્વો દ્વારા મહિલાઓ તેમજ તેમના દ્વારા તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહઉદ્યોગ દ્રારા કેનીંગ(ડબ્બાબંધી) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી મહિલા સશક્તિકરણ માટે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની ગ્રામ્ય ક્ક્ષાએ દિન : ૭ તથા ભાવનગરમાં દિન: ૧૫ની પરિરક્ષક તાલીમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓને ફળો તેમજ શાકભાજીમાંથી બનતાં વિવિધ શરબત, જામ, જેલી, કેચઅપ, સોસ, વિવિધ પ્રકારનાં અથાણાં જેવી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપી પ્રમાણપત્ર આપવામાં આવે છે.

     આ સાથે મહિલાઓને આ તાલીમમાં ઘર આંગણે ઉગાડી શકાતાં ફળ શાકભાજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે, તો તાલીમ લેવા ઈચ્છુક બહેનોએ ઓછામાં ઓછા ૩૦ બહેનોના નામની યાદી બનાવી સંપર્ક નંબર ધરાવતા પત્ર સાથે અરજી કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ટેકનીકલ સ્કુલ કંપાઉન્ડ, નવાપરા, ભાવનગર” ના સરનામે મોકલી આપવી અથવા રુબરુ સંપર્ક કરવો.તેમ નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.