બોટાદ : ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ કાર્યક્રમ એ નોકરીની સાથે સમાજ સેવાની ઉમદા તક પૂરી પાડશે
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી બોટાદ જિલ્લા અને સેન્ટ જોન એમ્બ્યુલન્સ ભાવનગરના સંયૂક્ત ઉપક્રમે કાર્યક્રમનો શુભારંભ
બોટાદ :
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી બોટાદ જિલ્લા બ્રાંચ અને સેન્ટ જોન એમ્બ્યુલન્સ ભાવનગરના સંયૂક્ત ઉપક્રમે બોટાદ ખાતે ટુંકા ગાળાના ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, સેવા પ્રવૃત્તિને વરેલી રેડક્રોસ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ આ ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ કાર્યક્રમ એ તાલીમાર્થીઓ માટે નોકરીની સાથે સમાજ સેવાની ઉમદા તક પૂરી પાડશે. આ તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયે રોજગાર કચેરી દ્વારા સ્થળ ઉપર જ રોજગાર નોંધણી કરી તેમને રોજગાર નોંધણી કાર્ડ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ.
તેમણે આ તાલીમ કાર્યક્રમના શુભારંભ થકી ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સાચો અને યોગ્ય દિશાનો પ્રયાસ કરાયો છે તેમ જણાવી ફર્સ્ટ એઈડની સામાન્ય સમજ અનેક લોકોના જીવન બચાવવામાં ખૂબ ઉપકારક બની રહે છે તેમ પણ ઉમેર્યું હતુ.
આ પ્રસંગે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ભાવનગરના શ્રી સુમીત ઠક્કરએ આ તાલીમ કાર્યક્રમ દ્વારા વધુને વધુ લોકોને તાલીમ મળી રહે તેવી આશા વ્યક્ત કરી ૧૬ કલાકના આ ટુંકા ગાળાના તાલીમ કાર્યક્રમ દ્વારા બે વર્ષમાં ૧૮ હજારથી વધુ અધિકારી – કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં શ્રી મીલનભાઈએ પ્રાસંગીક ઉદ્દબોધન કરી તાલીમ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો.
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી બોટાદ બ્રાંચ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી અધિકારી શ્રી દવે, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના સર્વ શ્રી કિશોરભાઈ શાહ, જ્યેશભાઈ વગડીયા, નિલેશભાઈ, વિનયભાઈ સહિતના હોદ્દેદારો તથા તાલીમાર્થી ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.