આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ વાર્ષિકોત્સવ શ્રી મોરારિબાપુ

માણસ, સંસ્થા અને રાષ્ટ્ર બહારથી સ્વચ્છ
અંદરથી પવિત્ર હોવા જોઈએ - શ્રી મોરારિબાપુ 
આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ વાર્ષિકોત્સવ તથા સભાગૃહ - ભોજનાલય શુભારંભ 
 
ઈશ્વરિયા, બુધવાર તા. 9-1-2019 
     આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના વાર્ષિકોત્સવ તથા સભાગ્રહ ભોજનાલય શુભારંભ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, માણસ, સંસ્થા અને રાષ્ટ્ર બહારથી સ્વચ્છ અને અંદરથી પવિત્ર હોવા જોઈએ, અહીં ભૂતપૂર્વ વિદ્યાર્થી - કાર્યકરો સામેલ થયા હતા.
     ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ આજે આંબલા ખાતે યોજાયો. આ સાથે કેન્દ્રીય મઁત્રી શ્રી - સાંસદ શ્રી મનસુખભાઇ માંડવિયા અનુદાન, શ્રી મધુકરભાઈ ઓઝા (પીડિલાઈટ) દાન તથા સંસ્થાના ભંડોળ અંતર્ગત આંબલા ખાતે નવનિર્મિત સભાગૃહ અને ભોજનાલયનો શુભારંભ શ્રી મોરારિબાપુ દ્વારા તસવીરો પર લેખન કરીને કરવામાં આવેલ. અહીં શ્રી રવુબાપુની ઉપસ્થિતિ રહી હતી.    
     શ્રી મોરારિબાપુએ તેમના ઉદ્દબોધન આશીર્વચનમાં કહ્યું કે, સાધક અને અધ્યાપક યુવાન હોવો જોઈએ અર્થાત વિદ્યાના સંદર્ભમાં તેમ જણાવ્યું. તેઓએ કહું કે માણસ, સંસ્થા અને રાષ્ટ્ર બહારથી સ્વચ્છ અને અંદરથી પવિત્ર હોવા જોઈએ. 
     ગ્રામદક્ષિણામૂર્તિના સ્થાપક - સંવર્ધક એવા શ્રી નાનાદાદા, શ્રી મૂળશંકરદાદા, શ્રી મનુદાદા તથા શ્રી બુચદાદાના સ્મરણ સાથે મણાર અને આંબલાની આ બન્ને સંસ્થાઓ મૂલ્યવાન અને શીલવાન હોવાનું જણાવ્યું અને શ્રી મોરારિબાપુએ વ્યક્તિના અને આવી સંસ્થાના અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ( કેટલાક અર્થમાં ગૌરવ) વિષે મનનીય વાત કરી. તેમણે ટકોર સાથે વાત કરી કે, દુનિયા ગાંધીજીથી દૂર થતી જાય છે, ત્યારે ગાંધી દુનિયાથી નજીક આવતા જાય છે, તેમણે ઉમેર્યું કે, ધાર્મિક એટલે તથાકથિત ગણવેશ સાથે ન ગણવું જોઈએ. શ્રી મોરારિબાપુએ સંસ્થાના વિદ્યાર્થીઓએ કરેલા સુમધુર શાંતિપાઠ- સ્તુતિગાન પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.  
     આ પ્રસંગે પ્રારંભે સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર ઉદ્દબોધનમાં નૈતિકતા સાથે ધાર્મિકતા પર ભાર મૂક્યો અને એ કામ આપણા શિક્ષકોનું ગણાવ્યું. શ્રી બુચદાદાની પુણ્યતિથિ સાથે આ સંસ્થાનો વાર્ષિકોત્સવ યોજવા અને કેટલીક વિકાસની વાત કરી.
     શ્રી ગૌરાંગભાઈ વોરાના કાર્યક્રમ સંચાલન સાથે પ્રારંભે અને સમાપને વિદ્યાર્થીઓના સંગીતવૃંદે સુંદર રીતે શાંતિપાઠ, સ્તુતુગાં વગેરે રજૂ કર્યા.  
     સંસ્થાના નિયામક શ્રી સુરસંગભાઇ ચૌહાણે સંસ્થાનો અહેવાલ, વિકાસની વાત સાથે થયેલી વિવિધ પ્રવૃત્તિની વિગતો આપી.
     કાર્યક્રમ આભાર વિધી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટે કરી હતી. સંસ્થાના ભૂતપૂર્વ વડા શ્રી લાલજીભાઈ નાકરાણી તથા શ્રી પ્રવીણભાઈ મહેતાની ઉપસ્થતિ રહી હતી. સંસ્થાના ઉપનિયામકો શ્રી રાજુભાઈ વાળા તથા શ્રી મહેંદીભાઈ અભવાણી સાથે કાર્યકરો વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.