મતદારોના અન્ય અધિકૃત દસ્તાવેજો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭

મતદારોના અન્ય અધિકૃત દસ્તાવેજો મતદાન માટે માન્ય રહેશે

ભાવનગર

     તા. ૦૯ ડિસેમ્બરે યોજાનારી ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણીમાં જિલ્લાના મતદારો ફોટો ઓળખકાર્ડની અવેજીમાં ચૂંટણી પંચે માન્ય કરેલા વૈકલ્પિક દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

     ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૭ માટે ભારતના ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે ભાવનગર જિલ્લામાં તા. ૦૯ના રોજ સવારના ૦૮થી સાંજના ૦૫ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. મતદાન માટે આવતા મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડ રજૂ કરવા નિર્દેશ કરેલ છે. પરંતુ જો કોઈ મતદાર તેને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) અથવા ચૂંટણી તંત્ર તરફથી મતદારોને આપવામા આવેલી અધિકૃત મતદાર ફોટો કાપલી (વોટર સ્લીપ) રજૂ ન કરી શકે અથવા તેમ દર્શાવવામાં આવેલ ફોટો મતદાર સાથે મળતો ના આવે તો વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ ભારતના ચૂંટણી પંચે માન્ય કરેલ છે.

    ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલ આ વૈકલ્પિક દસ્તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ, ઈન્કમટેક્ષ (પાન) ઓળખકાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવાપબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતા ફોટો સાથેના ઓળખકાર્ડ બેંકો અને પોસ્ટ ઓફીસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક,રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના હેઠળ આપવામાં ફોટા સાથેના જોબકાર્ડ,ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એન. પી. આર. ) સ્કીમ હેઠળ આર. જી. આઈ. દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, આધારકાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટકાર્ડ, તેમજ સંસદસભ્ય, વિધાનસભ્ય, વિધાન પરિષદના સભ્યો દ્વારા આપવામાં આવેલ અધિક્રુત ઓળખપત્રો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં તા. ૦૯ના રોજ યોજાનાર મતદાન સમયે મતદાન મથકે મતદાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (ઈપીઆઈસી) અધિક્રુત મતદાર ફોટો કાપલી (વોટર સ્લીપ) રજુ ના કરી શકે તો આ દસ્તાવેજી પુરાવાઓની આ વધારાની સવલત ચૂંટણી પંચે આપેલ છે. જે રજૂ કરી મતદાર મતદાન કરી શકશે.