રાત્રે ૮ થી ૧૦ કલાક દરમિયાન જ
નિર્ધારિત ક્ષેત્રમાં જ ફટાકડા ફોડી શકાશે
સર્વોચ્ચ અદાલતના આદેશ ભંગ સામે સ્થાનિક પોલીસ કેટલા કડક પગલાં લેશે કે લઈ શકશે ?
ભાવનગર
સર્વોચ્ચ અદાલતે ફટાકડા અંગે આપેલી તાકીદ અંગે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામા જેવી પ્રક્રિયા કેટલી અસરકારક રહેશે? તે ચારે બાજુ ફૂટી રહેલા અને ઉડી રહેલા ફટાકડા પરથી લાગી રહ્યું છે. જો કે જે તે જિલ્લા તંત્ર આ માટે કામે તો લાગ્યું જ છે, પરંતુ કેવી કામગીરી હાથ ધરાય તે જોવું રહ્યું રાત્રે ૮ થી ૧૦ કલાક દરમિયાન જ નિર્ધારિત ક્ષેત્રમાં જ ફટાકડા ફોડી શકાશે તે સર્વોચ્ચ અદાલતના આદેશ ભંગ સામે સ્થાનિક પોલીસ કેટલા કડક પગલાં લેશે કે લઈ શકશે?
ગૃહ વિભાગ દ્વારા આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈએ તો તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંદર્ભે ગાંધીનગર ગ્રુહ વિભાગના ઉપસચિવશ્રી, પંકજ દવે દ્વારા જણાવેલ છે કે નિયત સમય મર્યાદા દરમિયાન જ જાહેરમાં ફટાકડા ફોડી શકાશે તે બાબતને આવરી લેતાં સી. આર. પી. સી.-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ જાહેરનામા પોલીસ કમિશ્નર/ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ બહાર પાડવાના રહેશે, તેઓએ વધુમાં જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન અનુસારની બાબતો સામાન્ય પ્રજા સુધી પહોચે તે માટે રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રચાર અને પ્રસાર માધ્યમોથી બહોળી પ્રસિદ્ધિ આપવાની રહેશે જેમાં રેડીયો, ટીવી, ફિલ્મ, સિનેમાગ્રુહો, અને જાહેરાતોનો માહિતી વિભાગ દ્વારા પુરતો ઉપયોગ કરવામાં આવશે,સ્થાનિક કક્ષાએ સિનેમાગ્રુહો, લોકલ કેબલ ઓપરેટર દ્વારા આ પ્રકારની જાહેરાતો અચુકપણે દર્શાવવામાં આવે તે માટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓને ખાસ સુચના બહાર પાડવા આથી જણાવવામાં આવે છે. ફટાકડાથી થતાં પ્રદુષણ અંગે બાળકોમાં જાગ્રુતિ કેળવાય તે માટે સ્થાનિક કક્ષાએ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખાસ કાર્યક્રમો આયોજીત કરવાના રહેશે. હુકમનો મુળભુત હેતુ ફટાકડાથી પ્રદુષણ અને જાહેર આરોગ્યને થતી હાનિ રોકવાનો છે. આ બાબતને લક્ષમાં લઈ મહાનગરપાલિકાઓ/નગરપાલિકાઓ દ્વારા લોકોમાં જાગ્રુતિ કેળવાય તથા હુકમનો ખરા અર્થમાં અમલ થાય તે માટે કાર્યવાહી કરવાની રહેશે અને તે મુજબ હોર્ડિંગ, બીલબોર્ડ, ઈલેકટ્રોનિક/ડિજીટલ બોર્ડ વગેરે મારફતે પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. સુપ્રિમ કોર્ટ ના આદેશનું ચુસ્તપણે પાલન થાય તેની ખાસ કાળજી રાખવા આથી જણાવવામાં આવે છે.
ભાવનગર જિલ્લા સમાહર્તા કચેરી દ્વારા પણ આ બાબતે તાકીદ કરી છે, માહિતી ખાતા દ્વારા બહાર પડાયેલ સમાચાર યાદી જોઈએ તો અદાલત દ્વારા રીટ પીટીશન નં.૭૨૮/૨૦૧૫ના કામે તા.૨૩/૧૦/૨૦૧૮નાં રોજ તથા તા.૩૦/૧૦/૨૦૧૮ના રોજ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે અમદાવાદ શહેર વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવુ જરૂરી જણાય છે.
હર્ષદ પટેલ(આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધીનિયમ સને-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી), કલમ-૩૩(૧)(યુ) હેઠળ મળેલ સત્તાની રૂઇએ ભાવનગર જિલ્લાની હદ વિસ્તારમાં નીચે મુજબ ફરમાન કરેલ છે.
(૧) દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૨૦:૦૦ થી ૨૨:૦૦ કલાક એટલે કે રાત્રે ૮ થી ૧૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. આમ છતાં આ સમય સિવાય ફટાકડા ફૂટી રહ્યા છે. (૨) સીરીઝમાં જોડાયેલા ફટાકડા(ફટાકડાની લુમ)(Series Cracker or Larls) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ. આ મુદ્દા સામે પણ વેપારીઓ આવા ફટાકડા વેંચતા હોવાનું કહેવાય છે. (૩) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર “PESO ની સુચના પ્રમાણેનું” માર્કિગ હોવુ જરૂરી છે. આ અંગે આવી તપાસ થાય છે કે કેમ અથવા વેપારીને ખોટી કનડગત થતી નથીને તે પણ જોવે રહ્યું. (૪) હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહિ. આ તાકીદ નિયમ કાયમ માટે રહેલો હોવા છતાં પાલન થતું હોવાનું જાણમાં નથી. (૫) કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ. આ બાબતમાં ભાવનગર વિસ્તારમાં અલંગ જહાજવાડામાંથી અગાવ ખાસ પ્રકારના દરિયાઈ સૂચક ફટાકડા ઉપયોગ થતો હતો, જે પણ જોવું રહ્યું. (૬) ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લીપકાર્ટ એમેઝોન સહીતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહી. ઓનલાઇન વેચાણ કરી શકાશે નહી. (૭) લોકોને અગવડ ઉભી ન થાય કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાવનગર શહેરના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇમથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. આ મુદ્દો સારો છે, પરંતુ ફટાકડાનો ઉપયોગ ગલી અને શેરીઓમાં જ થતો હોય છે, જ્યાં નજીકમાં દુકાનો પણ હોય શકે છે. (૮) કોઇપણ પ્રકારના યલેન્ટર્ન(ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.
આ જાહેરનામાનો અમલ તા.૦૫/૧૧/૨૦૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ સુધી રહેશે. આ હુકમ અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ તથા જી.પી. એકટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના આદેશ ભંગ સામેતે જિલ્લા તંત્ર આ માટે કામે તો લાગ્યું જ છે, પરંતુ કેવી કામગીરી હાથ ધરાય તે જોવું રહ્યું સ્થાનિક પોલીસ કેટલા કડક પગલાં લેશે કે લઈ શકશે?