બાપા સીતારામ...
બગદાણા બજરંગદાસબાપાના ધામમાં
ધામધૂમથી ઉજવાશે ગુરુપૂર્ણિમા ઉત્સવ
કુંઢેલી
ગુરૂઆશ્રમ બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે મંગળવારે ધામધૂમ અને આસ્થા સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
બાપા સીતારામ... આહલેક સાથે ગુરુભક્તો અને સેવકો બગદાણા ગુરૂઆશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની રાહ જોતા હોય છે. અહીં હજારો ભાવિકોની મેદની સાથે આગામી મંગળવાર ગુરુપૂર્ણિમા પર્વ મનાવશે.
બજરંગદાસબાપાના ધામમાં આ દિવસે વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી થશે. સવારે 7-30 થી 8-30 કલાકે ધ્વજ પૂજન અને ધ્વજારોહણ થશે. સવારે 9થી 10 કલાક દરમિયાન ગુરુ પૂજન બાદ 10 કલાકથી પ્રસાદ શરુ થશે, જે શરુ જ રહેશે.
ગોહિલવાડમાં આવેલા આ સુપ્રસિદ્ધ ગુરુ આશ્રમમાં આ પંથક સિવાય બહારથી પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવતા હોઈ આયોજન માટે બેઠકો યોજાઈ રહી છે. વિગતો મુજબ અહીં રસોડા તેમજ અન્ય કામકાજ માટે આજુબાજુના સાડા ચારસોથી વધુ ગામોના લગભગ બાર હજાર જેટલા સ્વયંસેવક ભાઈઓ અને અઢીસોથી વધુ ગામોની દસ હજાર જેટલી સ્વયંસેવક બહેનોની સેવા રહેલી છે.
યાત્રિક ભાવિકોના પ્રસાદ માટે ચોવીસ કલાક રસોડા વિભાગ ચાલુ થઈ ગયેલ છે. ગુરુપૂનમ પર્વે એક સાથે પંગતમાં બેસાડીને શુદ્ધ ઘીના લાડુ, મોહનથાળ, રોટલી, ગાંઠિયા, શાક, દાળ અને ભાત પ્રસાદ પીરસવામાં આવશે.
હજારો ભાવિકો ઉમટતા હોઈ વહીવટી તંત્ર પોલીસે વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે.
આ વર્ષે ચંદ્રગ્રહણ હોઈ મંગળવાર ગુરુપૂર્ણિમા દિવસે સાંજે 5 કલાકથી બીજા દિવસ બુધવાર વહેલી સવાર 4 કલાક સુધી દર્શન બંધ રહેશે. આ દરમિયાન પ્રસાદ, ચા વગેરે ચાલુ રહેશે તેમ ગુરુ આશ્રમ બગદાણા દ્વારા નોંધ લેવા જણાવાયું છે.
તસવીર - હરેશ જોષી