સરહદ પર દુશ્મનોના દાંત ખાતા કરવાના જોમ સાથે નીકળેલા જવાનનું અકસ્માતે મરણ
રાષ્ટ્રીય સન્માન સાથે કાનપરના જવાનના અંતિમ સંસ્કાર
કાનપર
સરહદ પર દુશ્મનોના દાંત ખાતા કરવાના જોમ સાથે નીકળેલા ગોહિલવાડના કાનપરના જવાનનું અકસ્માતે મરણ નિપજતા આજે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. રાષ્ટ્રની ફરજ બજાવતા પ્રાણ ન્યોચ્છાવર કરનાર દિલીપસિંહ ડોડિયાની અંતિમ યાત્રામાં સેના અને સ્થાનિક તંત્રના અધિકારીઓ, રાજકીય - સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ગોહિલવાડના વલભીપુર પાસેના કાનપર ગામના 29 વર્ષીય જવાન દિલીપસિંહ વિરસંગભાઇ ડોડીયા સરહદ પર દુશ્મનોના દાંત ખાતા કરવાના જોમ સાથે સેનામાં જોડાયેલ. કાશ્મીર ખાતે ભારત-પાકિસ્તાન કંટ્રોલ લાઇન પર લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા. અખનૂર સેક્ટરમાં બે દિવસ પહેલા તેમનું અકસ્માતે અવસાન થયું હતું. દિલીપસિંહ ડોડિયાનો પાર્થિવદેહ માદરેવતન કાનપર પહોંચતા પરિવાર અને ગ્રામજનોમાં ઘેરો આક્રંદ છવાયો હતો. રાષ્ટ્રની ફરજ બજાવતા પ્રાણ ન્યોચ્છાવર કરનાર દિલીપસિંહ ડોડિયાની અંતિમ યાત્રામાં સેનાએ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ, રાજકીય - સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
કાનપર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે આજે શુક્રવારે વહેલી સવારે શહીદ દિલીપસિંહની અંતિમયાત્રા નીકળી હતી જયાં રાષ્ટ્રીય સન્માન સાથે આર્મીએ શહીદને સલામી આપી હતી. અંતિમયાત્રામાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના રાજકીય-સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શહિદ દિલીપસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ અંતિમયાત્રામાં ગામ સમસ્ત સહિતના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. નાના એવા કાનપર ગામમાં જવાન શહીદ થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું અને ગામના તથા આજુબાજુના વિસ્તારના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં દિલીપસિંહને અંતિમ વિદાય આપવા જોડાયા હતા. ‘ભારત માતાકી જય’ અને ‘દિલીપસિંહ અમર રહો’ના નારાથી કાનપર ગામ ગુંજી ઉઠયું હતું. વહેલી સવારે અંતિમયાત્રામાં રાષ્ટ્રીય સન્માન ગાર્ડ ઓફ ઓનર સાથે દિલીપસિંહને આર્મી જવાનોએ સલામી આપી અંતિમ વિદાય આપી હતી.
આજે દિલીપસિંહની અંતિમયાત્રામાં પૂર્વ મંત્રી શ્રી આત્મારામ પરમાર, શ્રી જસાભાઇ બારડ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગરના મેયરશ્રી મનહરભાઈ મોરી, ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મારૂ, ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, ભારતીય સેનાના બ્રિગેડિયરશ્રી બિસ્ત, મેજરશ્રી વિનયપાલસિંઘ, ભાવનગર અધિક નિવાસી કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસ, ઇન્ચાર્જ નાયબ કલેકટરશ્રી નીનામા તેમજ વલભીપુર મામલતદારશ્રી સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી