તલાટીઓ ફરજ પર જતા નથી

ભાવનગર જિલ્લાના ઘણા ગામોમાં 

નવા તલાટીઓ ફરજ પર જતા જ નથી

ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદ દ્વારા પગલા ભરવા માંગ

ઇશ્વરિયા શુક્રવાર તા.૦૩-૧૧-૨૦૧૭

    તલાટી સહ મંત્રી કર્મચારીઓમાં હવે રાહત થઇ છે,બંને ફરજ માટે નિમણુંક અલગ થઇ છે પરંતુ ભાવનગર જિલ્લાના ઘણા ગામોમાં નવા તલાટીઓ ફરજ પર જતા જ નથી.,ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદ દ્વારા પગલા ભરવા માંગ થઇ છે.

    સરકાર ગ્રામવિકાસ માટે એક પછી એક સારા પગલા લઇ રહેલ છે.ગામડાના વિકાસ તથા મહેસુલી કામકાજમાં ઝડપી કાર્યવાહી થાય તે માટે લગભગ તમામ ગ્રામપંચાયતોમાં છેલ્લા એક વર્ષમાં તલાટીઓની નિમણુંક થવા પામી છે,પરંતુ ઘણા ગામડાઓમાં આ કર્મચારીઓ હાજર થયા નથી અથવા જતા નથી, તો કેટલાક ચૂંટણીના બહાના કાઢે છે.

     ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદના સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતે જણાવ્યા મુજબ તલાટી સહ મંત્રી કર્મચારીઓમાં હવે રાહત થઇ છે, બંને ફરજ માટે નિમણુંકો અલગ થઇ છે.સરકારના વિકાસકામો માટે મંત્રીની અને મહેસુલીકામો માટે તલાટીની ફરજ જવાબદારી રહેલી છે.પરંતુ ભાવનગર જિલ્લાના ઘણા ગામોમાં નવા તલાટીઓ ફરજ પર જતા જ નથી અથવા તો જે તે મામલતદાર કચેરીમાં જઈને અધિકારીઓ પાસે હાજરી પુરાવી લેતા હોવાનું જણાયું છે.

     કેટલાક તલાટી કર્મચારીઓ રાજકીય ઓથ સાથે અંદરના ગામોમાં નિયમિત ન જવા યેનકેન પ્રકારનું  દબાણ લાવતા રહ્યા છે, જેથી મંત્રીઓને આ તલાટીનું કામ પરાણે  કરવું પડી રહ્યું છે, જે સામે ઉપરી તંત્ર દ્વારા પગલા ભરવા પરિષદ દ્વારા માંગ થઇ છે.