મહુવા ખાતે સરકારી તંત્રની સંવેદના

મહુવા ખાતે સરકારી તંત્રની સંવેદના
 
વાવાઝોડાની અસરના પગલે ભાવનગર જિલ્લાની
 
સગર્ભાઓને આરોગ્ય કેન્દ્ર ખસેડાઈ, 4 સફળ પ્રસૂતિ 
 

ભાવનગર, તા.13-06-2019

     સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાળ વિસ્તાર વાયુ વાવાઝોડાની ગંભીર અસર હેઠળ હોવાની સંભાવનાઓથી વ્યથિત છે, ત્યારે રાજ્ય સરકાર અને સમગ્ર સરકારી તંત્ર રાજ્યમાં વસતા છેક છેવાડાના નાગરિકની સલામતી માટે સજ્જ અને પૂરતી સંવેદનાઓ ધરાવતું હોવાનું તાદૃશ ઉદાહરણ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે જોવા મળ્યું હતું. ભાવનગરમાં વાવાઝોડાની સૌથી વધુ અસરની સંભાવનાઓ છે, તેવા મહુવા તાલુકાની 29 જેટલી સગર્ભાઓને સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક જાહેર આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી. જેમાંથી ચાર મહિલાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
 
     બુધવારે મોડી રાત્રે રાજ્યનાં મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ આ તમામ સગર્ભાઓની મુલાકાત લઈ, પ્રસૂતાઓના ખબર અંતર પૂછ્યા હતા અને આરોગ્ય તંત્રને તેમની કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી, તમામ મહિલાઓની સુશ્રૂષાની પૂરતી કાળજી લેવા માટે ભલામણો કરી હતી.
 
     મુશ્કેલીઓમાં જ માનવતા વધુ સારી રીતે મૂલવાતી હોય છે અને સમસ્યાઓમાં જ સંવેદનાઓની સુવાસ વધુ પ્રગાઢ રીતે અનુભવી શકાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાની સંભવિત ગંભીર પરિસ્થિતિઓના પગલે સમગ્ર રાજ્યનું સરકારી તંત્ર અને આકસ્મિક બચાવ ટુકડીઓ સજ્જ છે, ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસરની સંભાવનાઓના પગલે સમગ્ર જિલ્લાતંત્ર મહુવામાં ઊતરી આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સંભવિત્ અસરગ્રસ્ત 42 જેટલાં ગામના 28 હજારથી વધુ નાગરિકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
 
     આ દરમિયાન મહુવા તાલુકાના અલગ અલગ ગામોમાં કુલ 29 જેટલી સગર્ભાઓ પૂરા દિવસે હોવાનું ધ્યાને આવતાં, તેમના આરોગ્ય અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ, તેમને પ્રસૂતિમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય, તે માટે તમામ મહિલાઓને જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાનાંતરિત કરવામાં આવી હતી. જેમાં ખરેડની 10, વાઘનગરની 3, નીચાકોટડા, દયાળ, કતપર, ડોળીયા, દુધેરીની બબ્બે તેમજ નૈપ, કળસાર, ગુજરડા, વાંગર અને બંદર- એ તમામ ગામની એક-એક એમ કુલ 29 મહિલાઓને આશાવર્કર બહેનોની મદદથી એમ્બ્યુલન્સ અથવા અન્ય વાહનોમાં તંત્ર દ્વારા મહુવા એસડીએચ ખાતે ખસેડવામાં આવી હતી.
 
     કતપરનાં મધુબેન હરેશભાઈ શ્યાળે 2.3 કિલોની બાળકીને જન્મ આપ્યો હતો, જ્યારે ડોળીયાનાં લીલાબેન પ્રવીણભાઈ જોળીયાની કૂખે 3 કિલોગ્રામની બાળકી જન્મી હતી. આ જ રીતે ખરેડના શોભાબેન હરિભાઈ ચુડાસમાને રાજુલા ખાતે ખસેડાયાં હતાં, જ્યાં ખાનગી હોસ્પિટલમાં તેમણે 2 કિલોની બાળકીને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત, વાંગરનાં લાભુબેન ભગવાનભાઈ મકવાણાએ 3.980 કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો.
 
     મંત્રીશ્રી વિભાવરીબેને પ્રસૂતાઓને મળી તેમના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછતા તમામ સગર્ભાઓ અને પ્રસૂતાઓએ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
 
     રાજ્યમંત્રીશ્રીની સાથે જિલ્લાના પ્રભારી સચિવશ્રી અંજુ શર્મા, કલેક્ટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાવિયાડ, શ્રી પઠાણ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ જોડાયા હતા.
 
અહેવાલ - અમિત રાડિયા  
તસવીરો- હિરેન ત્રિવેદી
 
જિલ્લા માહિતી કચેરી, ભાવનગર