વિજ્ઞાનને સત્ય સિવાય કશું ખપતું નથી
- ખગોળ વૈજ્ઞાનિક શ્રી રાવલ
લોકભારતી સણોસરા ખાતે વાર્ષિકોત્સવ વ્યાખ્યાન
ઈશ્વરિયા
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક શ્રી જિતેન્દ્ર રાવલે કહ્યે કે, ' વિજ્ઞાનને સત્ય સિવાય કશું ખપતું નથી, જે વિસ્તરતું પણ હોય છે.'
શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાલાના સત્તાવનમાં મણકાના બે વ્યાખ્યાન આજે બુધવારે પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક શ્રી જિતેન્દ્ર રાવલ (જે.જે.રાવલ) દ્વારા 'સત્ય એજ પરમેશ્વર અને વિજ્ઞાન યુગ' વિષય પર આપવામાં આવ્યા. શ્રી રાવલે તળપદા પ્રસંગો, ઉદાહરણો સાથે કહ્યું કે ધર્મગ્રંથો પોતાના સિવાયના સત્યનો સ્વીકાર કરતા નથી, જયારે વિજ્ઞાનને સત્ય સિવાય કશું ખપતુનથી અને તે તેનું પરિક્ષણ કરે છે તથા જે વિસ્તરતુ પણ હોય છે. સત્ય અને ઈશ્વર પ્રત્યેક માર્ગથી મળે છે, જો તે પામવું હોય તો! અલગ ક્ષેત્રના અલગ સત્યો હોય છે, કોઈ પણ ક્ષેત્ર ભાષા, તત્વ વગેરે તેના સત્યને શોધતા રહે છે. વૈજ્ઞાનિકનું સત્ય પરિવર્તનશીલ હોય છે. છતાં સત્ય જ રહે છે. પૂર્ણ સત્ય પામવું અઘરું રહેલું છે.
અહીં બપોર પછીના ભાગના વ્યાખ્યાનમાં શ્રી જિતેન્દ્ર રાવલે કહ્યું કે સત્ય સાથ ઘણું સમજવું જરૂરી છે. તેમણે ચિત્રપટ દર્શન સાથે પૃથ્વી, બ્રહ્માંડ, નિહારિકા વગેરે વિરાટ દર્શન સમજ આપી. તેમણે કહ્યું કે કોઈ એવી જગ્યા નથી જ્યાં ચુંબકીય તત્વ ના હોય, એ જ નાચ્યાં કરે છે અને સંગીત આપે છે. તેમણે છેવટે કહ્યું કે વિજ્ઞાનને વિવેક, જ્ઞાન સાથે અધ્યાત્મની જરૂર છે. વિજ્ઞાન વિનાશ નથી કરતું, માનવીની વિકૃત બુદ્ધિથી નાશ થાય છે.
વાર્ષિકોત્સવ પ્રસંગે પ્રારંભે સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર પરિચય ઉદ્બોધન દરમિયાન સત્ય હમેશા સત્ય જ રહેવાનું તે ક્યારેય ઝાંખું પડવાનું નથી તેમ કહી સંસ્થાની કેટલીક વિકટ સ્થિતિમાં પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કાર્યકરોના સહયોગને બિરદાવ્યો અને નવી શિક્ષણ પ્રણાલીમાં આગળ વધવા અંગે જણાવ્યું.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આજે વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારીએ વર્ષ દરમિયાનની સંસ્થાની સુંદર પ્રવૃત્તિઓ અંગે અહેવાલ આપેલ.
આ પ્રસંગે શ્રી કાંતિભાઈ ગોઠીએ સંદેશ વચન કર્યું હતું. સંચાલનમાં શ્રી નીતિનભાઈ ભિંગરાડિયા તથા શ્રી વિશાલભાઈ જોશી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી ભાવનાબેન પાઠક તથા શ્રી મહેશભાઈ પરમાર સાથે સંગીતવૃંદે પ્રારંભ શાંતિપાઠ તેમજ અન્ય ગીત, સાયં પ્રાર્થના રજૂ કરેલ.
શ્રી જિતેન્દ્ર રાવલનું ચાદર વડે સંસ્થાના અગ્રણી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, શ્રી રામચંદ્રભાઈ પંચોલી તથા હસમુખભાઈ પટેલ દ્વારા અભિવાદન કરાયું હતું.
રાત્રે શ્રી પૂજાબેન પુરોહિતના સંચાલન સાથે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જે સૌએ માણ્યો હતો.