મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારના હસ્તે
ગઢડા તાલુકાના જલાલપર ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ
બોટાદ:
ગઢડા તાલુકાના જલાલપર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઈ પરમારના હસ્તે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ તેમજ તક્તીઅનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોની વીજળીને લગતી રજુઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી હતી જે ગયા વર્ષમાં આ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આ નવા વર્ષમાં નવું નઝરાણું તરીકે આપણને ભેટ મળી છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રૂપિયા ૪.૫૬ કરોડના ખર્ચે જ્યારે આ સબ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે ત્યારે આજુબાજુના તમામ ગામોના ગ્રાહકોને તેમજ ખેતીવાડી ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પૂરતા વીજ દબાણથી મળી રહેશે. તેમને વધુમાં પાલક માતા પિતા યોજના, વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર, દિવ્યાંગો, વિધવા બહેનો માટેની યોજનાનો ઉલ્લેખ કરી લાભ લેવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલના અધિક્ષક ઈજનેરશ્રી એ. જે. પટેલે ૬૬ કે.વી. સબ સ્ટેશનની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સબ સ્ટેશન નિર્માણ થતા ઢસા ગામ, માંડવા, ઢસા જંકશન, જલાલપર, નાના ઉમરડા, મોટા ઉમરડા, જાળીયા, લીમડા, વિકળીયા અને ધરવાળા વિગેરે ગામોને પુરતા પ્રમાણમાં તેમજ સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહેશે.
આ કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચ અગ્રણીઓ તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી પટેલ, પીજીવીસીએલના અધિકારી – કર્મચારી ઊપસ્થિત રહ્યાં હતા.