ભાવનગર પંથકને આશાવાદ

ભાવનગર પંથકને પૂરતી રેલ સેવા માટે હવે આશાવાદ

પશ્વિમ રેલવેના મુખ્ય પ્રબંધક શ્રી અગ્રવાલની નિરીક્ષણ મૂલાકાત

ભાવનગર મંગળવાર તા.૨૦/૧૨/૨૦૧૬

ભાવનગર પંથક ને પૂરતી રેલ સેવા માટે હવે આશાવાદ રહ્યો છે, તેવું પશ્વિમ રેલવેના મુખ્ય પ્રબંધક શ્રી અગ્રવાલની નિરીક્ષણ મૂલાકાત પરથી લાગી રહ્યું છે.

દરેક ચૂંટણી વખતે ભાવનગર જિલ્લા માં રેલ સુવિધા અને પ્રશ્નોને મુદ્દો બનાવવામાં આવે છે અને રાજકારણીઓ પોતાનો  ‘ખેલ’ હાંક્યે  રાખે છે,સૌ તાળીઓ પડે છે,'ખાધું પીધું અને રાજ કર્યું' એવું થતું હોય છે,થતું રહ્યું છે!...આમ છતાં ભાવનગર પંથકને પૂરતી રેલ સેવા માટે આશાવાદ રહ્યો છે અને રેલ તંત્ર તરફથી રેલ સુવિધાઓ માટે ના ચક્રો વધુ ગતિમાન થઇ રહ્યા છે!

પશ્વિમ રેલવે ના મુખ્ય પ્રબંધક શ્રી અગ્રવાલ સોમવાર તથા મંગળવાર દરમિયાન ભાવનગર રેલ મંડળ અંતર્ગત નિરીક્ષણ મુલાકાત માટે આવ્યા અને લીલીયા હોય કે  ધોળા,વચ્ચે રેલ મથક પરની આહાર વ્યવસ્થા કે  આંતરિક હિસાબો, સણોસરા પાસે રંઘોળી નદી પરના નાળાના બાંધકામની કામગીરી તેમજ સિહોર ના ઘાંઘળી માર્ગ પર ફાટક અને માર્ગ ની વિગતો...વગેરેમાં ઉચ્ચ -અધિકારીપદનો ભાર મૂકી જવાબદાર અધિકારી તરીકે ઝીણવટ સાથે જાણ્યું...માત્ર જાણ્યું કે  વિગતો મેળવવા જ  નહિ સાથે રહેલા અધિકારીઓને ‘લાલ આંખ' પણ કરી બતાવી...જેથી આ નિરીક્ષણ માત્ર રાબેતા મુજબ નહિ પરંતુ ખરા અર્થમાં રહ્યું!

 વાત ભાવનગર પંથક ના રેલમાર્ગ અને રેલ સુવિધા બાબતની લઈએ...તો ભાવનગર ખાતે મંગળવારે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રબંધક શ્રી અગ્રવાલે પેટછુંટી વાતો કરી.સમાચાર પ્રતિનિધીઓએ દર વખતની માફક રેલસુવિધામાં રેલ તંત્ર તરફથી થતા અન્યાયો અને વિવિધ પ્રશ્નોનો સ્વાભાવિક મારો ચલાવ્યો.

   આ પરિષદમાં શ્રી અગ્રવાલે ભાવનગરથી હરિદ્વાર રેલગાડી સંદર્ભે શરુ થયેલી પ્રક્રિયાની વિગતો આપી કે ,અમદાવાદથી હરિદ્વાર દૈનિક રેલગાડી સાથે ભાવનગરથી અમદાવાદ ની ગાડીને જોડવાથી ભાવનગરને દૈનિક રેલસેવાથી હરિદ્વાર સાથે સાંકળવા પશ્વિમ રેલતંત્ર દ્વારા પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. બોટાદથી અમદાવાદ રેલમાર્ગ રૂપાંતરણ કામગીરી માં નાળા વગેરેના કામોમાં ત્રીજા ભાગનું એટલે કે ૩૫ ટકા જેટલું કામ પૂરું થવામાં છે. આ ૧૦૪ કી.મી.રેલ માર્ગ સંભવત ૧ ઓક્ટોમ્બર ૨૦૧૭ થી રોકી દેવામાં આવશે અને ઝડપી માર્ગ રૂપાંતરણ કામ હાથ ધરાશે.

     ભાવનગર રેલ મંડળના આ નિરીક્ષણ મુલાકાત સાથે પત્રકારોએ સમાજમાંથી રેલતંત્ર પર થતા કૌભાંડોના આક્ષેપોનો પણ ઉલ્લેખ કર્યો હતો,તેમજ આવી મુલાકાત સમયે થતા રંગરોગાન મરામત ખર્ચાઓની વિગતો માંગી હતી.

     આ પત્રકાર પરિષદમાં ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા. તેઓના દ્વારા સંસદમાં અને રેલ મંત્રાલયમાં ભાવનગર સાથે સંકળાયેલ રેલ સેવા સુવિધાની રજૂઆતોનો ઉલ્લેખ થયો હતો તથા તે પરિણામલક્ષી બનશે તેમ જણાવાયુ હતું.

   ભાવનગર રેલ  મંડળ પ્રબંધક શ્રી જ્યોતિપ્રકાશ પાંડેએ રેલ મંડળ દ્વારા થતી દરખાસ્ત માંગ સંબંધી પૂરક વિગતો પર પ્રકાશ પડ્યો હતો. 

     આ બેઠક માં બોટાદ અમદાવાદ રેલમાર્ગ અન્ય ઝડપી કામ થયા મુજબ ઝડપથી કરવા માંગ થઇ હતી. ભાવનગર થી હરિદ્વાર રેલગાડીમાં ઉત્તર રેલ વિભાગ તરફથી કોઈ કારણોસર મંજુરી ન  સ્વીકારતા વિલંબ થઇ રહ્યાનો ખુલાસો થયો હતો.ફરીયાદપોથીમાં ઉતારું દ્વારા લખાતી  ફરિયાદ સલાહ પછી સામાન્ય પ્રત્યુત્તર પાઠવી દેવામાં આવે છે,પરંતુ સમસ્યાના નિરાકરણ કે  ભરાયેલા પગલા વિશે  કોઈ ખ્યાલ અપાતો નથી તેમ પણ પ્રશ્ન થયો.

      રેલતંત્ર ના આ ઉચ્ચ અધિકારીઓએ પોતાના અધિકૃત સમય પ્રમાણે સાથે રહેવાના બદલે એક એક વિગતો ઝીણવટ  રીતે જાણી  તેમજ રેલ તંત્ર સિવાયના અરજદારો સાથે લંબાણપૂર્વક વાતચિત કરી હતી અને માત્ર આશ્વાસન નહી પરંતુ ઉકેલ માટે આગ્રહી બન્યા હતા.જો કે આથી નિર્ધારિત કાર્યક્રમો પણ વિલંબથી થવા પામ્યા હતા.

ભાવનગર રેલ મંડળ અંતર્ગત ઉતારુઓ માટે રેલ સુવિધામાં સુધારો થવા માટે આથી હવે આશાવાદ રહ્યો છે એવું આ અધિકારીશ્રીની મૂલાકાત પરથી લાગી રહ્યું છે...જો હવે આપણા રાજકીય પ્રતિનિધિઓ પણ વધુ જાગૃત જ  બની રહે તો !