અમરેલી ખાતે પતંગ મહોત્સવ

      આગામી તા. ૧૩ મી જાન્યુઆરી-ર૦૧૭ રોજ

      અમરેલી ખાતે પહેલીવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

      આયોજન અંગે મળેલી બેઠક

અમરેલી તા. ૧૭

આગામી તા. ૧૩-૧-ર૦૧૭ના રોજ અમરેલીના ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આગવા આયોજન અંગે એક બેઠક મળી હતી.

આ બેઠકમાં અમરેલી ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પહેલીવાર યોજાઇ રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય પતંગબાજો અવનવી પતંગો ચગાવી અમરેલીના આકાશને ભરી દેશે.આ કાર્યક્રમને ઉજાગર કરવા જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણાની સીધી દેખરેખ હેઠળ સુચારૂ આયોજન ઘડી કાઢવા સબંધિત અધિકારીઓને પ્રાંત અધિકારીશ્રી પરીખે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

અમરેલી ફોરવર્ડ ગ્રાઉન્ડમાં યોજનાર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં અમરેલી જિલ્લાના પતંગ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.

અમરેલી નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રી રાડીયાએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના આગવા આયોજન બાબતે અમરેલી શહેરમાં મોટા હોર્ડિંગો લગાડાવી ફોરવર્ડ ગ્રાઉન્ડને પતંગોત્સવ માટે તૈયાર કરવામાં આવશે.

જિલ્લાશિક્ષણ અધિકારીશ્રી પટેલે જણાવ્યું હતું કે, આ તકે પતંગવીરોને આવકારવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી ટ્રેડીશનલ ડ્રેસમાં કલાકારો નૃત્ય રજુ કરશે.જયારે પોલીસ વિભાગ દ્વારા પાર્કિંગ વ્યવસથા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવશે.

કાર્યપાલક ઇજનેર કચેરીના શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, અમરેલીના ફોરવર્ડસ્કૂલના ગ્રાઉન્ડમાં લીલી ઝાઝમ બીછાવી પતંગ રસિકોને પતંગ ચગાવવામાં પ્રોત્સાહન પુરૂ પાડવા ચા-પાણી નાસ્તો-જમવાની વ્યવસ્થા તેમના દ્વારા જાળવશે.

જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી કરી પ્રિન્ટ મીડિયા તથા ઇલેકટ્રોનિક મીડિયા દ્વારા પતંગ રસિકોને માહિતી પુરી પાડવામાં આવશે.

જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા હોર્ડીંગ-બેનર બનાવવાની કામગીરી કરી લોકોને માહિતીગાર કરવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વસાવા,નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ,જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પટેલ વિગેરે અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.