જીવથી શિવ, આત્માથી પરમાત્મા, વ્યકિતથી સમષ્ટિની સુખાકારી અને કલ્યાણ માટે સરકારે નિર્ણય કર્યા છે.
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
પાલીતાણાના સુપ્રસિદ્ધ તળેટીનાં જૈન મંદિર અને
કાળ ભૈરવ મંદિર ખાતે પૂજા-અર્ચન કરતા મુખ્યમંત્રીશ્રી
ભાવનગર.શનિવાર.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ પાલીતાણા તળેટીનાં જૈન મંદિર અને કાળ ભૈરવ મંદિર ખાતે કાળી ચૌદસના તહેવાર અવસરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી પૂજા-અર્ચન કર્યા હતા. તેમની સાથે તેમના ધર્મપત્નીશ્રી અંજલીબેન પણ પૂજા-અર્ચનમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જૈન સાધુઓના વિહાર માટે વલભીપુરથી સોનગઢ સુધીની પગદંડી બનાવવા માટેની જાહેરાત કરી હતી. તેમણે સોનગઢથી પાલીતાણા વચ્ચે ચારમાર્ગીય રસ્તા અને જૈન સાધુ-સાધકોને અકસ્માત ન નડે અને તેઓની સગવડ માટે વિહારની વ્યવસ્થા પણ ટૂંકમાં કરવામાં આવશે તેની હર્ષભેર જાહેરાત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, જીવથી શિવ, આત્માથી પરમાત્મા, વ્યકિતથી સમષ્ટિની સુખાકારી અને કલ્યાણ માટે મારી સરકારે ૭૫ દિવસમાં ૧૦૦ પ્રજા હિતકારી નિર્ણય કર્યા છે. ગુજરાત અનેક તિર્થંકરોની નિર્વાણભૂમિ રહ્યું છે ત્યારે પાલીતાણા જેવી પવિત્ર નગરીમાં ૨૪ કલાક પાણી, સ્વચ્છતા અને શૌચાલયની વ્યવસ્થા ગોઠવાય તે દિશામાં રાજય સરકાર કાર્યરત છે. ભગવાન આદિશ્વરના અહિંસાના સિધ્ધાંતો ચરિતાર્થ થાય, ગુજરાત અહિંસાનું કેન્દ્ર બને તે માટે ભગવવાના ચરણોમાં મે પ્રાર્થના કરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી નહોતા તે અગાઉથી પ્રતિ વર્ષ ઇશ્વર પ્રત્યેની આસ્થા તથા સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવી શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજા-અર્ચન કરે છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વંદે માતરમ આધારિત અહીં આયોજિત યજ્ઞમાં મા ભોમની રક્ષા કરતા જવાનો માટે આહૂતિ આપી રાત-દિવસ આપણા સૌની સરહદે રક્ષા કરતા જવાનોને શકિત અને બળ આપે તેવી આપણે સૌ આ અવસરે પ્રાર્થના કરીએ તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રય રાજય વાહન વ્યવહાર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, સંસદીય સચિવશ્રીમતિ વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણી, શ્રી શિવાભાઇ ગોહિલ, ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રીમતિ નીમુબેન બાંભણીયા, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી જીતુભાઇ વાઘાણી, જિલ્લા કલેકટરશ્રી હર્ષદભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક, રેન્જ આઇજીશ્રી અમીત વિશ્વકર્મા, જિલ્લા પોલીસ વડાશ્રી દીપાંકર ત્રિવેદી, જિલ્લાના અગ્રણી સાધુ-સંતો-મહંતો તથા જૈન સમુદાયના આચાર્ય ભગવંતો તથા લોકો હાજર રહ્યા છે.