મહાપુરુષ પાસે બેસવાથી ધૈર્ય, શોર્ય, પરાક્રમ,દૈવીતત્વ, સંવેદના અને ત્યાગ પ્રાપ્ત થાય છે. - શ્રી મોરારિબાપુ

ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે નાગરિક સન્માન સમારોહ

ભાવનગર શનિવાર
     ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે યોજાયેલ શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહમાં શ્રી મોરારિબાપુ એ કહ્યું કે, મહાપુરુષ પાસે બેસવાથી ધૈર્ય, શોર્ય, પરાક્રમ, દૈવી તત્વ, સંવેદના અને ત્યાગ પ્રાપ્ત થાય છે.
     બાળકેળવણી સાથે માનવ ઘડતર માટે કાર્યરત શિશુવિહાર સંસ્થા- ભાવનગરમાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન સમારોહ યોજાઈ ગયો અહીં સમાજના વિવિધ માનવતાના મૂલ્યોના કામ કરનાર વ્યક્તિઓને સન્માનિત કરાયા છે.
     શિશુવિહાર ખાતે યોજાયેલ આ સમારોહમાં શ્રી મોરારિબાપુએ આ સંસ્થાના પૂર્વસૂરિઓ શ્રી માનભાઈ ભટ્ટ, શ્રી પ્રેમશંકર ભટ્ટ સાથે ગાંધીજી અને વિનોબાજીના માનવ સેવાના કાર્યોનો વિનમ્ર ઉલ્લેખ કરી રામાયણ અને ભારતીય શાસ્ત્રોનો વૈશ્વિકભાવના વિચાર રજુ કર્યો. વેદ વ્યાસજીના છ સૂત્રો અંગે સમાજ સાથે શ્રીમોરારિબાપુએ કહ્યું કે મહાપુરુષ પાસે બેસવાથી ધૈર્ય, શોર્ય, પરાક્રમ, દૈવી તત્વ, સંવેદના અને ત્યાગ એમ છ ગુણો પ્રાપ્ત થાય છે. આ ગુણોના તત્વો અહીં સન્માનિત છ પ્રતિભાઓમાં સરળતાથી કોઈ પ્રચાર વગર રહેલા છે. તેઓએ માનભાઈ ભટ્ટના સ્મરણ સાથે હળવો વ્યંગ પણ કર્યો કે સાધના માટે કોઈ ખાસ ગણવેશવાળો જરૂરી નથી અહીં તો ચડ્ડીવાળો ( માનભાઈ ભટ્ટ ) માનવતાની સાધના કરી ગયો છે.

     કાર્યક્રમના પ્રારંભે શ્રી મોરારિબાપુના હસ્તે દીપપ્રાગટ્ય સાથે શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટને વંદના - શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી..

     સંસ્થામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી મૂનિ આશ્રમ ગોરાજના શ્રી વિક્રમભાઈ પટેલ, સંશોધક સમાજ શાસ્ત્રી શ્રી વિદ્યુતભાઈ જોશી, સંસ્કૃતિના જ્ઞાતા પ્રસારક શ્રી ઇન્દુમતીબહેન કાટદરે ( વતી શ્રી વંદનાબેન ભટ્ટ ), સ્વરાજ આશ્રમ બારડોલીના શ્રી નિરંજનાબહેન કલાર્થી, સમાજ સુધારક શ્રી જૈનુદ્દીનભાઈ વલી તથા આદીવાસી ઉત્કર્ષ માટે કટિબદ્ધ શ્રી સુજાતાબેન શાહ શ્રીમોરારિબાપુ તથા અગ્રણીઓના હસ્તે સન્માનિત થયા હતા. 

     શિશુવિહારના મંત્રી શ્રી નાનકભાઇ ભટ્ટે સંસ્થા અને આ સન્માન સંદર્ભે વિગત આપી હતી તથા વિજ્ઞાન માનવતાના અનુબંધ પર ભાર મૂકી અહીંની પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો.  
     આ કાર્યક્રમમાં શ્રીમોરારિબાપુના હસ્તે અમૃત મહોત્સવ વિચાર યાત્રા પુસ્તક સંપૂટવિમોચન થયું હતું, આ ઉપરાંત શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટની સ્મૃતિમાં બાલમંદિર શૈક્ષણિક સહાય માટે શ્રી જાગૃતભાઈ ભટ્ટ હસ્તે રૂ. પ૧,૦૦૦ અર્પણ કરાયા હતા. આંગણવાડી બાળકોને પોશાક આહાર માટે સહાય આપનાર શ્રી રમેશભાઈ શાહનું અભિવાદન કરાયું હતું. શ્રી પ્રવિણભાઇ ઠક્કર સંકલનમાં રહ્યા હતા.
     શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય સંગીત વૃંદ દ્વારા સુંદર પ્રાર્થના ગાન રજુ થયેલા તેમજ શ્રી ભદ્રાબેન ભટ્ટે પણ ભક્તિગાન રજૂ કરેલ.  

      સંસ્થાના પ્રમુખ શ્રી નિર્મળભાઈ વકીલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. સન્માનિત મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી માનવ સેવા કાર્યમાં સૌના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
    આભારવિધિ શ્રી કમલભાઈ મણિયારે કરી હતી.સંચાલનમાં શ્રી છાયાબેન પારેખ રહ્યા હતા. અહીં શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાણી, શ્રી અરુણભાઈ દવે, શ્રી નલિનભાઈ પંડિત, શ્રી રમણીકભાઇ પંડ્યા સહિત અગ્રણીઓ જોડાયા હતા