પંચાયતીરાજ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ

8th , December 2016

સરપંચ અને પંચાયતની ક્ષમતા વડે જ રાષ્ટ્રની

પ્રગતિ થઇ શકે : પંચાયતીરાજ પ્રધાન શ્રી તોમર

નવી દિલ્હી ખાતે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ

ગુજરાતના સરપંચ તલાટીમંત્રી સામેલ થયા             

નવીદિલ્હી મંગળવાર તા.૬ - ૧૨ - ૨૦૧૬

સરપંચ અને પંચાયતની ક્ષમતા વડે જ રાષ્ટ્રની પ્રગતિ થઇ શકે છે. પંચાયતી રાજનું આ મહત્વ નવીદિલ્હી ખાતે યોજાયેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં પંચાયતીરાજ પ્રધાન શ્રી તોમરે જણાવ્યું હતું. અહી ગુજરાતના સરપંચ તલાટી મંત્રી સામેલ થયા હતા.

કેન્દ્ર સરકારના પંચાયતીરાજ મંત્રાલય દ્વારા નવીદિલ્હી ખાતે બુધવાર તા.૩૦ નવેમ્બરથી શુક્રવાર તા ૨ ડીસેમ્બર દરમિયાન 'ગ્રામોદય – આપણો સંકલ્પ' અંતર્ગત સરપંચો અને તલાટી મંત્રીઓનો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ગુજરાત સહિત ઉત્તરીય રાજ્યોના પ્રતિનિધિઓ જોડાયા હતા.

કાર્યક્રમના ઉદઘાટન ઉદ્દબોધનમાં પંચાયતીરાજ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમરે આપણા પૂર્વજોની પંચમાં પરમેશ્વરની સંક્લ્પનાનો ઉલ્લેખ કરી વર્તમાન સમય માટે સરપંચોની ક્ષમતા અને ગ્રામપંચાયતના સશક્તિકરણને અનિવાર્ય ગણાવી સરકારના આયોજનનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, માત્ર ઉચ્ચ અધિકારીઓ જ નહિ, સરપંચ અને પંચાયતની ક્ષમતા વડે જ રાષ્ટ્ની પ્રગતિ થઇ શકે છે. પંચાયતીરાજનું આ મહત્વ તેઓએ સમજાવ્યું હતું અને કહ્યું કે, ૧૪માં નાણાપંચની રૂપિયા અઢી લાખ કરોડની ફાળવણી થતા આ ભંડોળ દ્વારા વિકાસની જવાબદારી સાથે સરપંચો ગામના વિકાસ સાથે રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરી રહેલ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને રહેલા પંચાયતીરાજ રાજ્યપ્રધાન શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ગામડાની પરિસ્થિતિ સંદર્ભે ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પનાનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરકારથી સીધું ભંડોળ સરપંચોને આપતા જવાબદારી વધી હોવાનો અનુરોધ કર્યો તેમજ જન ભાગીદારી માટે પણ આગ્રહ વ્યક્ત કર્યો. શ્રી રૂપાલાએ ગુજરાતના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી અને શુભકામના વ્યક્ત કરી હતી.

આ ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા પંચાયત સંદર્ભે માર્ગદર્શન અપાયું હતું અને સરપંચ તથા ગ્રામપંચાયતની ભૂમિકામાં સરકારના આયોજન વિષે સવિસ્તાર જાણકારી પૂરી પડાઈ હતી.

શુક્રવારે સમાપન કાર્યક્રમમાં પણ પંચાયતીરાજ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમરે સરપંચોની સત્તા વડાપ્રધાનની સત્તા સાથે સરખાવી હતી અને વડાપ્રધાનની યોજનાઓ સાથે દેશના અઢી લાખ સરપંચો યોજનાના અમલીકરણ માટે આગળ આવે તેમ અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાંથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુજીતકુમારે પણ પોતાની વાત રજુ કરેલ. પંચાયતીરાજ મંત્રાલયના ઉચ્ચ અધિકારી શ્રી માથુર તથા શ્રી ગોહિલ અને સબંધિતોના સંકલન સાથે કેટલાક સરપંચોએ અને સાફલ્યગાથા રજુ કરેલ.

ગુજરાત સરકારના અધિકારી શ્રી નીલાબેન પટેલના માર્ગદર્શન પ્રમાણે ગુજરાતની ટુકડીનું સંચાલન શ્રી વિજયભાઈ બ્રહ્મભટ્ટ તથા સેજલબેન શાહે કર્યું હતું. અહી ઇશ્વરિયા (ભાવનગર)ના સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિત સાથે સમાગોગા(કચ્છ)ના સરપંચ શ્રી વિજયસિંહ જાડેજાના નેતૃત્વ સંકલન સાથે વિવિધ રાજકીય મુલાકાતો પણ કરાવાઈ હતી .