અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ રામમંદિરનાં નિર્માણ
મોરારિબાપુએ આપેલું દાન સૌથી મોટું - કુલ મળીને 11 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો
અયોધ્યા
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામમંદિરનાં નિર્માણ માટે અત્યાર સુધીમાં સવા અબજ રૂપિયા જેટલું દાન મળી ચૂક્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામ કથાવાચક મોરારિબાપુએ આપેલું દાન સૌથી મોટું છે. મોરારિબાપુએ પોતાનાં ભાવકોનાં યોગદાન સાથે કુલ મળીને 11 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો હતો. જે અત્યાર સુધીમાં રામમંદિર માટે મળેલા દાનમાં સૌથી મોટી રકમ છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવ ગિરિનાં જણાવ્યા પ્રમાણે મોરારિબાપુનાં અમેરિકા, કેનેડા અને બ્રિટન સ્થિત અનુયાયીઓ દ્વારા પણ અતિરિક્ત 8 કરોડ રૂપિયાનો ફાળો એકઠો કરેલો. જો કે ટ્રસ્ટને હજી સુધી એફસીઆરએની મંજૂરી મળી ન હોવાનાં કારણે તે દાન મેળવી શકાયું નથી.
મોરારિબાપુ બાદ સૌથી મોટું દાન પટણાનાં મહાવીર ટ્રસ્ટે આપેલું છે. તેનાં તરફથી મંદિર નિર્માણમાં સહયોગ પેટે 2 કરોડ રૂપિયાની રાશિ અર્પણ કરી દેવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા આપવામાં આવેલું' 1 કરોડ રૂપિયાનું દાન ત્રીજુ સૌથી મોટું છે. સંઘ કાર્યકર સિયારામ અને મુંબઈનાં ચૈતન્ય સેવા ટ્રસ્ટે પણ એક-એક કરોડ રૂપિયાનું યોગદાન આપેલું છે.
ટ્રસ્ટ કાર્યાલયનાં પ્રભારી પ્રકાશ ગુપ્તાનાં જણાવ્યા અનુસાર દેશનાં અગ્રિમ નેતાઓ અને ઉદ્યોગપતિઓ તરફથી હજી સુધી કોઈ દાન આપવામાં આવેલું નથી. અત્યાર સુધીમાં મળેલા દાનમાં 1 લાખ રૂપિયા સુધીનાં દાનની સંખ્યા વધુ છે. આવી જ રીતે પાંચ લાખ અને 11 લાખ રૂપિયાનો ફાળો પણ મોટી સંખ્યામાં ભક્તોએ લખાવેલો છે. જે કોઈપણ દાન આપે છે તેમને ટ્રસ્ટ તરફથી ધન્યવાદપત્ર પાઠવવામાં આવે છે.
ગોવિંદદેવ ગિરિનાં જણાવ્યા પ્રમાણે કાચા અંદાજ અનુસાર મંદિર નિર્માણમાં જ 300થી 400 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. જ્યારે મંદિર પરિસર અને બહારી વિકાસમાં લગભગ 1100 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. ટ્રસ્ટ દ્વારા આગામી માસમાં નિર્માણખર્ચને અંતિમ ઓપ આપવામાં આવશે. જેને ધ્યાને રાખીને 1પ જાન્યુઆરીથી મંદિર નિર્માણ માટે ધન એકત્ર કરવાં માટે દેશમાં મોટાપાયે દાન અભિયાન હાથ ધરવામાં આવશે.