નેતૃત્વ માટે આંતરિક શિસ્તની
આવશ્યકતા રહેલી છે : શ્રી સુબ્બારાવજી
દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર
દીવ, શુક્રવાર તા.૧૭-૧૧-૨૦૧૭
દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિરમાં ગાંધીવાદી વિચારક શ્રી સુબ્બારાવજીએ કહ્યું કે નેતૃત્વ માટે આંતરિક શિસ્તની આવશ્યકતા રહેલી છે. અહી દેશભરના યુવા કાર્યકર્તાઓ જોડાયા છે.
રાષ્ટ્રીય યુવા યોજના તથા ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ નવી દિલ્હી દ્વારા દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિરમાં આ સંસ્થાના સ્થાપક ગાંધીવાદી વિચારક શ્રી સુબ્બારાવજીએ પ્રેરક ઉદબોધનમાં સાંપ્રત રાજકીય સામાજિક પરિસ્થિતિ સાથે સ્વતંત્રતાની ચળવળ,ગાંધી મૂલ્યો, વિનોબાજીની પ્રવુત્તિ વગેરેનો ઉલ્લેખ કરી કહ્યું કે નેતૃત્વ માટે આંતરિક શિસ્તની આવશ્યકતા રહેલી છે. તેઓએ વર્તમાન રાજકીય વ્યવસ્થામાં શિસ્ત પ્રત્યે ચિંતાનો ઈશારો પણ કર્યો.
શ્રી સુબ્બારવજીએ શિબિરાર્થીઓને શીખ આપી કે એક કલાક દેહ માટે એટલે યોગ આસન અને કવાયત માટે તથા એક કલાક દેશ માટે એટલે ભારતમાતા માટે રાષ્ટ્રીય સેવા કાર્યમાં આપવી જોઈએ. તેમણે ઉમેર્યું કે સ્વાર્થ પતન થઇ જાય એટલે ખરો વ્યક્તિ વિકાસ થઇ જાય.
દીવ ખાતે અહી શિબિરમાં સંસ્થાના કાર્યકર્તા અગ્રણીશ્રી હરિભાઈ વિશ્વાસના નેતૃત્વમાં દેશભરના યુવા કાર્યકરો જોડાયા છે.
ગુજરાતના સંયોજક શ્રી ભરતભાઈ કામળીયાના સંકલનમાં સ્થાનિક વહીવટીતંત્રનો પુરતો સહયોગ પ્રાપ્ત થયો છે. સંસ્થાના શ્રી કમલેશ રાય તથા શ્રી નીરજ કાસ્યકાર દ્વારા વિવિધ માર્ગદર્શન તાલીમ મળી રહી છે. દરરોજ સવારે ધ્વજવંદન, શ્રમકાર્ય, સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા છે.