કચ્છની ધરા પર વિકાસના ત્રણ નૂતન સીમા ચિન્હોનો શિલાન્યાસ
ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સરકારનું મન હંમેશા ખૂલ્લું છે અને ટોચ પ્રાથમિકતા - પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
ઉદ્યોગ – વ્યાપાર અને પ્રવાસનના સમન્વય સમા કચ્છે વિકાસની નવી ઉંચાઇ પ્રસ્થાપિત કરી છે - મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
ખાવડા ખાતે હાઇબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક અને માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ શિલાન્યાસ - સરહદ ડેરી પેકેજીંગ પ્લાન્ટ શુભારંભ
ગાંધીનગર
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખૂલ્લું છે અને એ અમારી ટોચ પ્રાથમિકતા છે જ, એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. દેશના નાના અને સિમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ કાયદાઓમાં જે સુધારાઓ કર્યા છે તે નુકશાનકારક નહી પણ ફાયદાકારક છે. આજે દિલ્હીમાં કેટલા વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહયાં છે, તે નિંદનીય હોવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, “ આજે દેશ પૂછી રહ્યો છે કે, અનાજ અને દાળ ઉત્પન્ન કરવાવાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વહેંચવાની આઝાદી શા માટે ન મળવી જોઇએ ?“ ખેડૂતો માટેના કૃષિ બીલમાં જે સુધારાઓ અમારી સરકારે કર્યા છે તેજ સુધારા માટે ભૂતકાળમાં વિપક્ષના લોકો સમર્થનમાં હતા. પરંતુ તેમની સરકાર હતી ત્યારે એમણે કશુ કર્યુ નહી અને આજે ખેડૂતોના ખંભે બંધુક ફોડીને રાજનિતિ કરવા નિકળ્યા છે, તેને મારા દેશના જાગૃત ખેડૂતો જાકારો આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રી મોદીએ આજે કચ્છના ધોરડો ખાતે ત્રણ જેટલા પ્રકલ્પોના વર્ચ્યુઅલ શિલાન્યાસ પ્રસંગે આહવાન કરતાં કહ્યું કે, ખેડૂતોના મનમાં તાજેતરના કૃષિ વિષયક સુધારાઓ સંદર્ભે જે પણ શંકા આશંકા હશે તે તમામ શંકા આશંકાનું સમાધાન કરવા માટે મારી સરકારનું મન હંમેશા ખૂલ્લુ છે. કેમ કે ખેડૂતોનું હિત જ અમારા માટે સર્વોપરી છે. ખેડૂતોનો ખર્ચ ઓછો થાય, મૂશ્કેલીઓ ઓછી પડે અને ખેડૂત આર્થિક રીતે સધ્ધર થાય તે માટે અમારી ઇમાનદાર સરકરના ઇમાનદાર પ્રયાસો રહેશે જ. એટલા માટે સમગ્ર દેશના ખેડૂતોના આર્શિવાદ અમને મળ્યા છે અને આજ ખેડૂતોની તાકાતથી અમે તમામ સમસ્યાઓનું સમાધાન લાવશું એટલે ખેડૂતોના નામે રાજનીતી કરનારા લોકો ચેતી જાય. દેશભરના ખેડૂતો અમારી પડખે છે અને રહેશે જ એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દેશના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતીથીએ આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે. સીંગાપોર-બહેરીન જેવા દેશો જેટલા વિસ્તારમાં એટલે કે ૭0,૦૦૦ હેકટરમાં આ પાર્ક બનવાનો છે. આજે કચ્છમાં ન્યુ એજ ટેકનોલોજી અને ન્યુ એજ એનર્જીના ૩ પ્રકલ્પોનો શિલાન્યાસ થયો છે તે કચ્છના વિકાસમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, એક સમયે એવુ કહેવાતું કે કચ્છ એટલે પડકારનો પર્યાય છે. વીજળી-સડક-પાણીની સમસ્યા રહેતી આજે સમયમાં બદલાવ આવ્યો છે. કચ્છ સર્વાંગી રીતે વિકસ્યું છે. કચ્છનો વિકાસ થાય જ નહી તેવું માનનારા પણ હતા. ભૂકંપે કચ્છને “તહશ નહશ કર્યું હતું. આજે કચ્છના લોકોની ખમીરી અને પરિશ્રમના પગલે કચ્છ વિકાસનો પર્યાય બન્યું છે. અહિંનો સકારાત્મક પ્રભાવ રાષ્ટ્રીય સુરક્ષા જાળવણીમાં પણ પ્રતિબિંબિત થાય છે. કચ્છના સફેદ રણ – રણોત્સવ વિશ્વ આખાને આકર્ષિત કરે છે. પ્રતિવર્ષ ૪ થી ૫ લાખ પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે. તેને પગલે સ્થાનિક કલા-કૌશલ્યને પણ બળ બન્યું છે. સ્થાનિક સંશોધનો અને સામર્થ્યને બળવંતર બનાવી કેવી રીતે આત્મનિર્ભર બની શકાય તે કચ્છે લોકોને શીખવ્યું છે.
આજની તારીખના સુભગ સંયોગનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ ઉમેર્યું કે, આજથી ૧૧૮ વર્ષ પહેલાના આજના દિવસે અમદાવાદમાં એક ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્યાટન થ્યું તેમા “ભાનુ તાપ યંત્ર” એ મુખ્ય આકર્ષણ હતું અને આજે ૧૧૮ વર્ષ પછી કચ્છમાં “રીન્યુએબલ એનર્જી પાર્ક”નો શિલાન્યાસ થઇ રહ્યો છે. તેમા ૩૦,૦૦૦ મેગાવોટ ઉર્જા ઉત્પાદિત થશે. રૂ. ૧.૫૦ લાખ કરોડના રોકાણથી બનનાર આ પાર્ક વિકાસની નવી દિશાઓ કંડારશે એટલુ જ નહી પરંતુ રાષ્ટ્રની સલામતીની સાથે પર્યાવરણની સુરક્ષા પણ કરશે. પ્રતિવર્ષ ૫ કરોડ ટન કાર્બન ડાયોકસાઇડને પેદા થતો અટકાવશે એટલું જ નહી ૧ લાખથી વધુ લોકોને રોજગારી પણ મળશે. પર્યાવરણની દ્રષ્ટ્રીએ આ પ્લાન્ટથી થતો ફાયદો ૯ કરોડ વૃક્ષો વાવવાથી થતા ફાયદા જેટલો મળશે એમ તેમણે ઉમેર્યું હતું. ભારત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વમાં ચોથા સ્થાને છે. છેલ્લા ૬ વર્ષથી ઉર્જા ક્ષમતા ૧૬ ગણી વધી છે. કલાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે, “ગુજરાત” એ ૨૪ કલાક વીજળી આપનાર અગ્રીમ રાજય છે. રાજયએ “સૂર્ય કિસાન યોજના” અમલી બનાવી છે અને દેશનું પ્રથમ રાજય છે જેણે સૌર ઉર્જા નીતિ બનાવી છે. ૨૧મી સદીના ભારત માટે એનર્જી સીક્યુરીટીની જેમ વોટર સીક્યુરીટી પણ એટલી જ મહ્ત્વની છે. જળસુરક્ષા વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે આખા દેશને દિશા નિર્દેશ કરી શક્ય સમર્થ હોવાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ ગુજરાતની જળ સુરક્ષા – વ્યવસ્થાપનની સરાહના કરતા જણાવ્યું કે, ગુજરાતે જળસંચય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કર્યું છે. નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચાડ્યા તે સ્વયં એક સિધ્ધી છે. નહેરના વિસ્તૃતિકરણ સાથે નર્મદાના નીરનું વિતરણ ૩ કરોડ ઘરો સુધી પહોચાડ્યું. રાજયમાં ૮૦ ટકા ઘરોમાં “નળ સે જલ“ યોજનાથી આવરી લેવાયા છે અને આગામી સમયમાં આ સિધ્ધી ૧૦૦ ટકા સુધી લઇ જવાની દિશામાં ગુજરાતનું અભિયાન અનુકરણીય છે એમ તેમણે ઉમેર્યું હતું. આજે શિલાન્યાસ થયેલા ડીસેલીનેશન પ્લાન્ટથી પણ ૧૦ કરોડ લિટર પાણી પીવા લાયક બનશે. ઉપરાંત ઘોઘા-દહેજ-દ્વારકા-ગીર સોમનાથમાં પણ આવા પ્લાન્ટ બનવાના છે તેને પણ વડાપ્રધાનશ્રીએ બીરદવ્યા હતા.
રાજયમાં કૃષિ ક્ષેત્ર મજબૂત બન્યો હોવાનો ઉલ્લેખ કરી શ્રી મોદીએ કહ્યું કે, અહીના ખેત ઉત્પાદનોની વિશ્વમાં નિકાસ થાય છે. ખેતી અને ડેરી એમ બન્ને ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થયો છે. સાથે સાથે દુધ આધારિત ઉત્પાદનો – ક્ષેત્રોનો વિકાસ થયો છે. આજે સરહદ ડેરીના ઓટોમેટીક મીલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ બનવાથી આગામી સમયમાં સ્થાનિક દુધ પશુપાલકો ઉત્પાદિત દુધના પ્રોસેસીંગ સ્થાનિક કક્ષાએથી જ કરી શકશે તેનો સીધો લાભ સ્થાનિક પશુપાલકોને વેલ્યુએડીશનનો પણ મળશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શ્યામજી કૃષ્ણ વર્માની આ પાવન ધરતીપર સાડા છ કરોડ ગુજરાતીઓ વતી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ઉદ્યોગ, વેપાર અને પ્રવાસનના સમન્વય સમા કચ્છે છેલ્લા દોઢ દશકામાં વિકાસની નવી ઉંચાઇ પ્રસ્થાપિત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન એનર્જીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ આખામાં ગ્રીન એનર્જીની કેડી કંડારી છે. આ ક્ષ્રેત્રે ગુજરાત પણ દેશભરમાં અગ્રેસર રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ૧૧ હજાર મેગાવોટ ક્ષમતાની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી છે અને ૨૦૨૨ સુધીમાં 30 હજાર મેગા વોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન લક્ષ્ય છે જેમાં વિન્ડએનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં રાજયમાં સોલાર રૂફટોપ યોજના અમલી બનાવી ૮00 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદિત કરી છે. દેશમાં સૌ પ્રથમ સોલાર પોલીસીની સાથે સાથે “સૂર્ય ગુજરાત યોજના” પણ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ચારણકા સોલાર પાર્કની ક્ષમતા વધારવાની સાથે સાથે ધોલેરામાં પણ ૧000 મેગાવોટનો સોલારપાર્ક તથા અન્યત્ર ૭00 મેગાવોટના રાધા નેસડા સોલારપાર્કનું નિર્માણ પણ આગામી સમયમાં હાથ ધરાશે. આ રીતે ગુજરાત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અનોખું સ્થાન બનાવ્યું છે. કચ્છના વિનાશક ભૂકંપનો સામનો કરનાર કચ્છ આગવી રીતે બેઠું થયું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિ અને સંકલ્પશક્તિના કારણે આજે કોઇ ઉદ્યોગ એવો નથી જે કચ્છમાં પ્રસ્થાપિત થયો ન હોય, એ અર્થમાં કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માંડવીમાં બનનારા ડી-સેલીનેશન પ્લાન્ટથી પ્રતિદિન સમુદ્રના ૧0 કરોડ લીટર પાણીનું પીવા યોગ્ય બનાવવાની ક્ષમતા છે. માંડવી ઉપરાંત દહેજમાં દશ કરોડ લીટર, દ્વારકા અને ઘોઘા પ્રત્યેકમાં ૭ કરોડ લીટર અને ગીર સોમનાથમાં ૩ કરોડ લીટર પાણીની ક્ષમતાવાળા ડી-સેલીનેશન પ્લાન્ટ આગામી સમયમાં બનશે. તેના પગલે પ્રતિદિન દરિયાનું ૩૭ કરોડ લીટર પાણીને પીવાલાયક બનાવાશે. ગુજરાતે પીવાના પાણીની ઉપલબ્ધિમાં એક આગવું સામર્થ્ય હાંસલ કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે જ્યાં 30 ટકા વિસ્તારમાં ૭0 ટકા વરસાદ પડે છે અને ૭0 ટકા વિસ્તારમાં 30 ટકા વરસાદ પડે છે આ પરિસ્થિતિમાં પણ ગુજરાતે જળવ્યવસ્થાપનના પગલે આજે ગુજરાતે ૮0 ટકા વિસ્તારમાં નળ દ્વારા પાણી પહોંચાડ્યુ છે. છેલ્લા આઠ માસમાં ૯ લાખ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે અને દરેક ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં કટિબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના સામે ગુજરાતને એક અભિયાન સ્વરૂપે ઝુંબેશ હાથ ધરી છે અને રાજયના વિકાસને અવરોધક બનવા નથી દીધો. છેલ્લા પાંચ મહિનામાં રાજયમાં ૧૭ હજાર કરોડના વિકાસકામો શરૂ કર્યા છે. કોરોનાને કારણે વિશ્વ આખામાં મંદીની અસર દેખાઇ છે પરંતુ દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ૧૫ ટકાનો વધારો થયો છે. કોરોના કાળમાં પણ ગુજરાતે ૧.૨૫ લાખ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હાંસલ કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રીન્યુએબલ એનર્જી પાર્કના શિલાન્યાસ સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌર ઊર્જાના જન્મદાતા છે. તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનના પરિણામે ઓછા સમયમાં દેશમાં ૩૬ હજાર મેગાવોટથી વધુ સૌર ઊર્જાની ક્ષમતા હાંસલ કરી શકયા છીએ. વર્ષ ૨૦૦૯માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌર ક્રાંતિની શરૂઆત કરી હતી ત્યારે કોઈ એ વિચાર્યું ન હતું. તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ૧૪૯ મેગાવોટ પવન ઊર્જાની ક્ષમતા હતી તે સમયે માત્ર રિન્યુએબલ એનર્જી જ એક સોર્સ હતો. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યારે નવીનીકરણીય ઊર્જાનો વધુ ઉપયોગ કરીને ઇન્વેસ્ટર સોલર પોલિસી માધ્યમ દ્વારા ગુજરાતમાં બદલાવ આવ્યો અને અન્ય રાજ્યો તેનું અનુકરણ કરી રહ્યા છે. આજે દેશમાં રિન્યુએબલ એનર્જીને આગળ વધારવા માટે નવી સ્ટ્રેટેજીક પોલીસી પણ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર તેને આગળ વધારી રહી છે.
મંત્રી શ્રી પટેલે કહ્યુ કે, રીન્યુઅલ એનર્જી માટેનો આ પ્રોજેક્ટ કચ્છ જિલ્લામાં ૬૦ હજાર હેક્ટર વિસ્તારમાં સ્થાપિત થવા જઇ રહ્યો છે. આ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટ સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ કે, જ્યારે ૩૦ ગીગાવોટનો આ પાવર પ્લાન્ટ શરૂ થશે. તેનાથી ૬૦,૦૦૦ મીલીયનથી વધુ ક્લીન અને ગ્રીન ઊર્જા ઉત્પન્ન થશે. જેનાથી ૬૦ મીલીયન ટન ઓછા કાર્બનનું ઉત્સર્જન થશે. એટલું જ નહી ૪૦ મિલીયન ટન કોલસાની બચત પણ થશે અને વાર્ષિક ૨૫ હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાત જળવાયુના સંતુલન માટે હંમેશા તત્પર છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતે નવી ઔદ્યોગિક નીતીમાં છ સનરાઇઝ ક્ષેત્રોમાં ઇલેકટ્રીક વાહન ઉત્પાદન, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને પ્રોત્સાહન, ગ્રીન એનર્જી, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટીરીયલ જેવા ચાર ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા ગુજરાત સમર્પિત છે. રાજ્યમાં ઉપલબ્ધ સોલાર વિન્ડ પોલીસીના માધ્યમથી ૧૧,૧૭૬ મે.વોટ રિન્યુઅલ એનર્જી ક્ષમતાને આપણે ઝડપથી આગળ વધારશું એવો મને વિશ્વાસ છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોનું ક્લ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી - જિલ્લાના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.