અલગતાવાદી નેતાઓ સહિત 150 જેટલા શખ્સોની ધરપકડ
તાકીદની સૂચનાથી 10,000 જવાનોને જમ્મુ કાશ્મીર ઘાટીમાં ઉતારાયા - કોઈ મોટા ઘટનાક્રમનો અણસાર
કલમ 35-A પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી તકેદારી પગલું
નવી દિલ્લી
પુલવામાંમાં ભારતીય સૈનિકોપર થયેલા જીવલેણ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તણાવ બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ દ્વારા સખ્ત કાર્યવાહી શરુ થવા પામી છે. શુક્રવારે રાત્રે અલગતાવાદી નેતાઓ સહિત 150 જેટલા શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે. દરમિયાન શુક્રવારે રાત્રે તાકીદની સૂચનાથી અર્ધસૈનિક દળના 10,000 જવાનોને જમ્મુ કાશ્મીર ઘાટીમાં ઉતારાયા છે. આથી કોઈ મોટા ઘટનાક્રમનો અણસાર આવી રહ્યો છે. બે દિવસ બાદ સંવિધાનની કલમ 35-A પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી પહેલાં તકેદારી રૂપ પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું પણ કહેવાય છે.
ભારત પાકિસ્તાન વચ્ચે શરુ રહેલ આપસી ઘર્ષણ અને તાજેતરમાં પુલવામમાં ભારતીય સૈનિકો પર આતંકવાદી હુમલા દ્વારા 44 જેટલા જુવાનોના પ્રાણ લીધા છે. આ જીવલેણ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા તનાવ બાદ સેનાએ દ્વારા પ્રત્યાઘાત રૂપે સખ્ત કાર્યવાહી શરુ થવા પામી છે. દરમિયાન કેટલાક સંગઠનોના નેતાઓને અપાતી સુરક્ષા ઉઠાવી લેવામાં આવી છે. તેમજ કેટલાય અલગતાવાદી નેતાઓ સહિત 150 જેટલા શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે. એક અનુમાન મુજબ બે દિવસ બાદ જ સોમવારે જમ્મૂ- કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી સંવિધાનની કલમ 35-A પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થવાની છે. આ સુનાવણી પહેલાં તકેદારી રૂપ પ્રશાસન દ્વારા આ પગલું ઉઠાવવામાં આવ્યું હોવાનું પણ કહેવાય છે, જેથી આ અલગતાવાદી નેતાઓ દ્વારા કોઈ ઉશ્કેરાટ ના ફેલાવી શકાય.
સેનાએ દ્વારા આ કાર્યવાહીમાં શુક્રવાર રાતે અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરી લેવાતા વાતાવરણ તંગ થવાની દહેશતથી ચુસ્ત બંદોબસ્ત રખાયો છે. અહીં જમાત-એ-ઇસ્લામી પ્રમુખ અબ્દુલ હમિદ ફૈયાજની પણ ધરપકડ કરી લેવાઈ છે. સેનાએ દ્વારા ઘાટી વિસ્તારના અલગતાવાદી નેતાઓને ક્રમશઃ ઝડપી લેવા કાર્યવાહી થઈ રહ્યાનું સમજાય છે.
સમગ્ર દેશ અને દુનિયાની નજર પણ જમ્મુ કાશ્મીરમાં આ કાર્યવાહી સામે રહેલી છે, ત્યારે જાણકારી મળ્યા મુજબ ગૃહ મન્ત્રાલય દ્વારા જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગને 22 તારીખ શુક્રવારે રાત્રે જ તાકીદ સંદેશો પાઠવી અર્ધસૈનિક દળના 10,000 જવાનોને શુક્રવાર રાત્રે હવાઈમાર્ગે ઘાટીમાં ઉતારાયા છે. આ CAPF કેન્દ્રીય સશસ્ર પોલીસ બળની 100 ટુકડીઓ એટલે CRPF કેન્દ્રીય અનામત પોલીસ બળની 45, BSF સીમા સુરક્ષા બળની 35, SSB સશસ્ત્ર સીમા બળની 10 અને ITBP ભારત તિબ્બત સીમા પોલીસની 10 ટુકડીનો સમાવેશ થાય છે. 100 - 100 જવાનોની 100 ટુકડી આમ 10,000 જવાનો ખડેપગે કરાયા છે.
તાકીદની અસરથી આટલી મોટી સંખ્યામાં જવાનોને અહીં ઉતારાયા બાદ અટકળો તેજ થવા પામી હતી. દરમિયાન ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ સરહદ પર નિરીક્ષણ મુલાકાત પણ લીધી છે. આથી કોઈ મોટા ઘટનાક્રમનો અણસાર આવી રહ્યો છે.
( તસવીર પ્રતિકરૂપ )