સણોસરા લોકભારતીની ‘વિશ્વભારતી’ તરફ ઉડાન…
ગાંધીજીના જીવન મૂલ્યો પર આધારિત ઓનલાઈન કોર્સને આંતરરાષ્ટ્રીય સંસ્થા Udemy દ્વારા મળી સ્વીકૃતિ
માન્યતા મળતાની સાથે માત્ર ત્રણ જ દિવસમાં ૬૪ દેશના ૩૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં જોડાયા
સણોસરા
ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત અને મૂર્ધન્ય સાહિત્યકાર,ચિંતક મનુભાઈ પંચોળી- દર્શક દ્વારા સંવર્ધિત સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ દેશની સર્વ પ્રથમ ગાંધીવિચાર આધારિત સ્થપાયેલ ઉચ્ચ શિક્ષણની નમૂનેદાર નિવાસી સંસ્થા છે. રાષ્ટ્રીય, સામાજિક, સાંસ્કૃતિક અને રોજગારલક્ષી માતૃભાષામાં કેળવણી આપતી આ સંસ્થાએ તેના સંશોધન, શિક્ષણ અને વિદ્યા વિસ્તરણના ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીથી વિશ્વ વિખ્યાત બની છે. લોકાભીમૂખ કેળવણી દ્વારા સ્થાયી વિકાસને સાધતા અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોએ લોકભારતીમાં પ્રાણ પૂર્યો છે.
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હવે તેની જીવનશૈલી બદલવા ફરજ પાડી છે. સાથોસાથ જીવનશૈલીના અભ્યાસુઓએ જે જીવનશૈલીની હિમાયત કરી છે તે સંપૂર્ણપણે ગાંધીવિચાર આધારિત જ છે. આ વિચારનો જીવનમાં અમલ કરવા માટે ખાસ કરીને યુવાવર્ગને તેમની ફાવતી-ભાવતી શૈલીમાં સમજાવવા લોકભારતીએ તાજેતરમાં ‘ગાંધીભારતી’ – આંતરાષ્ટ્રીય ગાંધીવિચાર અનૂશીલન કેન્દ્રની સ્થાપના કરેલ છે. અનેક પ્રકારની તાલીમો અને અભ્યાસક્રમો દ્વારા સંસ્કૃતિ અને પ્રકૃતિને સંરક્ષિત અને સંવર્ધિત કરીને આત્મનિર્ભર બનાવતી જીવનશૈલીનો પ્રચાર-પ્રસાર કરવાનો મનોરથ આ કેન્દ્રનો છે.
ટેકનોલોજી અને સમૂહ માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને ગાંધીવિચારના આચરણ માટે પ્રયત્નશીલ આ કેન્દ્ર દ્વારા ઘણાં બધાં ઓનલાઈન કોર્સ વિશ્વ ફલક ઉપર મૂકવામાં આવી રહ્યા છે. આ પૈકીનો પ્રથમ ઓનલાઈન કોર્સ “ગાંધીયન મેથડ્સ ટુ સસ્ટેનેબલ લીવીંગ એન્ડ હેપ્પીનેસ” ત્રણ મહિનાની અથાક જહેમત બાદ Udemy દ્વારા સ્વીકૃતિ પામ્યો છે. Udemy પાંચ કરોડ વિદ્યાર્થી ધરાવતું, ૬૫ ભાષાઓમાં ૫૭૦૦૦ શિક્ષકો દ્વારા ૧૯૦ દેશોમાં કાર્યરત એવું વિશ્વ વિખ્યાત ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે. જેના પર વિવિધ વિદ્યાશાખાના હજારો કોર્સ ઉપલબ્ધ છે તેમાં હવે જીવનશૈલી આધારિત એક નવો કોર્સ શરુ થયો છે. તારીખ ૨૧/૦૮/૨૦૨૦નાં રોજ વિધિવત માન્યતા મેળવનાર આ કોર્સમાં માત્ર ત્રણ દિવસમાં જ ૬૪ દેશના ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા છે અને આજે ગાંધી જીવનશૈલીના પાઠ ભણતા થયા છે. સણોસરા લોકભારતીની ‘વિશ્વભારતી’ તરફ ઉડાન…
ગાંધીભારતીના નિયામક ડૉ. વિશાલ ભાદાણીના કહેવા પ્રમાણે “ટૂંક સમયમાં જ આ કોર્સ સેંકડો વિદ્યાર્થીઓ ભણતા થશે કારણકે આ કોર્સને પાંચમાંથી ચાર સ્ટારનું રેટિંગ મળેલ છે.” ભવિષ્યમાં વિવિધ ભાષાઓમાં આવા વધારે કોર્સ મૂકવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.” દેશની વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતની અનેક કોલેજો અને યુનીવર્સીટીઓ પોતાના વિષયશિક્ષણ સાથે જીવનમાં ગાંધીવીચારનું આચરણ કેમ અને કેવું કરી શકાય તે અંગેનો એક વિશેષ તાલીમી કાર્યકમ પણ અહીં આકાર લઇ રહ્યો છે.
આ પ્રસંગે ગાંધીભારતીના પ્રેરક, ડો. અરુણભાઈ દવે જણાવે છે કે, “ભવિષ્યમાં દેશ વિદેશથી ગાંધી જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ લેવા, કોઈપણ ક્ષેત્ર અને ઉમરના જિજ્ઞાસુઓ સણોસરા લોકભારતી નિવાસ કરવા આવશે તેવા સ્વપ્નને સાકાર કરવા અમે સૌ પ્રયત્નશીલ છીએ.