રશિયા પાસેથી એન્ટી મિસાઈલ સિસ્ટમ

રાજનાથ સિંહ પોતાના પ્રવાસ દરમિયાન રશિયા પાસેથી એન્ટી મિસાઈલ સિસ્ટમ S-400 જલ્દી આપવા માટે વાત કરશે

ચીન સાથે સરહદે તનાવ વધતા ભારત S-400ની જલ્દી ડિલીવરી મળે તેમ ઈચ્છી રહ્યું છે 

નવી દિલ્હી

 ભારત-ચીન વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે છે. જ્યાં તેઓ રશિયાની 75મીં વિક્ટરી પરેડમાં ભાગ લેશે. એવું મનાય છે કે  રાજનાથ સિંહ પોતાના આ પ્રવાસ દરમિયાન રશિયા પાસેથી એન્ટી મિસાઈલ સિસ્ટમ S-400 જલ્દી આપવા માટે વાત કરશે.ચીન સાથે સરહદે તનાવ વધતા ભારત S-400ની જલ્દી ડિલીવરી મળે તેમ ઈચ્છી રહ્યું છે.

ભારતે 2018માં રશિયા સાથે એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ S-400ની ડિલ કરી હતી. જો કે આ સિસ્ટમ ચીન પાસે પહેલાથી જ છે. S-400 વિશ્વની સૌથી એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ ગણાય છે. ભારતે રશિયા સાથે આ માટે 5 અબજ ડૉલર એટલે કે 40 હજાર કરોડ રૂપિયાની ડીલ કરી છે. ભારત સાથે ડીલ બાદ રશિયાએ S-400 ડિફેન્સ સિસ્ટમનું નિર્માણ શરૂ કરી દીધુ છે.

ડીલ મુજબ, આ સિસ્ટમ 2025 સુધી ભારતને સોંપવામાં આવશે. ડીલ અંતર્ગત આગામી વર્ષ સુધી ભારતને પ્રથમ ડિફેન્સ સિસ્ટમ પણ મળી જશે. જો કે ભારત ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા પોતાના વિવાદને પગલે તેને જલ્દી મળે તેમ ઈચ્છી રહ્યું છે. અત્યાર સુધી S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ માત્ર રશિયા અને ચીન જ કરી રહ્યાં છે. રશિયા આ સિસ્ટમનો ઉપયોગ 2007થી કરી રહ્યું છે. જ્યારે ચીને તેને 2014માં ગવર્મેન્ટ ટૂ ગવર્મેન્ટ ડીલ અંતર્ગત ખરીદી હતી.

જાણીએ આ S-400માં શું છે ખાસ…?

- S-400 મિસાઈલ સિસ્ટમ S-300નું અપડેટેડ વર્ઝન છે.

- સિસ્ટમ ભારતીય સેનામાં સામેલ થવાથી સેનાની તાકાત વધશે.

- S-400 પાંચમી પેઢીના ફાઈટર વિમાનોને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

- આ સિસ્ટમ 400 કિમીના અંતર સુધી સક્રીય રહે છે. તે એરિયામાં આવનાર કોઈ પણ જોખમને તાત્કાલીક ખતમ કરે છે.

- ફાઈટર જેટ હોય કે ડ્રોન કે પછી મિસાઈલ આ સિસ્ટમ જોતા જ તેને ધ્વસ્ત કરી દેશે.

- S-400 સિસ્ટમ અત્યાધૂનિક રડારોથી સજ્જ હોય છે. જે સેટેલાઈટથી કનેક્ટ રહે છે.

- આ સિસ્ટમની ખાસિયત છે કે, તે દુશ્મન દેશોના વિમાનો અને મિસાઈલોને હવામાં જ નાશ કરી શકે છે.

- S-400ના રડાર 100 થી 300 ટાર્ગેટ ટ્રેસ કરી શકે છે. જેમાં લાગેલી મિસાઈલો 30 કિમી ઊંચાઈ અને 400 કિમી દૂર આવેલા લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે.

- આ મિસાઈલ એકસાથે 36 ટારગેટને મારી શકે છે. જેમાં 12 લૉન્ચર હોય છે 

 

( અહેવાલ સાભાર - અકિલા દૈનિક )