ગાંધીનગર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, ભારત અને જાપાનના સંબંધો એક નવી વૈશ્વિક ઊંચાઇ પ્રસ્થાપિત કરશે. જાપાન પાસે જ્ઞાન અને ટેકનોલોજી તથા ભારતમાં માનવ સંશાધનને વધુ કાર્યક્ષમ બનાવવાની ક્ષમતા નવી તાકાત બનીને ઉભરશે. સક્ષમ ભારત અને સક્ષમ જાપાનની ધરી સમગ્ર એશિયા અને વિશ્વને નવી દિશા બતાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઇન્ડિયા-જાપાનની એન્યુલ સમિટના સમાપન પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, ભારત અને જાપાનને એકબીજા પ્રત્યે ટેકનોલોજી, જ્ઞાન અને કૌશલ્ય ક્ષેત્રે આકર્ષણ રહ્યું છે ત્યારે ભારતમાં જાપાની કંપનીઓનું ઔદ્યોગિક મૂડીરોકાણ દેશના ઔદ્યોગિક વિકાસનો નકશો બદલી નાંખશે. મુંબઇ- અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ૫૦૦ કિ.મી.ના અંતરનું આ સોપાન ર૦રર-ર૩ સુધીમાં કાર્યરત થશે. આ માટે હાઇસ્કીલ મેનપાવરની જરૂરિયાત રહેશે, તે બંને દેશો પૂર્ણ કરશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને જાપાન, ભારત અને જાપાનના મજબૂત સંબંધો તથા જાપાનના પ્રધાનમંત્રી શ્રી આબે સાથેની પોતાની અંગત મિત્રતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, બંને રાષ્ટ્રોની પરસ્પર કમ્ફર્ટ અને કોન્ફિડન્સ સાથેની મિત્રતા બંને રાષ્ટ્રોની ક્ષમતા અને સમૃદ્ધિ વધારવામાં સહયોગી થઇ રહી છે.
એકવીસમી સદીને એશિયાની સદી તરીકે ઓળખાવીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યૂહાત્મક અને આર્થિકક્ષેત્રે ભારત અને જાપાન મહત્વની ભૂમિકા અદા કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું. સપ્ટેમ્બર-ર૦૧૪ની પોતાની જાપાન મુલાકાતનું સ્મરણ કરીને પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મીની જાપાન જોવાનું સપનું મેં જોયું હતું તે આજે સાકાર થયું છે અને ગુજરાતમાં એક વધુ જાપાની ટાઉનશીપની જાહેરાત તથા ગુજરાતમાં સુખેથી જીવતા અને બિઝનેસ કરતા જાપાની બાંધવોને જોઇને ખુશીની લાગણી થાય છે. વાયબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલાની શરૂઆતમાં પ્રથમ પાર્ટનર કન્ટ્રી બનેલા જાપાનની ભાગીદારી આજે વધુ વ્યાપક સ્તરે પહોંચી છે તેવું જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંને દેશોના સંબંધોની વધેલી ગહેરાઇનો આનંદ વ્યકત કર્યો હતો.
પ્રેમનું પ્રતિક અને. શિવના પ્રસાદ સમા રૂદ્રાક્ષના નામથી વારાણસીમાં તૈયાર થનારા ભારત-જાપાન કન્વેન્શન સેન્ટર બંને દેશના લોકોના સાંસ્કૃતિક, સામાજિક આદાન-પ્રદાન તથા મૈત્રીભાવને વધુ ઊંડો બનાવશે તેવી શ્રદ્ધા તેમણે વ્યકત કરી હતી. ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસીસ્ટમમાં ભારત વિશ્વમાં આજે ત્રીજા સ્થાને હોવાનું ગૌરવ વ્યકત કરીને તેમણે ડીઝીટલ ઇન્ડિયા – સ્કીલ ઇન્ડિયામાં જાપાનના સહયોગને બિરદાવ્યો હતો. ભારત-જાપાનના લોકો વચ્ચે પરસ્પર મૈત્રી અને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હોવાથી વધુને વધુ જાપાની કંપનીઓને ભારત આવવા તેમણે આમંત્રણ આપ્યું હતું તથા પૂરતા સહયોગની ખાતરી આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી ભારતે ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ માટે અસંખ્ય વહીવટી સુધારણાની પહેલ કરી છે અને આ પહેલ દ્વારા ભારત ર૧મી સદીનું ‘નવું ભારત’ બની રહેશે.
વૈશ્વિક ઉત્પાદક કેન્દ્ર બનવા માટે ભારતે ‘મેઇક ઇન ઇન્ડિયા’ , ટેકનોલોજી આધારિત સમાજ ખાસ કરીને કૌશલ્યવર્ધન માટે ‘સ્કીલ ઇન્ડિયા’, નવા ઉદ્યોગને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂં પાડવા ‘સ્ટેન્ડ અપ ઇન્ડિયા – સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ જેવાં અભિયાનો દ્વારા તથા નવીન સંશોધનો માટેના મજબૂત પર્યાવરણ તંત્ર (ઇકો સીસ્ટમ) દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહક વાતાવરણનું સર્જન કર્યું છે.
ઇન્સોલ્વન્સી, બેંક કરપ્સી કોડ, કોમર્શિયલ કોડ દ્વારા વ્યાપારિક ગતિવિધિની વૃદ્ધિ કરવા સાથે ભારત ઇન્ટેલેકચુઅલ પ્રોપર્ટી પોલિસી તરફ આગળ વધી રહ્યું છે તેની વિગતો તેમણે આપી હતી. તેમણે કહ્યું કે, ભારત અને જાપાન પુરાતન સંસ્કૃતિ ધરાવે છે. વિકાસનાં ફળ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડવાં તે ભારત સારી રીતે જાણે છે.
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ર૧મી સદી એશિયાની સદી છે. જાપાન અને ભારત એશિયાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે, ભારત અને જાપાનની આર્થિક સ્થિરતા અને મજબૂતાઇ ન માત્ર એશિયામાં પરંતુ વિશ્વના અર્થતંત્રને સ્થિરતા આપવાની ક્ષમતા ધરાવે છે. ભારત અને જાપાન પર્ફેકટ પાર્ટનર છે અને જાપાનને ભારત તરફથી પૂરા સહયોગની ખાતરી તેમણે આપી હતી.
જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેએ પોતાના પ્રવચનની શરૂઆત ‘નમસ્કાર’ એવા ગુજરાતી શબ્દોથી કરી હતી. જેને ઉપસ્થિતોએ તાળીઓથી વધાવી લીધી હતી.
જાપાનના વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેએ ભારત-જાપાન વચ્ચેના સંબંધો બીજા દેશો સાથેના સંબંધો કરતાં ઘણા મજબૂત બનવાની સંભાવના ધરાવે છે. જાપાનની ઉચ્ચ ટેકનોલોજી અને સંશોધન તથા ભારતના માનવબળ; સૌથી મોટી ઉત્પાદન ક્ષમતામાં પરિવર્તિત થઇ શકે છે. મેઇક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે જાપાની કંપનીઓ પણ સહયોગ આપી રહી છે. તેમણે કહ્યું કે, આગામી સમયની ગાડીઓ ભારતમાં બનશે અને વિશ્વભરમાં વેચાશે. ભારતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઘણી સંભાવના છે. ભવિષ્યની કાર માટે ઓટોમોટીવ બેટરીની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે ગુજરાતમાં જાપાની કંપનીના સહયોગથી બનનાર ઓટોમોટીવ બેટરી પ્લાન્ટ મહત્વપૂર્ણ બની રહેશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વભરમાં અગ્રેસર બની રહ્યું છે ત્યારે ડેન્શો સુઝુકી, તોશીબા કંપનીઓના સંયુકત ઉપક્રમે બેટરીનો પ્લાન્ટ ગુજરાતમાં પહેલીવાર બની રહ્યો છે તે ભારતનો પણ આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ બની રહેશે.
જાપાનની મોટી કંપનીઓ પાસે ઉચ્ચ ટેકનીકલ ક્ષમતા છે. તેઓની આ ક્ષમતાને તેઓ ગુજરાતના સાનુકૂળ ઉદ્યોગવર્ધક રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમે જાપાની કંપનીઓને ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપીશું, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સમિટમાં જે સલાહ-સૂચનો મળ્યાં છે તેને ધ્યાનમાં રાખીને આગળ વધીએ અને તેનું સુદૃઢ અમલીકરણ કરીને ભારત-જાપાનની કંપનીઓ માટે વિકાસનું આકાશ રાહ જોઇ રહ્યું છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારતની યુવા પેઢી જાપાનની આ કંપનીઓ સાથે જોડાઇ પોતાની ક્ષમતાને નિખારે તે માટેનું તેમણે આહવાન કર્યું હતું. લોકો વચ્ચેનું આદાન-પ્રદાન અને મિત્રતાના સંબંધ ઘણા ઊંડા અને હજુ આગળ વધી વધારે મજબૂત કરવા આહવાન કરતાં તેમણે કહ્યું કે, ગત વર્ષે ભારતમાંથી ૧.ર૦ લાખ લોકો જાપાનમાં આવ્યા હતા પણ મને આશા છે કે હજુ વધુને વધુ ભારતીયો જાપાન આવશે.
બૌદ્ધ ધર્મનો પ્રારંભ ભારતમાં થયો હતો, ગુજરાતમાંથી થયો હતો. ભારતની ઘણી હોટલો જાપાનમાં છે. જાપાનમાં લોકો ભારતના લોકોની રાહ જુએ છે. જાપાન તમને દિલથી આવકારવા તૈયાર છે, તેમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, હું ઘણી વખત ભારત આવી ચૂકયો છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર સ્થાપવાનું પણ નક્કી કર્યું છે. જેથી ભારત પાસે શું છે તે વિશ્વને બતાવી શકાશે.
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની મુલાકાત લેનારા વ્યક્તિ મારા દાદા હતા. તેનાં સંભારણાંને યાદ કરતાં તેમણે કહ્યું કે, તે વખતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂ સાથે તેમની બેઠક થઇ હતી. ત્યારબાદ પં. નહેરૂએ ભારતના લોકો સાથે મારો પરિચય કરાવ્યો હતો. તેઓ વિશ્વયુદ્ધ બાદ હારેલા દેશ, આર્થિક રીતે પાયમાલ દેશ તરીકેની છાપ લઇ આવ્યા હતા છતાં પં. નહેરૂએ પોતાનાપણાંની ભાવના દર્શાવી હતી. તેનાથી મારા દાદા વધુ પ્રભાવિત થયા હતા અને તેમણે નિશ્ચય કર્યો હતો કે હું મારા સંપૂર્ણ જીવન દરમિયાન ભારતનો મિત્ર બની રહીશ. કાલે મારી પત્ની અને હું ગુજરાત પહોંચ્યા ત્યારે ૫૦ હજાર લોકોએ અમારૂં ભાવપૂર્ણક સ્વાગત કર્યું હતું. તેથી મેં પણ નિશ્ચય કર્યો છે કે હું પણ જીવનપર્યંત ભારતનો મિત્ર બની રહીશ, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારત અને જાપાન વચ્ચે હજુ આગળ પણ વધુ સમિટ માટે હું ઉત્સુક છું, તેમ તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું. ભારત-જાપાનની જૂની મિત્રતા જાળવી રાખી સમૃદ્ધિ તરફ આગળ વધવા માંગે છે તેવી પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, જાપાન વર્ષ ર૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાતમાં કન્ટ્રી પાર્ટનર રહ્યું છે અને આગામી સમિટમાં ભારત-જાપાનના ઔદ્યોગિક સાંસ્કૃતિક સંબંધો વધુ ઊંચાઇએ પ્રસ્થાપિત થશે.
ગુજરાત આજે દેશના શ્રેષ્ઠ રાજ્યો પૈકીનું એક છે. દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન ૮ ટકા છે જયારે દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧૮ ટકા તથા નિકાસમાં ર૦ ટકા હિસ્સો રહ્યો છે તે જ પુરવાર કરે છે કે ગુજરાત દેશમાં શ્રેષ્ઠ રાજ્ય રહ્યું છે. મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ર૦૧૬-૧૭માં ખાનગીરોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રર.૭ ટકા સાથે સૌથી મોખરે રહ્યું છે. ગુજરાત મેન્યુફેકચરીંગ ઉપરાંત ઓટો હબ ક્ષેત્રે પણ નવી ઊંચાઇ પ્રસ્થાપિત કરી ચુકયું છે. સાથે સાથે સુઝુકી, હોન્ડા, ટોયોટા વગેરે કંપનીઓએ ગુજરાતને પોતાનું હબ બનાવ્યું છે. રાજ્યમાં ર૦ લાખથી વધુ નાના અને મધ્યમ એકમો ૧ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે ત્યારે ભારત-જાપાન વચ્ચેના એમઓયુ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સુઝુકીના ચેરમેન શ્રી ઓસામો સુઝુકીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ના ધ્યેયને અમે આવકારીએ છીએ. અમે ગુજરાત-ભારત સાથે છેલ્લા અનેક વર્ષોથી જોડાયેલા છીએ. ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપીને અહીં એન્જીન નિર્માણનું કામ શરૂ કર્યું છે. સાથે સાથે ત્રીજો પ્લાન્ટ કાર્યાન્વિત કરવાનો પણ નિર્ણય લીધો છે. આમ અમારું કુલ રોકાણ રૂા. ૧૩,૪૦૦ કરોડને આંબી જશે. સાથે સાથે અમે ૧૦ હજારથી વધુ લોકોને રોજગારી આપી શકીશું. આ ઉપરાંત અમારા પ્લાન્ટમાં કાર્યરત કર્મચારીઓના બાળકો માટે શાળા શરૂ કરાશે. આયર્ન લીથીયમ બેટરી ઉત્પાદન કરવાનો પણ નિર્ણય કર્યો છે અને આ બેટરીનો ભારતીય બજારના હાઇબ્રીડ વાહનોમાં ઉપયોગ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના મુખ્ય સચિવ શ્રી જે. એન. સિંહે જણાવ્યું હતું કે, ર૦૧૪માં નક્કી થયું હતું કે, ભારતમાં જાપાનનું મૂડીરોકાણ બે ગણું કરવું અને તે અન્વયે ગુજરાતમાં જાપાન કોરીડોર બનાવવાનું નક્કી થયું હતું. ઇન્ડો-જાપાનીઝ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે સાણંદ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં ઔદ્યોગિક પાર્ક આકાર પામશે જેમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂં પાડવામાં આવશે. આ ટાઉનશીપ ઇન્ડો-જાપાન સંબંધોમાં મહત્વપૂર્ણ બની રહેશે.
જેટ્રોના ચેરમેન શ્રી હિરો પુકીએ જણાવ્યું હતું કે, આ સમિટથી જાપાની કંપનીઓ માટે ભારતમાં મૂડીરોકાણ માટેનો રોડમેપ તૈયાર થયો છે. જે ભારત જાપાન વચ્ચેના વ્યાપારિક સંબંધોને આગળ લઇ જવામાં મદદરૂપ બની રહેશે.
આ પ્રસંગે ગુજરાતમાં રોકાણ કરવા કરાર કરનાર ૧૫ કંપનીઓના પ્રતિનિધિઓ વિશેષરૂપે સ્ટેજ ઉપર ઉપસ્થિત થયા હતા. ભારત-જાપાન વચ્ચે કૌશલ્યવર્ધન, શિક્ષણ અને સહકાર ક્ષેત્રે થયેલા કરારની આપ-લે પણ કરવામાં આવી હતી.
અગ્રણી ઉદ્યોગપતિ અને સીઆઇઆઇના કો-ચેરમેન શ્રી બાબા કલ્યાણીએ ભારત-જાપાનની વાર્ષિક પરિષદના પરિપાકરૂપે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારી સંબંધો વધારવા ઉપર ભાર મૂકયો હતો. બન્ને દેશના વેપારી સંગઠનો વચ્ચે થયેલી મંત્રણાના અંતે દશસૂત્રીય રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને સશક્ત નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે, ભારત સરકાર દ્વારા કરમાળખામાં કરાયેલો સુધારો ઉત્સાહવર્ધક છે. જીએસટી ઉપરાંત સ્ટાર્ટઅપ, ડિઝીટલ ઇન્ડિયા જેવાં કદમો વિદેશી રોકાણને આકર્ષે છે.
આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, નાયબ મુખ્ય કેબિનેટ શ્રી યાશીતોષુ મારૂં, ભારત ખાતેના જાપાનના રાજદૂત શ્રી કેનજી હિરામાસુ, વિદેશ સચિવ શ્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોભાલ, સુભાષચંદ્ર, તરાકો યાચાના, તકાસી તિરાઇશી, રાજીવકુમાર, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા જાપાનનું વરિષ્ઠ પ્રતિનિધિમંડળ, વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.