નવી દિલ્હી
દેશમાં કોરોનાના કારણે આરોગ્ય ઉપરાંત વ્યાપાર-ધંધા અને આમ આદમીને પણ જે મોટો ફટકો પડયો છે અને હજુ સમગ્ર દેશમાં લોકડાઉન સહિતની સ્થિતિના કારણે અનિશ્ચિતતાનો માહોલ છે તેથી વધુ ફટકાનો ભય છે તે વચ્ચે કેન્દ્રની મોદી સરકારે રૂા.1.70 લાખ કરોડના કોરોના રાહત પેકેજની આજે જાહેરાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન અને રાજયમંત્રી અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ડાયરેકટ કેસ ટ્રાન્સફર કરવામાં આવશે અને ખાદ્ય સુરક્ષા હેઠળ ગરીબોને અનાજ સહિતની મદદ કરાશે.
80 કરોડ ગરીબોને ત્રણ મહિના ઘઉ અથવા ચોખા અને દાળ મફત અપાશે
નાણામંત્રીએ જાહેર કર્યુ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન હેઠળ દેશમાં કોઈપણ ગરીબ ભૂખ્યો ન રહે તે જોવામાં આવશે. 80 કરોડ લાભાર્થીઓને દર મહીને પાંચ કીલો ઘઉં અથવા ચોખા મફત અપાશે. આગામી ત્રણ મહીના સુધી આ યોજના અમલમાં રહેશે. જેની સાથે પ્રત્યેક પરિવાર દીઠ એક કીલો દાળ આપવામાં આવશે અને જે તે રાજયોમાં અથવા વિસ્તારોમાં જે દાળનું ચલણ હોય તે દાળ આપવામાં આવશે.
ગરીબ કલ્યાણ ધન યોજના હેઠળ લાભ
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ધન યોજના મુજબ ખેડુતો મનરેગા સાથે જોડાયેલા લોકો, ગરીબ વિધવા, ગરીબ પેન્શન ધારી અને દિવ્યાંગો અને જનધન ખાતા ધરાવતા મહિલાઓ, ઉજજવલા યોજના ધરાવતા લાભાર્થી મહિલાઓ તથા સખીમંડળો અને સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ, ક્નસ્ટ્રકશન કામ સાથે જોડાયેલા મજુરોને સરકાર મદદ કરી રહી છે.
ખેડુતોને તા.1ના રોજ રૂા.6000 ખાતામાં જમા થશે
અગાઉથી અમલમાં રહેલી પીએમ કીશાન સન્માન નીધી મુજબ ખેડુતોને જે રૂા.6 હજાર આપવામાં આવશે તે રકમ ચાલુ વર્ષે એક જ સાથે 1 એપ્રિલ બાદ ખેડુતોના ખાતામાં જમા થશે અને તેનો લાભ 8.69 કરોડ ખેડુતોને મળશે.
મનરેગાની મજુરી વધી
નાણામંત્રીએ જાહેર કર્યુ કે ગ્રામીણ વિસ્તારમાં જે મનરેગા યોજના ચલાવવામાં આવે છે તેમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ દીન રૂા.182ની મજુરી અપાઈ છે તે રૂા.202 કરવામાં આવી છે જેનાથી મજુરોને મહીને રૂા.2 હજાર વધારે મળશે અને તેનો લાભ પાંચ કરોડ મજુરોને મળશે.
ગરીબ વિધવા અને દિવ્યાંગોને 1-1 હજાર
નાણામંત્રીએ જાહેર કર્યુ કે ગરીબ વૃદ્ધો, ગરીબ દિવ્યાંગોને બે હપ્તામાં રૂા.1 હજાર આપવામાં આવશે. આગામી ત્રણ મહીના સુધીમાં દેશના ત્રણ કરોડ ગરીબોને ડાયરેકટ ટ્રાન્સફર હેઠળ તેના બેન્ક ખાતામાં આ રકમ જમા કરાશે.
જનધન ખાતા ધારક મહિલાઓને રૂા.1500
ના મહિણામંત્રીએ જાહેર કર્યુ કે દેશમાં 20 કરોડલાઓ જનધન ખાતુ ધરાવે છે તેને આગામી ત્રણ મહીના સુધી દર મહીને રૂા.500 તેના ખાતામાં જમા થશે. આમ ત્રણ મહીનામાં રૂા.1500 મળશે.
ત્રણ મહિના મફત ગેસ સીલીન્ડર
નિર્મલા સીતારામને જાહેર કર્યુ કે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના હેઠળ દેશના 8 કરોડ ગરીબ મહિલાઓને ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. હવે તેમને આ વિકટ સ્થિતિમાં આગામી ત્રણ મહીના સુધી ત્રણ ગેસ સીલીન્ડર મફત આપવામાં આવશે.
સખીમંડળોને રૂા.20 લાખનું ધિરાણ
દેશમાં સખીમંડળો સહિતના નામે મહિલાઓ સ્વયં રોજગાર સર્જન કરે છે. દેશમાં આ પ્રકારના 63 લાખ સમુહ છે અને તેમાં 7 કરોડ પરિવારો જોડાયેલા છે. જેઓને હાલ રૂા.10 લાખની લોન કોઈ ગેરેન્ટી વગર મળે છે તે વધારીને રૂા.20 લાખ કરાઈ છે.
સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને પણ લાભ
દેશમાં સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને સરકાર તેમના હાથમાં નાણા આપશે અને તેના પીએફમાં પણ રકમ જમા કરાવશે. જે સંસ્થાઓમાં 100થી વધુ કર્મચારી છે અને જેમનું વેતન રૂા.15000 થી ઓછુ છે. સરકાર ત્રણ મહીના સુધી કર્મચારી અને કંપની બંનેનું કન્ટ્રીબ્યુશન સરકાર ભરશે. જેનો લાભ 4 લાખ કંપનીઓના 10 લાખ કર્મચારીઓને થશે. આ ઉપરાંત પીએફના નિયમો સુધારીને કર્મચારી 75 ટકા રકમ અથવા ત્રણ મહીનાના વેતનની રકમ બે માંથી જે ઓછુ હોય તે પોતાના ખાતામાંથી ઉપાડી શકશે જેનો લાભ 4.8 કરોડ કર્મચારીને મળશે.
બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા મજુરોને મદદ
રાષ્ટ્રીય નિર્માણ અને અન્ય નિર્માણ કાર્યમાં જોડાયેલા કામદારોને સરકાર મદદ કરવા જઈ રહી છે. જો કે તેમાં સરકારી પ્રોજેકટ અને ખાસ કરીને કર્મચારીઓ સાથે જોડાયેલા પ્રોજેકટમાં કામકાજમાં 3.50 કરોડ રજીસ્ટ્રેડ કામદારો છે તેના ભંડોળમાં રૂા.31 હજાર કરોડ પડયા છે તેમાંથી મદદ કરવા રાજયને જણાવાશે.
ડીસ્ટ્રીકટ મીનરલ ફંડ
કોરોના સામે લડી રહેલી રાજય સરકાર પાસે આ પ્રકારનું ભંડોળ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કોરોના સામેની તબીબી ચકાસણી, સારવાર, દવાઓમાં કરી શકશે.
કોરોના સામેના જંગમાં સામેલ તબીબ, નર્સ, આશાવર્કર સહિતને રૂા.50 લાખનો વિમો
દેશમાં કોરોનાના કારણે હાલ આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ માટે પણ સરકારે ચિંતા કરી છે અને જેઓ કોરાના સામેના જંગમાં સ્પેશ્યલ ડયુટી પર હાલ કામ કરી રહ્યા છે. તેમાં દરેકને રૂા.50 લાખનું વિમા કવર આપવામાં આવશે. જેમાં સફાઈ કર્મચારીઓ, આશાવર્કર, ડોકટર, નર્સ તથા પેરામેડીકલ સ્ટાફનો સમાવેશ થાય છે અને તેઓને સુરક્ષા છત્ર તરીકે રૂા.50 લાખનું વિમા કવચ જયાં સુધી કોરોનાનો જંગ પુરા ન થાય ત્યાં સુધી આપવામાં આવશે.
(વિગત સાભાર - સાંજ સમાચાર)