સત્ય વચન, નિર્મળ મન, અને કપટ રહિત
એ જ સત્ય, પ્રેમ અને કરુણા : શ્રી મોરારિબાપુ
તુલસી જન્મોત્સવ પ્રસંગે વાલ્મીકિ, વ્યાસ અને તુલસી પદક અર્પણ
મહુવા
તુલસી જન્મોત્સવ પ્રસંગે મહુવામાં બુધવારે વિદ્વાન કથા ગાયકોને વાલ્મીકિ, વ્યાસ અને તુલસી પદક અર્પણ કરતા શ્રી મોરારિબાપુએ કહ્યું કે, તુલસીની ચોપાઈમાં રહેલ સત્ય વચન, નિર્મલ મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ અને કરુણા છે.
મહુવા - કૈલાસ ગુરુકુળમાં જગદ્દગુરુ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં શનિવાર તા.3થી પ્રારંભાયેલ તુલસી સાહિત્ય વિચાર સંગોષ્ઠિઓમાં મંગળવાર તા.6 દરમિયાન પસંદ કરાયેલા વિદ્વાન કથાકારોએ તુલસી રામચરિત માનસ આસપાસ સુંદર ઉદ્દબોધનો આપ્યા.
શ્રી મોરારિબાપુના હસ્તે બુધવારે વિદ્વાન કથાગાયકોને વિવિધ સન્માન પદકો અર્પણ કરાયા જેમાં વાલ્મીકિ પદક શ્રી જગદ્દગુરુ રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવાચાર્યજી મહારાજને, વ્યાસ પદક શ્રી સ્વામી ગોવિંદગિરિજી મહારાજને, અને તુલસી પદકોમાં મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરીદેવીજી, સ્વામી શ્રી મૈથિલીશરણજી તથા પંડિત શ્રી શિવાકાંત મિશ્ર 'સરસ'નો સમાવેશ થાય છે.
તુલસી જન્મોત્સવ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, તુલસીની ચોપાઈમાં રહેલ સત્ય વ કથા ચન, નિર્મળ મન અને કપટ રહિત એ જ સત્ય, પ્રેમ અને કરુણા છે. તેઓએ સુંદર શીખ આપતા કહ્યું કે, કોઈ પણ કથા ગાયક પોતાની જાતને નેનો ન સમજે. શંકર માટે કામ એ શત્રુ ન હતો, કામ માટે શંકર શત્રુ હતા. આ વાત કરી શ્રી મોરારિબાપુએ કહું કે, શિવભક્તને કોઈમાં પણ શત્રુભાવ દેખાય તે શોભાયમાન નથી.
અયોધ્યાની માનસ ગણિકા કથા સંદર્ભે થયેલી ટીકા ટીપ્પણનો ખેદ વ્યક્ત કરતા શ્રી મોરારિબાપુએ જવાબ આપ્યો કે ભગવાન રામ ગણિકાનો ઉદ્ધાર કરી શકે તો મને કથા કરવામાં કોઈ વાંધો નથી. તેઓએ આ ગુરુકુળને કથાકુળ ગણાવી, સૌને આવતા રહેવા કહ્યું.
અહીં સન્માનિત શ્રી જગદ્દગુરુ સ્વામી વાસુદેવાચાર્યજી દ્વારા થયેલા ઉદ્દબોધનમાં જણાવાયું કે વાલ્મીકિ રામાયણ અને તુલસી કૃત રામાયણમાં ઉભા થતા પ્રશ્નોનું અરસપરસ સમાધાન મળે છે. હિત ઉપદેશ એટલે શાસ્ત્ર. વેદથી બીજું કોઈ શાસ્ત્ર નથી. તેઓએ રામાયણના રામ વનવાસ પ્રસંગોનું વર્ણન કર્યું.
શ્રી મોરારિબાપુ સંદર્ભે 'પ્રિય બાપુ અને રામકથા' પ્રકાશનનું લોકાર્પણ અહીં થયું. સંપાદક શ્રી સુમનભાઈ શાહ તથા અવલોકનકાર શ્રી વિનોદ જોષીએ પોતાની વાત રજૂ કરી.
શ્રી હરિશ્ચન્દ્ર જોષીના સંચાલન તળે આ કાર્યક્રમ પ્રારંભે શ્રી પાર્થિવભાઈ હરિયાણી, શ્રી હરિદાસ શાસ્ત્રી અને સંગીતવૃંદ દ્વારા વિનયપત્રિકા ગાન રજૂ થયા હતા.
કૈલાસ ગુરુકુળના સંયોજક શ્રી જયદેવભાઇ માંકડ સાથે કાર્યકર્તા અને વિદ્યાર્થીઓએ સુંદર વ્યવસ્થા સાંભળી હતી.