400 કરતાં વધારે કરોડપતિ સાંસદોમાંથી કેટલાએ કોરોના માટે પોતાના ખિસ્સામાંથી દાન કર્યું….!?
લોકોના ટેક્સમાંથી મળતા પગારભથ્થાનું દાન કરીને જન પ્રતિનિધિઓએ કાંઇ મીર માર્યો નથી, લોકોના હતા-લોકો માટે આપ્યા…એમાં શું…?
ગાંધીનગર
ગુજરાત અને દેશ હાલમાં કોરોના મહામારીના સંક્ટમાંથી પસાર થઇ રહ્યું છે. ગુજરાતમાં રોજે રોજ કેસો વધી રહ્યાં છે. આજે 21 એપ્રિલના રોજ સવારના બિરફિંગમાં 127 નવા કેસોની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં પણ કોરોનો કેસોની સંખ્યા 18 હજારની નજીક પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે કોરોનાને હરાવવા જંગ જાહેર કર્યો છે. અને તેનો સામનો કરવામાં આર્થિક મદદ માટે પીએમ કેરમાં ફંડ માટે અપીલ બહાર પાડી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર જે અંદાજે 3900 કરોડ થાય છે, તે દાન કર્યું છે. કેન્દ્રના મંત્રીઓના પગાર-ભથ્થામાં 30 ટકાનો કાપ મૂકાયો છે. સાસંદોને તેમના મત વિસ્તારના કામો માટે મળતી વર્ષે 5 કરોડની ગ્રાન્ટ બે વર્ષ માટે રદ્દ કરી છે. અથવા તો એમ કહો કે સાંસદોએ પોતાના મતવિસ્તારની ગ્રાન્ટની રકમ પીએમ કેરમાં આપી છે. ધારાસભ્યોના પગાર ભથ્થામાં પણ 30 ટકાનો કાપ મૂકાયો છે. અલબત્ત સાંસદો અને ધારાસભ્યોને એક દિવસની પણ હાજરી પૂર્યા વગર મહિને લાખ-દોઢ લાખનો પગાર પ્રજાના ટેક્સની રકમમાંથી મળે છે તે એક અલગ વાત થઇ. પરંતુ સંસદસભ્યો અને ધારાસભ્યોએ જે દાન પીએમ કેર ફંડમાં આપ્યું તે શું તેમણે પોતાના ખિસ્સામાંથી કે પોતાની અંગત આવકમાંથી આપ્યું છે….?
2019ની લોકસભા ચૂંટણી બાદ એડીઆર નામની એક એનજીઓ દ્વારા ચૂંટાયેલા સાંસદોની એફિડેવિટમાંથી માહિતી મેળવીને જે આંકડા બહાર પાડવામાં આવ્યાં તે દર્શાવે છે કે 543 સાસંદોમાંથી 88 ટકા સાંસદો કરોડપતિ છે….! એટલે કે 400 કરતા પણ વધારે સાંસદો કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 21 કરોડ જેટલી છે. આ સંપત્તિ એક નંબરની છે. 88 ટકામાંથી બની શકે કે કોઇની પાસે તેના કરતાં પણ વધારે હોઇ શકે. ઉપરાંત 543માંથી જે 88 ટકા સાંસદો કરોડપતિ છે તે 88 ટકા સાંસદોમાંથી 88 ટકા સાંસદો એટલે કે 227 ભાજપના છે, 84 ટકા કોંગ્રેસના છે.
ગુજરાતના 26 સાંસદૌની એફિડેવિટનો અભ્યાસ કરીને એડીઆર દ્વારા જાહેર કરાયું હતું કે 26માંથી 21 સાસંદો કરોડપતિ છે. અને આ તમામ 26 સાંસદો ભાજપના છે. 26માંથી સૌથી વધુ કરોડપતિ નવસારીના સીઆર પાટિલ છે. જેમણે 44 કરોડની સંપત્તિ જાહેર કરી હતી ઉમેદવારી નોંધાવતી વખતે.
આંકડાકિય માહિતી પૂરવાર કરે છે કે કોઇ સાંસદ ગરીબ નથી. 400 કરતાં વધુ સાંસદો કાયદેસર કરોડપતિ છે. તેમ છતાં તેમણે કોરોના સામેની લડાઇમાં સરકારી ગ્રાન્ટ સિવાય પોતાના અંગત નાણાંમાંથી કેટલા આપ્યાં….? કેટલા સાંસદોએ પોતાના મતવિસ્તારમાં રહેતા ગરીબ મતદારો માટે જમવાની વ્યવસ્થા કરી….કેટલાએ પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી કોરોનાના સમયગાળામાં અને કેટલા સાંસદો પોતાના જે મતદારો હોસ્પિટલમાં દાખલ થયાં કોરોનાને કારણે, તેમની ખબર કાઢવા ગયા ….?
કેટલા કરોડપતિ સાંસદોએ પરપ્રાંતના ગરીબ લાચાર લોકો માટે, જેમને તેમના વતન પહોંચાડવાની જાતે અને પોતાના ખિસ્સામંથી ખર્ચ કર્યો હોય…? ચૂંટણીમાં દિવસો સુધી રસોડા ચલાવનારા કેટલા સાંસદો અને ધારાસભ્યોએ કોરોનાથી રોજીરોટી ગુમાવનારા માટે રસોડા ચલાવ્યાં…? ચિત્ર તો એવું ઉપસે છે કે ચૂંટણી વખતે મતદાર હતો નાથાલાલ અને ચૂંટણી પત્યા બાદ નાથિયો બનેલા એ જ મતદારને મળે તો મોઢુ ફેરવી લે- હમ આપકે હૈ કૌન….! મતલબ નિકલ ગયા તો પહચાનતે નહીં…..!!
ગુજરાતમાં 26માંથી 21 સાસંદો કરોડપતિ અને તેમાંથી 4 જણાંની સંપત્તિ 40 કરોડ કરતાં વધારે તેમ છતાં કેટલા સાંસદોએ સરકારી ગ્રાન્ટ અને સરકારી પગાર કે જે લોકોના ટેક્સના જ પૈસા છે, તે સિવાય પોતાના ખિસ્સામાંથી કેટલા લાખ કે કરોડ પીએમ કેરમાં કોરોના સામેની લડEf માટે આપ્યા….? કહેનારાઓ તો ત્યાં સુધી કહે છે કે રાંધણ ગેસની 200-300 રૂપિયાની સબસીડી નહીં છોડનારા જનપ્રતિનિધિઓએ પોતાની અંગત આવકમાંથી શું આપ્યું હશે પીએમ કેર ફંડમાં….?!
ચૂંટણીમાં વોટ માટે ઘરે ઘરે જઇને ખબર અંતર પૂછનારા ચૂંટાયેલા સાંસદો- ધારાસભ્યો-કોરપોરેટરોમાંથી કેટલાએ પોતાના મતવિસ્તારમાં કોરોનાગ્રસ્ત વિસ્તાર કે પરિવારની મુલાકાત લીધી…?
અમદાવાદમાં આખો કોટ વિસ્તાર કોરોનાગ્રસ્ત છે. ભાજપ કે કોંગ્રેસના કેટલા જનપ્રતિનિધિઓએ કોરોના માટે મુલાકાત લીધી…?
જે તે પક્ષના ઉમેદવારેને વોટ આપનારા મતદારોએ પણ યાદ રાખવુ જોઇએ કે કોરોનીની મહામારી વખતે કેટલા આગેવાનોએ તેમની સારસંભાળ લીધી…?
કેટલા ધારાસભ્યો અને સાંસદોએ હોસ્પિટલમાં જઇને કોરોનાના દર્દીના હાલચાલ પૂછ્યા…?
પુલવામા વખતે શહિદોના ઘરે જવા માટે લાઇ લાગતી હતી અને કોરોનાના જંગમાં શહિદ થનાર મતદારના ઘરની કેટલાયે મુલાકાત લીધી…? સાચો જનપ્રતિનિધિ એ કહેવાય કે જે જાન હૈ તો જહાન હૈ….માં નહીં પણ મતદાતા હૈ તો જહાન હૈ…માં માનતો હોય…!
- પ્રવિણ ઘમંજે (GNS)