જમ્મુ કાશ્મીરમાં આજ સુધીનો સૌથી મોટો ફિદાયીન હુમલો - 42 જવાનોના પ્રાણ લીધા
વિસ્ફોટક ભરેલું વાહન અથડાવી કાફલાને નિશાન બનાવ્યું - દેશભરમાં સન્નાટો - દુઃખદ પ્રત્યાઘાતો શરુ
જમ્મુ
જમ્મુ કાશ્મીરમાં સેના પરના આજ સુધીના સૌથી મોટા ફિદાયીન હુમલામા કેન્દ્રીય અનામત પોલીસ બળના 42થી વધુ જવાનોના પ્રાણ લીધા છે. આ ઘટનાથી દેશભરમાં સન્નાટો ફેલાયો છે. દુઃખદ પ્રત્યાઘાતો શરુ થયા છે. હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ એ મહમ્મદ દ્વારા વિસ્ફોટક ભરેલું વાહન અથડાવી કાફલાને નિશાન બનાવ્યું અને ઘટનાને અંજામ આપ્યો છે.
સામાન્ય આતંકી ગતિવિધિ બાદ આજે સેનાએ અને સરકારને ભારે મોટો પડકાર ફેંકી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પુલવામાં પાસે આતંકવાદી હુમલામાં ભારતીય જવાનોએ પોતાનો ભોગ આપવો પડ્યો છે.
આ હુમલાની વિગતો મુજબ આજે બપોરે લગભગ 3.15 કલાક દરમિયાન પુલવામાં પાસે લેથપોરામાં આ ઘટનાને અંજામ અપાયો છે. કેન્દ્રીય અનામત પોલીસ બળની ટુકડીઓ જમ્મુથી શ્રીનગર જઈ રહેલ. 78 વાહનોનો આ કાફલો 2500 જવાનોને લઈ જઈ રહેલ તે સમયે વિસ્ફોટક ભરેલી ગાડી જવાનોના વાહન સાથે અથડાવી વિસ્ફોટ કરતા જવાનોના વાહનના ફુરચા ઉડાવી દેવામાં આતંકી સફળ રહ્યા હતા.
ફિદાયીન હુમલામાં આ સમાચાર લખાય છે, ત્યાં સુધીમાં બિનસત્તાવાર રીતે 42થી વધુ જવાનોએ પ્રાણ ગુમાવી બલિદાન આપ્યા છે, જયારે હજુ એટલા જ ઘાયલ સ્થિતિમાં છે. ભોગ બનનાર જવાનો પૈકી મોટાભાગના પોતાની રજા ભોગવી ફરજમાં જોડાવા જઈ રહ્યા હતા.
સેના સાથેના આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મહમ્મદે લીધી છે. હુમલો થયેલ વાહનનો ચાલક આત્મઘાતી હોઈ સેનાના આ વાહનોના કાફલામાં ઘુસી ગયેલ.
સેના પરના આ હુમલાની ઘટનાથી સમગ્ર રાષ્ટ્રમાં ભારે આઘાતના પડઘા પડ્યા છે, જે સરકાર માટે શરમજનક બાબત છે. દેશમાંથી દુઃખદ પ્રત્યાઘાતો શરુ થયા છે.