મહુવા તથા તલગાજરડામાં તુલસી જન્મોત્સવ

શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં મહુવા તથા તલગાજરડામાં તુલસી જન્મોત્સવ મનાવશે 
વાલ્મિકી, વ્યાસ તથા તુલસી પદક અર્પણ સમારોહ અને તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે 

ઈશ્વરિયા સોમવાર તા.08-07-2019

     શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં પાંચ દિવસ દરમિયાન મહુવા તથા તલગાજરડામાં તુલસી જન્મોત્સવ મનાવશે. અહીં વાલ્મિકી, વ્યાસ તથા તુલસી પદક સન્માન અર્પણ સમારોહ અને વિદ્વાનો દ્વારા તુલસી સાહિત્ય સંગોષ્ઠી યોજાશે.

     દર વર્ષની માફક આવર્ષે પણ શનિવાર તા.03થી બુધવાર તા. 07 દરમિયાન તુલસી જન્મોત્સવ માં વિવિધ વિદ્વાન વક્તાઓ દ્વારા મહુવા કૈલાસ ગુરુકુળ જગદ્દગુરુ શંકરાચાર્ય સંવાદગ્રહ ખાતે સંગોષ્ઠિ યોજાશે, જે નીચે મુજબ સમયે રહેશે. શનિવાર તા.03 સાંજે 04 થી 07 કલાક, રવિવાર તા. 04 સવારે 09-30થી બપોરે 12-30 કલાક તથા સાંજે 04થી 07 કલાક, સોમવાર તા.05 સવારે 09-30થી બપોરે 12-30 કલાક તથા સાંજે 04થી 7 કલાક સંગોષ્ઠિ યોજાશે અને મંગળવાર તા.06 સવારે 09-30થી બપોરે 12-30 કલાક તથા સાંજે 04થી 07 કલાક પુરસ્કૃત વિદ્વાનો દ્વારા સંગોષ્ઠિ યોજાશે.

     બુધવાર તા.07 તુલસી જન્મ દિવસ પ્રસંગે ચિત્રકુટધામ તલગાજરડા ખાતે સન્માન અર્પણ સમારોહ યોજાશે. આ સમારોહમાં વાલ્મિકી પદક અયોધ્યાના જગદ્ગુરુ શ્રી રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવાચાર્યજી મહારાજ, શ્રી વિદ્યાભાસ્કર સ્વામીજીને, વ્યાસ પદક હરિદ્વાર - પુણેના  સ્વામી શ્રી ગોવિંદગિરિજી મહારાજને અર્પણ કરાશે અને    તુલસી પદક મોરબી ગુજરાતના મહામંડલેશ્વર શ્રી માં કનકેશ્વરીદેવીજીને, ઋષિકેશ - ચિત્રકુટના સ્વામીશ્રી મૈથિલીશરણજી તથા વારાણસીના પંડિત શ્રી શિવકાંત મિશ્ર 'સરસ'ને અર્પણ કરાશે. આ વિદ્વાનોને સુત્રમાળા, વંદનાપત્ર, ચાદર અને સન્માન રાશિ વડે વંદના કરશે તેમ શ્રી મોરારિબાપુ વતી શ્રી હરિશચંદ્ર જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે.