રાષ્ટ્રને સત્ય વચન કહેનાર સંત મુનિની ખોટ
નવી દિલ્હી તા. ૧ઃ
'કડવા વચન'થી વિખ્યાત બનેલા પ૧ વર્ષિય જૈન મુનિ તરૃણ સાગર મહારાજ કાળધર્મ પામ્યા છે. કમળાની સારવાર લીધા પછી તેઓએ સંથારો લીધો હતો.જેમની અંતિમ વિધિ બપોરે કરવામાં આવી.
જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરૃણ સાગરજી મહારાજની વિદાયથી રાષ્ટ્રને સત્ય વચન કહેનાર સંત મુનિ ની ખોટ પડી છે.તેઓ થોડા સમયથી બીમાર હતાં. તેમને ત્રણ સપ્તાહ પહેલા કમળો થયો હતો. ઘણાં સમયથી સારવાર ચાલતી હોવા છતાં તબિયત સુધરી ના હતી. અંતે આજે વહેલી સવારે કાળધર્મ પામ્યા હતાં. તેઓના અંતિમ સંસ્કારની વિધિ આજે બપોરે ઉત્તર પ્રદેશમાં આવેલ તરૃણસાગરમ્ તીર્થ પર કરવામાં આવી. અંતિમ યાત્રા દિલ્હીના રાધેર પરથી શરૃ થઈને દૂર તરૃણસાગરમ્ પહોંચી હતી ત્યારે તેમના ભાવિકો ખુબ રુદન કરતા રહ્યા હતા.
તરૃણ સાગર તેમના 'કડવા પ્રવચન' માટે ખૂબ પ્રખ્યાત રહ્યા તેથી તેમને ક્રાંતિકારી સંત પણ કહેવામાં આવે છે. તેમનું કડવા પ્રવચન નામનું એક પુસ્તક પણ ખૂબ પ્રખ્યાત છે. સમાજના વિવિધ વર્ગને એકજૂટ કરવામાં તેમણે ખૂબ પ્રયાસ કર્યો છે. મધ્યપ્રદેશ અને હરિયાણા વિધાનસભામાં પણ તેમણે પ્રવચન આપ્યા છે. હરિયાણા વિધાનસભામાં તેમના પ્રવચનના કારણે ઘણો વિવાદ થયો હતો.આ સિવાય પણ તેમના પ્રવચનોના કારણે ઘણા વિવાદો રહેવા પામ્યા હતા, પરંતુ તે કડવા અને સત્ય વચનો માટે મક્કમ રહ્યા હતા. મધ્યપ્રદેશ સરકારે ૬ ફેબ્રુઆરી ર૦૦ર માં તેમને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો.
મુનિ તરૃણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન. તેમનો જન્મ દમોગ (મધ્યપ્રદેશ)ના ગુહજી ગામમાં ર૬ જૂન ૧૯૬૭ માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર હતું. મુનિશ્રીએ ૮ માર્ચ ૧૯૮૧માં ઘર છોડી દીધું હતું. ત્યારપછી તેમણે છત્તીસગઢમાં દીક્ષા લીધી હતી.
જૈન ધર્મ પ્રમાણે મૃત્યુને નજીક જોઈને અમુક વ્યક્તિઓ ખાવા-પીવાનો ત્યાગ કરી દે છે. જૈન શાસ્ત્રોમાં આ પ્રમાણેના મૃત્યુને સંથારા અથવા સંલ્લેખના (મૃત્યુ સુધીના ઉપવાસ) કહેવામાં આવે છે. તેને જીવનની અંતિમ સાધના પણ માનવામાં આવે છે. રાજસ્થાન અદાલતે ર૦૦પમાં તેને આત્મહત્યા જેવું ગણાવીને ભારતીય બંધારણમાં ૩૦૬ અને ૩૦૯ ની કલમ અંતર્ગત ગુનો ગણાવ્યો છે. દિગંબર જૈન પરિષદે અદાલતના આ નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન અદાલતના આ નિર્ણય પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
'કડવા વચન'થી વિખ્યાત બનેલા પ૧ વર્ષિય જૈન મુનિ તરૃણ સાગરની વિદાયથી રાષ્ટ્રને સત્ય વચન કહેનાર સંત મુનિની ખોટ પડી છે,જેમની અંતિમ વિધિ બપોરે કરવામાં આવી.