ઉત્તર પ્રદેશ આંધી પીડિતો અને વિચરતી જાતિ માટે ગુજરાતની સંસ્થાને શ્રી મોરારિબાપુ દ્વારા રૂપિયા 7 લાખની સહાય અર્પણ
કુંઢેલી
શ્રી મોરારિબાપુ દ્વારા દેશ અને અને દુનિયામાં રામકથા સાથે વિવિધ સામાજિક રચનાત્મક કાર્યો તો છે, તેમજ પ્રાકૃતિક આપડા, અકસ્માતોમાં પીડિતોને સહાય કરવાનું કાર્ય તેઓ દ્વારા થઈ રહયુ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનના ભોગ બનેલા મુસ્લિમ પરિવારોને અને ગુજરાતમાં વિચરતી જાતી માટે કાર્યરત સંસ્થાને મળી કુલ રૂપિયા 7 લાખની સહાય અર્પણ કરાઈ છે.
ઉત્તર ભારતના અનેક પ્રાંતો ગરમીના દિવસોમાં આંધી અને તોફાન માટે જાણીતા છે. ગરમ હવાને કારણે અચાનક પવનની આંધી, રેતીનું તોફાન અને કમોસમી વરસાદ ઉત્તર ભારતના અનેક પ્રાંતો માટે સ્વાભાવિક છે. થોડા દિવસો પૂર્વે ઉત્તર પ્રદેશના રાજાપુર જીલ્લાના સરબલ નામના ગામમાં આવી જ એક ભયાનક આંધીને કારણે તોફાન આવેલું જેમાં અનેક મકાનો આગ લાગવાને કારણે બળી ગયા હતા. એ ગામમાં મુખ્ય વસ્તી મુસ્લિમ લોકોની છે. જેમના ચાલીસથી વધુ મકાનો બળી જતાં મોરારિબાપુએ તેમને સહાય મોકલવા જણાવેલ જે રામકથાના બનારસના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવેલ છે. જેની રાશી બે લાખ છે.
ગુજરાતમાં વિચરતી જાતી માટે કાર્યરત અને જેને અનેક સન્માનો પ્રાપ્ત થયા છે તેવી સુશ્રી મિત્તલ પટેલને તેની સંસ્થા દ્વારા થતાં કાર્યોમાં સહાયભૂત થવાનાં હેતુથી પાંચ લાખની સહાય શ્રી મોરારિબાપુ દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે, થોડા સમય પહેલા વિશાખાપટ્ટનમ નજીક ગેસ દુર્ઘટના થયેલી જેના હતભાગી પરિવારોને 11 લાખ મોકલવા નક્કી થયેલું જે રકમ પહોંચાડવામાં અમુક વહીવટી મુશ્કેલીઓ ઉભી થઈ છે અને તેથી એ રકમ હજુ વપરાયા વિના પડી છે જેથી એ રકમનો ઉપયોગ સેવાના કોઈ અન્ય પ્રકલ્પમાં કરવામાં આવશે, તેમ શ્રી જયદેવભાઈ માંકડની સમાચાર યાદી દ્વારા જણાવાયું છે.