કોરોના - શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

કોરોના મહામારીના સમયમાં શ્રી મોરારિબાપુ દ્વારા ત્રણ કરોડની સહાય

ગેસ ગળતરથી મૃત્યુ પામેલા - રેલ્વે ટ્રેક પર કચડાઈ જવાથી જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને  સહાયતા

મહુવા 

અચાનક આવેલી કોરોના મહામારી સમગ્ર વિશ્વ માટે એક પ્રશ્ન બની ગઈ છે. વૈશ્વિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ઉઠ્યું છે. દેશની સરકાર દ્વારા આ મહામારીને નાથવાના તાત્કાલિક ઉપાયરૂપે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. આ એક અનિવાર્ય કદમ હતું, પરંતુ તેને કારણે જે લોકો દરરોજ કમાઈને પોતાનું ઘર ચલાવતા હતા તેમના માટે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો. તે જ રીતે જેઓ નાનાં વ્યવસાય દ્વારા આજીવિકા પ્રાપ્ત કરતાં હતા તેઓને પણ આ લંબાતા જતા લોકડાઉનને લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો.

        આવી તમામ સ્થિતિને ધ્યાનમાં રાખતાં શ્રી મોરારિબાપુની સુચનાનુસાર અને એમનાં વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂપિયા ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરુવાતના સમયમાં જ લંડન સ્થિત શ્રી રમેશભાઈ સચદેવ દ્વારા પૂજ્ય બાપુની સુચનાનુસાર પ્રધાનમંત્રી ફંડમાં રૂપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. એ પછીથી મહુવા તાલુકાના વંચિત પરિવારો હોય કે રાજસ્થાનના લોક ગાયકો હોય, બાપુ દ્વારા કેશ અને અનાજની કીટ સ્વરૂપે અવિરત સહાય પહોંચી રહી છે. સાત હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. એ ઉપરાંત કોરોના મહામારીને નાથવાન કાર્યમાં લાગેલા  મેડીકલ, પોલીસ અને સફાઈ કર્મિઓ વગેરે માટે રૂપિયા છ લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન થયેલ છે. અલંગમાં અનેક પરપ્રાંતિય મજુરો માટે ભોજન રસોડું શરુ થયું અને એ પ્રમાણે મહુવામાં ‘ભૂખ્યાંને ભોજન’ સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિને ૨૫ લાખની સહાય મોકલવામાં આવેલ. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે.

        જયારે જ્યારે આવી વિકટ સ્થિતિ આવી છે ત્યારે પૂજ્ય બાપુની સંવેદના સમાજના તમામ લોકો માટે સમાનભાવે વહી છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશના અનેક પ્રાંતોમાં રૂપિયા ત્રણ કરોડ જેટલી આર્થિક અને ચીજ વસ્તુની સહાય પહોંચાડવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમ નજીકના ગામે ગેસ ગળતરથી મૃત્યુ પામેલા ૧૧ લોકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા એક લાખ એમ કુલ ૧૧ લાખની સહાય પહોંચતી કરવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના ૧૬ કમભાગી લોકો કે જેમને રેલ્વે ટ્રેક પર કચડાઈ જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને પણ પ્રત્યેકને પાંચ-પાંચ હજારની સહાયતા રાશી પહોંચતી કરવામાં આવી રહી છે. વિશ્વના અનેક દેશોમાં બાપુની રામકથાના શ્રોતાઓ છે જેઓ પોતાના દેશમાં જ જરૂરિયાતમંદ લોકોને સહાયભૂત બને તેવું માર્ગદર્શન બાપુએ આપ્યું છે જે રકમ ત્રણ કરોડથી પણ વધુ થવા જાય છે.

ગરમીના દિવસો, લોકડાઉનની સ્થિતિને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોનું મનોબળ જળવાઈ રહે, પ્રસાશનને લોકો મદદરૂપ બને, ડીપ્રેશનની માનસિકતા ન ઉદ્ભવે તેવા હેતુથી છેલ્લાં ૪૯ દિવસોથી દરરોજ બાપુ દ્વારા કોઈને કોઈ વિષયને કેન્દ્રમાં રાખી એક હરિકથા કહેવામાં આવી રહી છે જેનું આસ્થા ચેનલ અને યુ ટ્યૂબ પર પ્રસારણ થાય છે જેનું પાકિસ્તાન, યુ એ ઈ અને વિશ્વના ૧૭૦ દેશોના લોકો શ્રવણ કરી રહ્યા છે, તેમ શ્રી જયદેવભાઇ માંકડની યાદી  દ્વારા જણાવાયું  છે.