પ્રધાનમંત્રી શ્રી જવાનો સાથે દિવાળી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે

જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી 

ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારથી દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે.

હર્શિલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડમાં હર્શિલમાં ભારતીય સેના અને આઇટીબીપીનાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે જવાનોને શુભેચ્છા આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દૂર બર્ફીલી પર્વતમાળાઓ પર તમે બધા દેશની સુરક્ષા કરો છો. તમારું આ કર્તવ્ય દેશનાં 125 કરોડ ભારતીયોનાં ભવિષ્ય અને સ્વપ્નોને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે, દિવાળી પ્રકાશનું પર્વ છે. આ પર્વ સદ્ઘગુણોનો પ્રકાશ ફેલાવે છે અને ભયને દૂર કરે છે. તેમણે કહ્યું હતું કે, તમે બધા જવાનો તમારી પ્રતિબદ્ધતા અને શિસ્તનાં માધ્યમથી સામાન્ય લોકોનાં મનમાં સુરક્ષા અને નીડરતાની ભાવના ભરી રહ્યાં છો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, તેઓ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં, ત્યારથી દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે. વર્ષો પહેલા કૈલાશ તેઓ માનસરોવરની યાત્રા પર આવ્યા હતાં, આઇટીબીપીનાં જવાનો સાથે તેમણે એ સંસ્મરણો તાજા કર્યા હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત ઝડપથી સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. તેમણે ભૂતપૂર્વ સૈનિકોનાં કલ્યાણ માટે ઓઆરઓપી (વન રેન્ક, વન પેન્શન) સહિત સરકારનાં વિવિધ પગલાંઓ પર પોતાની વાત રજૂ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સેના સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ જાળવવાનાં કાર્યમાં સંપૂર્ણ વિશ્વમાં પ્રશંસા મેળવી રહી છે.

પ્રધાનમંત્રીએ જવાનોને મીઠાઈ અર્પણ કરી હતી. તેમણે આસપાસનાં વિસ્તારનાં લોકો સાથે પણ વાતચીત કરી હતી, જેઓ દિવાળીનાં પાવન પર્વ પર તેમને શુભેચ્છા આપવા એકત્ર થયાં હતાં.