કૈલાસ માનસરોવર યાત્રા માટે હવે એક બે દિવસ જ લાગશે
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે ધારચુલાથી લિપુલેખ સુધી જોડતા માર્ગનું ઉદ્ઘાટન કર્યું
દહેરાદૂન
કૈલાસ-માનસરોવરના તીર્થયાત્રી માટે ખુશખબર છે કે હવે આ યાત્રા માટે એક બે દિવસ જ લાગશે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કૈલાસ-માનસરોવર યાત્રા માર્ગ પર ધારચુલાથી લિપુલેખ (ચીન સીમા) સુધી જોડતા માર્ગનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે. આ નવા રસ્તા પરથી તીર્થયાત્રીઓ એક-બે દિવસમાં જ સડક માર્ગથી કૈલાસ-માનસરોવરની યાત્રા કરીને ભારત પરત ફરશે.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ગઇકાલે આ વિશેની જાણકારી આપી છે. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 80 કિલોમીટર લાંબો આ માર્ગ છેલ્લા વર્ષોથી તૈયાર થઈ રહ્યો હતો. કૈલાસ-માનસરોવરની યાત્રામાં અત્યાર સુધી 2થી 3 અઠવાડિયાનો સમય લાગતો હતો પણ હવે આ નવા માર્ગના નિર્માણ પછી માત્ર એક-બે દિવસની અંદર તીર્થયાત્રીઓ યાત્રા શકશે.
રાજનાથ સિંહે ટ્વિટ કરી આ વિગતો આપતી વેળાએ આ રસ્તાના નિર્માણમાં વ્યસ્ત બીઆરઓ એન્જિનિયર્સનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ ઇજનેરોની મહેનતથી આ ઉપલબ્ધિ સંભવ થઈ શકી છે. બીઆરઓની ટીમે ગત વર્ષોમાં ખૂબ સારું કામ કર્યું છે અને સરહદના વિસ્તારોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અહીં ઉલ્લેખનીય છે કે કૈલાસ માનસરોવરની યાત્રા માટે લિપુલેખ સીમા સુધીનો રસ્તો બનાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાં સામેલ હતું અને આ રસ્તાના નિર્માણના કામ પર વડાપ્રધાન કાર્યાલયના અધિકારી વિશેષ નજર રાખી રહ્યા હતા.