સરકાર ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાના પોતાના પ્રયાસો જાળવી રાખશે તેવી ખાતરી આપી
કેન્દ્ર સરકારે ઊંચા મૂલ્ય ધરાવતી રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોની કાયદેસરતા રદ કર્યા પછી દેશના નાગરિકોએ તેની અદલાબદલી કરવા માટે જે ધૈર્ય અને શિસ્ત દાખવી એ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને પણ જણાવ્યું હતું કે, દેશના વ્યાપક હિત માટે ટૂંકા ગાળાની આ મુશ્કેલી વેઠવા માટે નાગરિકોએ જે ધૈર્ય અને ઉત્સાહ દાખવ્યો એ જોઈને ખરેખર આનંદ થાય છે. તેમણે ખાતરી આપી હતી કે સરકાર ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવાના પ્રયાસો ચાલુ રાખશે અને દરેક નાગરિક સુધી વિકાસના મીઠાં ફળ પહોંચે એ સુનિશ્ચિત કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “નાગરિકો બેંકરો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તથા અતિ ધૈર્યપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે ચલણી નોટોની અદલાબદલી કરાવી રહ્યા છે એ જોઈને ખરેખર ખુશીની લાગણી થાય છે. તે જોઈને પણ આનંદ થાય છે કે લોકો વરિષ્ઠ નાગરિકોને નાણાં ઉપાડવામાં અને તેમની ચલણી નોટોની અદલાબદલી કરવામાં સ્વૈચ્છિકપણે સહકાર આપી રહ્યા છે. દેશના વ્યાપક અને લાંબા ગાળાના હિત માટે આ ટૂંકા ગાળાની મુશ્કેલી નાગરિકો જે ધૈર્ય અને ઉત્સાહ સાથે ઉઠાવી રહ્યા છે એ જોઈને ખરેખર આનંદ થાય છે. હું તમને ખાતરી આપું છું કે સરકાર ભારતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા અને દેશના દરેક નાગરિક સુધી વિકાસના મીઠા ફળ પહોંચાડવા પોતાના પ્રયાસો જાળવી રાખશે.”