ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને સલામત લાવવવા કાર્યરત છે.
- કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા
ઈશ્વરિયા સોમવાર તા.૨૮-૦૨-૨૦૨૨
વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને સલામત રીતે લાવવા ભારત સરકાર કાર્યરત છે, આ માટેની નિયત માર્ગદર્શિકા સૂચન પાલન માટે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ તાકીદ કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ યુક્રેન યુદ્ધ પરિસ્થિતિમાં ગુજરાત સહિત દેશના ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે વ્યવસાયકારો સહિત તમામને સલામત રીતે લાવવા ભારત સરકાર સંપૂર્ણપણે કાર્યરત હોવાનું પત્રકારોને જણાવ્યું છે, તેઓ આજે ભાવનગર જિલ્લાના સણોસરા ખાતે એક કાર્યક્રમમાં આવ્યા હતા.
મંત્રી શ્રી માંડવિયાએ જણાવ્યા મુજબ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં લગભગ ૧૮થી ૨૦ હજાર જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય ભારતીયો રહેલા છે, જેઓને તબક્કાવાર અંદરથી યુક્રેન સરહદ પર લાવી પડોશી હંગેરી, પોલેન્ડ તથા રૂમાનિયા દેશોમાં લઈ જઈને ભારત લાવવા કાર્યવાહી થઈ રહી છે. આ માટે ચાર માર્ગ સ્થાનો પર ખાસ કચેરીઓ કાર્યરત કરાઈ છે. આ માટે વિદેશ મંત્રાલય દ્વારા ખાસ સલાહ માર્ગદર્શિકાઓ જાહેર થઈ રહી છે, તે સૂચન પાલન માટે તેઓએ આગ્રહ વ્યક્ત કર્યો છે. આ માટે કેન્દ્ર સરકારે ચાર મંત્રીઓને પણ વિશેષ જવાબદારી સાથે ચાર દેશોમાં મોકલાઈ રહ્યા છે.
યુદ્ધની પરિસ્થિતિ જ્યાં કપરી છે, ત્યાંથી કોઈ પણ બહાર ન નીકળે એ પણ જરૂરી છે, જ્યાં શાંતિનું વાતાવરણ છે ત્યાંથી રાજદૂતવાસ દ્વારા અપાતી માર્ગદર્શિકા મુજબ શક્ય ઝડપી કાર્યવાહી થઈ રહી છે.
મંત્રી શ્રી માંડવિયાએ ઉમેર્યું કે હાલ દૈનિક બેથી ત્રણ હજાર ભારતીયોને સીધા કે અન્ય દેશોમાં થઈને વતનમાં લાવવવા કામગીરી ચાલુ છે.