આલેખન : ચોથું વર્ષ બેઠું

આલેખન : અભિગમ અને અભિલાષા

સ્નેહીજનો ..
દિવાળી પર્વોની શુભકામના...
નૂતન વર્ષ અભિનંદન...!

સાંપ્રત સમયની સાથે સમાચાર આદાન-પ્રદાન ક્ષેત્રે જબરી ક્રાંતિ આવી છે, જેમાં આપની શુભભાવના સાથે 'આલેખન' વિજાણુ પટલ પ્રારંભ કરી રહ્યા છીએ, જેમાં આપની શુભકામના તો રહેલી જ છે, જેનો આનંદ છે.!

आनो भद्रा: क्रतवो यन्तु विश्वत:  ઋગ્વેદના મંત્ર ભાવાર્થ મૂજબ અમોને દરેક દિશાએથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ..! આવી કામના રહેલી છે.
દિવાળી અને નૂતન વર્ષના મંગલમય દિવસોમાં કાળી ચૌદશના પર્વે સમાચાર વિજાણુ પટલ 'આલેખન' શુભારંભ થઇ રહ્યો છે, જેનો અભિગમ સમાજના વિવિધ પ્રવાહ પ્રસંગોની નોંધ રચનાત્મક હેતુથી અને માતૃભાષા ગુજરાતીના ગૌરવ સ્વાભિમાન સાથે થાય તે રહેલો છે.

કાળીચૌદશના પર્વે શુભારંભ થાય તે માટે થોડો માનસિક કચવાટ હતો જ, પરંતુ અંતરમાં થયું કે, અંધકારમાંથી ઊંજાસ માટે માણસે પ્રયત્નશીલ રહેવું જ જોઈએ, અજવાસનું મૂલ્ય અંધકારના લીધે જ છે.  કાળીચૌદશ બાદ જ દિવાળીની ઝળહળાટ ભરી રાત અને દિવ્ય ઊંજાસમય નૂતન વર્ષની સવાર આવી શકે છે. આથી આ પ્રારંભના પર્વનું માહાત્મ્ય છે જ. સાધકો માટે સાધનાનું આ પર્વ પત્રકારત્વની સાત્વિક સાધના માટે પણ મહત્વ સમજાય છે.!
આપણા સમાજનું સમાચાર લેખન એટલે 'આલેખન'. આપ સૌ વ્યક્તિગત તેમજ આપની સંસ્થા કચેરી દ્વારા 'આલેખન' માટે પૂરતા સહયોગી બનશો તેવી અભિલાષા રહેલી છે.

www.alekhan.in પ્રારંભે વિવિધ ક્ષેત્રના મહાનુભાવ, પદાધિકારી, અધિકારી, સંબધિ, અને શુભેચ્છક દ્વારા અઢળક શુભકામના પ્રાપ્ત થઇ છે, જેથી હૈયામાં પોરહ વધ્યો છે.!
સૌના સહયોગની કાયમ અપેક્ષા...! આભાર...!


  -મૂકેશકુમાર પંડિત
    સંપાદક

    કાળીચૌદશ  શનિવાર તા. ૨૯ - ૧૦ - ૨૦૧૬