સંસ્કૃતિનું જતન : સાધુ સંતો સંસારના બાચકાથી થાકેલો માણસ સાધુ બને, પોતાના આત્મ ચિંતન થી સંત બને... જે હોય તે પણ આપણે સાધુ સંતોને ભાવ આસ્થાથી નમી પડતા રહીયે છીએ, આપણા જીવનનો એક અનોખો ભાગ રહેલો છે.
કોય ગામડામાં, વગડાની ઝૂંપડીમાં કે તેમાંથી હવે આધુનિક દોમ દોમ સાહ્યબી ધરાવતા આશ્રમોમાં સાધુ સંતો જોવા મળે... કહોને દર્શન કરવા મળે. ભારતીય સંસ્કૃતિમાં સાધુ પરંપરામાં જે ભક્તિ-સાધના પ્રવાહ છે, તેમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત અને અન્યો રહેલા છે.
વિવિધ સાધનાની ભૂમિકા અને પ્રક્રિયા સાથે વિવિધ ઉપાસના વિધિ સાથે અદભૂત ક્રિયા કર્મકાંડ રહેલું છે. દિગંબર સ્વરૂપથી લઇ અઘોર સ્થિતિમાં આપણા આ સાધુઓ સાત્વિક અને તાંત્રિક પૂજા કરતા રહે છે.
કેટલીક માન્યતા તેમજ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ વાત જવા દઈએ નાનકડા ભૂલકા પણ સંસાર છોડીને કોઈ ગુરુ સાધુના શરણે સાધના માર્ગ અપનાવે છે. સાંસારિક જીવનથી હતપ્રભ જીવ બિચારો ના છૂટકે બાવા બની નીકળી જાય છે. પોતાની વિચાર શુદ્ધિથી કોઈ ક્રિયા કલાપમાં પડ્યા સિવાય સાધુ બની જાય છે. સંતોનું કામ સંસારમાં શાંતિ આપવાનું છે, ભારતવર્ષની સંસ્કૃતિનું જતન સાધુ-સંતો દ્વારા વહન થયું છે, જે આજે પણ આપણા પર્વો-મેળાઓમાં મળે છે. મહાકુંભમેળામાં આ દર્શન થાય છે.