હું તમારી સાથે નોકરી ના કરી શકું... કારણ,
મારો અને તમારો બેયનો સ્વભાવ ખોંચરો પડે...
...અને મહેન્દ્રભાઈ ગોહિલ હકારમાં હસી પડતા...!
માત્ર સમાચાર કે અહેવાલ લખી નાખનારા નહિ, કોઈ પણ નવતર કામમાં નવું કરી દેખાડનારા આદરણીય મહેન્દ્ર ગોહિલ આજે દિવંગત થઈ ગયા... ૐ શાંતિ...!
મ.ગો. તરીકે તેમના સાથીદારોમાં જાણીતા મહેન્દ્રભાઈ ગોહિલ માત્ર પત્રકારત્વ પૂરતું નહી, સાહિત્ય, વાસ્તુશાસ્ત્ર , અભિનય, લેખન, પ્રકાશન અને... પ્રચાર પ્રસારમાં અજબનું પ્રભુત્વ ઉભું કરી દેખાડનારા રહ્યા... કવિની સંવેદનશીલ કોમળતા સાથે કોઈના બાપની સાડીબાર ન રાખનાર મહેન્દ્રભાઈના જવાથી એક અનોખા પાત્રની ખોટ રહેશે...
મેં જુદા જુદા સમાચારપત્રો સાથે કામ કર્યું, સમાચાર સંસ્થાઓમાં ગમે ત્યાં રયો મહેન્દ્રભાઈ સાથે ટહુકો કરી લેતો... એ સમય તો એવો હતો જયારે તમારી સંસ્થા સિવાયના હરીફ પત્રકારો કે સમાચારપત્રોની કચેરીમાં ગયા હો તો જાસૂસી થતી...
હું સૌરાષ્ટ્ર સમાચારમાં જોડાયો ત્યારે મહેન્દ્ર ગોહિલ સાથે કામ કરવાની તક મળી, તે અમદાવાદથી પ્રસિદ્ધ થતા ગુજરાત સમાચારમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરતા, તે બહારગામ જાય તો કેટલીક વાર મારે ત્યાં સમાચાર મોકલવાના થતા, પણ એ વખતે તેમાં ભાવનગરના ખાસ હોય તેવા એક કે બે ફકરાના સમાચારને સ્થાન મળતું. ગુજરાત સમાચાર માટે અવનવા પ્રકાશન વિચારો આપતા, એ પછી જિલ્લા આવૃત્તિ માટે તેમનો વિચાર અમલી થતા આજે મોટા ભાગના દૈનિકો જિલ્લા કે વિસ્તારવાર આવૃતિઓ આપી રહ્યા છે.
મહેન્દ્ર ગોહિલ તેના જીવનમાં ક્યારેય કોઈને ઝૂકવાનું શીખ્યા નહીં... ગમે તે સંસ્થામાંથી નોખા પાડવાનું થયું, મૂળ માલિક કે સંચાલકો સાથે સંબંધ જાળવી રાખવામાં ચીવટ રાખતા. મહેન્દ્ર ગોહિલ નામથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ વાતચીતમાં 'ગોહિલ' એટલે દરબાર જ્ઞાતિ સમજી 'મહેન્દ્રસિંહજી' કે 'બાપુ' એમ વાતચીતમાં સંબોધન કરે તો વાત અટકાવી પોતે દરજી જ્ઞાતિના હોવા અંગે જાણ કરી દેતા.
મારે ભાવનગરમાં જવાનું થાય એટલે તેમને ત્યાં જ ઉતારો, મારી લખાણપટ્ટી તેમને ત્યાં જ, તેમની જ ચા સાથે. હરેશભાઈ કે કાજીભાઈ એક બે વાર ચા મંગાવી નાખે. મહેન્દ્રભાઈ માટે એક પૈસાનો ધંધો મારાથી થયો નથી, તોય તેમનું કાર્યાલય મારુ હોય તેમ અધિકાર. અરે કેટલીકવાર બપોરે ઊંઘી પણ ત્યાં લેતા.
વાતચીતમાં કાયમ નવી જ વાત. હળવી જ વાત... કેટલીકવાર વાત મોડી સમજાય, ત્યારે હસવું આવે. ધારાશાસ્ત્રી અને સાહિત્યકાર નાઝીરભાઈ સાંવત એટલે મ.ગો.ની સૌથી વધુ હસી મજાક અને સત્તાવાર મશ્કરી કરી લેનાર વ્યક્તિ. મહેન્દ્રભાઈ સાંભળે નહિ તેમ અમારી પાસે મહેન્દ્રભાઈ વિષે 'અઘરી' મજાક સંભળાવી દે... આજે મહેન્દ્રભાઈના અવસાનના સમાચાર તેમણે જ આપ્યા...!
કાયમ ખણખોદ કરીને નવું નવું લાવનારા મહેન્દ્રભાઈ થોડા વર્ષો પહેલા જાણીતા ઉદ્યોગપતિ શ્રી કાવાભાઈ ભરવાડ સાથે અમદાવાદથી ઉપગ્રહ આધારિત 'બીઝ' (ન્યૂઝ ચેનલ ) માટે આયોજન કર્યું. આ કામગીરીમાં અમને સામેલ કર્યા, હું અને આનંદ રાજદેવ. આમ પણ નવું ના કરે તો મહેન્દ્ર ગોહિલ નહિ. ત્યારે ચાલતી બધી ચેનલ તેમના પ્રતિનિધિ જિલ્લાવાર રાખતા 'બીઝ' માટે ગુજરાતભરમાં તાલુકાવાર તેમજ મોટા ગામમાં પણ પ્રતિનિધિઓ ગોઠવ્યા, નાના સમાચારને પણ સ્થાન અને તરત જ સમાચાર પ્રસારણ થઈ જાય. પોતાના દીકરાના લગ્નમાં પાંચ સાત દિવસ રાત્રીના નાસ્તા ભોજન સાથે અલગ કાર્યક્રમો રાખ્યા... બાળપણની રમતો, મોટી ચોગઠાબાજી ચિત્રપટ ગીતો, તો બીજી રાતે બીજું કૈંક... ઠંડીમાં પણ સમી સાંજે ઈશ્વરિયાથી યોગેશ જોશી સાથે તસવીરો લેવા પહોંચી જતા, અડધી રાતે ભાવનગરથી ઈશ્વરિયા પહોંચતા ...પણ આયોજન અમારું છે, તેમજ.
મહેન્દ્રભાઈના ચોકસાઈના સ્વભાવમાં આપણે ના ગોઠવાતા, એટલે હું તેમના વડપણમાં ક્યાંય નોકરી ના કરું. 'બીઝ' માટે ગોઠવાતા સાથે જ મેં મહેન્દ્રભાઈને કીધું કે, આપડે અહીંયા બધું ગોઠવાય જાય બાદ મારા ગામ ઈશ્વરિયા સિહોર માટે પરત, હો...! આમ પણ મહેન્દ્રભાઈને ભાવનગર બેઠા હોઈએ ત્યારે કહેતો કે... હું તમારી સાથે નોકરી ના કરી શકું... કારણ, મારો અને તમારો બેયનો સ્વભાવ ખોંચરો પડે... ...અને મહેન્દ્રભાઈ ગોહિલ હકારમાં હસી પડતા...! મહેન્દ્રભાઈ સાથે પ્રેમભાઈ કંડોલિયા પણ કોઈ કોઈ કામ માટે મને સાથે જોડતા ત્યારે ફરી આવી વાતો આવતી. ...એક વાત પાક્કી હતી, મને કાયમ કશુંક કરી લેવા, મેળવી લેવા, કમાણી કરવા શિખામણ આપતા રહેતા. ( હું માનતો નહીં.) તે કહેતા આ માનશે નહિ.
ઠીક છે, કેટલાયે સંસ્મરણો બધાને આવી રહ્યા છે. તેમના સંપર્કો અને સંબંધો સ્થાનિક અને દેશ દુનિયાના બીજા ભાગો સુધી રહ્યા... અધિકારીઓ કે પદાધિકારીઓ સૌ સાથે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે પણ ચૂંટણી શ્રી સુનિલભાઈ ઓઝા સાથે રહી પ્રચારમાં મહત્વના આયોજનો ઘડી આપેલા. અરે.. કેટલાય માટે અવનવા તરંગ તુક્કા જેવી વાતો સાકાર કરી દેનાર 'મગો' અચાનક લાગણીને દગો આપી ગયા.
સવારના આ બનાવ બાદ સમાચાર પ્રસરતા કુંઢેલીના જીતુભાઇ જોશી, સાહિત્યકાર તખુભાઈ સાંડસુર કે પત્રકાર જતીન સંઘવી આ વાત કેમ માનવી ? એમ લાગણી દર્શાવતા રહ્યા. મારી સાથે રહેતા મારા ગામના જગદીશ ચાવડા અને લાલાભાઈ ગોહિલ... બધા જ 'ભારે કરી' એમ કહી રહ્યા છે. શું થાય..? માત્ર લાગણી રહેવાની... સ્મરણાંજલિ... ૐ શાંતિ...!
( તસવીરો - મહીસાગર જિલ્લામાં સાથે એક પ્રવાસ દરમિયાન લીધેલી )
- મૂકેશ પંડિત